• Gujarati News
  • National
  • Manish Sisodia's Counterattack On Alleged Role Of Oxygen In Delhi Politics: Who Approved The Report Made At The BJP Headquarters?

કોણ સાચું-કોણ જૂઠું:દિલ્હીના રાજકારણમાં ભળ્યો ઓક્સિજન, સંબિત પાત્રાના આરોપ પર મનીષ સિસોદિયાનો વળતો પ્રહાર-ભાજપના હેડક્વાર્ટરમાં બનાવેલા રિપોર્ટને કોણે મંજૂરી આપી

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • મનીષ સિસોદિયાએ કહ્યું- આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બેસીને બનાવવામાં આવ્યો
  • ઓક્સિજન બાબતે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે

સુપ્રીમ કોર્ટની એક પેનલના રિપોર્ટને લઈને ભાજપ અને દિલ્હી સરકાર ફરી સામસામે આવી છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે દિલ્હીમાં કોરોના પીક પર હતો ત્યારે કેજરીવાલ સરકારે જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી. એનાથી 12 રાજ્યના સપ્લાય પર અસર પડી.

આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલના જુઠ્ઠાણાથી 12 રાજ્યને અસર થઈ છે. તેની 20-25 મિનિટ બાદ જ દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કહ્યું હતું, આવો કોઈ રિપોર્ટ જ નથી. આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બેસીને બનાવવામાં આવ્યો છે.

પેનલ રિપોર્ટ મુદ્દે સંબિત પાત્રાના આરોપ, સિસોદિયાનો જવાબ

કેજરીવાર નિષ્ફળ થઈ રહ્યા હતા, તેમને પોતાના દોષ બીજા પર ઢોળવા હતા- ભાજપ
સંબિત પતરાએ કહ્યું, 'દિલ્હીમાં ઓક્સિજન બાબતે રાજકારણ કરવામાં આવ્યું છે, અમે એ બાબતે એક રિપોર્ટ જોયો છે. બીજી લહેરમાં દિલ્હીમાં હાહાકાર મચ્યો હતો, પરંતુ કેજરીવાલે ઓક્સિજન બાબતે જે રાજકારણ કર્યું, એનો પર્દાફાશ આ રિપોર્ટથી થઈ ગયો છે. શું ઓક્સિજન મુદ્દે પણ કોઈ રાજકારણ કરી શકે છે? પણ કેજરીવાલે આવી નાની રાજનીતિ કરી.

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જેટલી માગ છે એટલો ઓક્સિજન કેન્દ્ર સરકાર સપ્લાય કરતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પેનલના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કેજરીવાલે તેની જરૂરિયાત કરતાં 4 ગણા વધારે ઓક્સિજનની માગ કરી. તેના આ જુઠ્ઠાણાથી 12 રાજ્યને અસર પહોંચી છે.

સંબિત પાત્રાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કેજરીવાલ સરકારે લોકો સાથે દગો કર્યો છે.
સંબિત પાત્રાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કેજરીવાલ સરકારે લોકો સાથે દગો કર્યો છે.

કેજરીવાલે બીજા પર દોષ ઢોળવા હતા
પાત્રાએ વધુમાં કહ્યું હતું કે તમે કોરોના સમયે આપ નિષ્ફળ રહ્યા હતા અને તમારે કોઈ પર દોષ ઢોળવા હતા, તેથી જ તમે ઓક્સિજનનો અભાવ હોવાનું બહાનું કાઢવાનું શરૂ કર્યું. કેજરીવાલ અન્ય રાજ્યો પર આક્ષેપો કરવા લાગ્યા. કેજરીવાલે 1140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરી હતી, જ્યારે દિલ્હીની હોસ્પિટલોનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કેજરીવાલ 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી છે. આ એક ઘોર ગુનો છે જે કેજરીવાલે કર્યો છે.

ભાજપને પડકાર કરું છું, આવો રિપોર્ટ હોય તો સામે લાવો: સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે "ભાજપના નેતાઓ જે રિપોર્ટનો હવાલો આપતા કેજરીવાલજીને અપશબ્દો કહી રહ્યા છે, એવો કોઈ રિપોર્ટ જ નથી. ભાજપ ખોટું બોલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ઓક્સિજન ઓડિટ કમિટી બનાવી હતી. અમે તેના સભ્યો સાથે વાત કરી છે. દરેક કહે છે કે તેણે આવા કોઈ રિપોર્ટ પર સહી કરી જ નથી. જ્યારે ઓક્સિજન ઓડિટ સમિતિના સભ્યોએ કોઈ રિપોર્ટ પર સહી કરી જ નથી, જો મંજૂર પણ કર્યો નથી, તો આ રિપોર્ટ ક્યાં છે? આ કયો રિપોર્ટ છે? એ ક્યાંથી આવ્યો?

"હું ભાજપના નેતાઓને આ રિપોર્ટ લાવવા પડકાર ફેંકું છું. જુઠ્ઠાણાં અને દગાબાજીનો દોર વધી ગયો છે અને ભાજપ તે ચરમ પર પહોંચી ગયો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. હું કહેવા માગું છું કે કાયદાકીય બાબતોમાં આવું કરવું યોગ્ય નથી. એપ્રિલમાં ઓક્સિજનનું સંકટ થયું હતું. જે લોકો દાખલ હતા તેઓ આ વાત જાણે છે. જેની માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, જેણે આખા દેશમાં ઓક્સિજન મેનેજમેન્ટને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું હતું.

ઓક્સિજનની માગ પર લગાવાયેલા આરોપો સામે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો હતો.
ઓક્સિજનની માગ પર લગાવાયેલા આરોપો સામે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો હતો.

ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ
સિસોદિયાએ વધુમાં કહ્યું હતું કે ભાજપના નેતાઓને આ મોટું જૂઠ બોલતાં શરમ આવવી જોઈએ. આ લોકો ભાજપના મુખ્યાલયમાં બેસીને રિપોર્ટ બનાવે છે. આ પછી અરવિંદ કેજરીવાલને અપશબ્દો કહેવામા આવે છે. તેઓ તે બધા લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે જેમણે કેન્દ્રની ખોટી વ્યવસ્થાપનને કારણે પોતાના લોકો ગુમાવ્યા છે. હું મોદીજીને વિનંતી કરું છું કે તમારા નેતાઓનું ધ્યાન રાખો. આ ભારતીય ઝગડા પાર્ટી બની ગઈ છે. તમારા નેતાઓને કોઈ યોગ્ય પ્રકારનું કામ આપો.

શું છે રિપોર્ટમાં?
સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના વચગાળાના રિપોર્ટમાં જણાવ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર હતી ત્યારે જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી. એને કારણે 12 રાજ્યના સપ્લાય પર અસર પહોંચી હતી.

દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેર વખતે કેન્દ્ર પાસેથી 1,140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરી હતી. રિપોર્ટ અનુસાર, આ દિલ્હીની જરૂરિયાત કરતાં 4 ગણી વધારે છે. એ સમયે દિલ્હીમાં જેટલાં ઓક્સિજન બેડ હતાં એ અનુસાર તેને ફક્ત 289 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી.

હોસ્પિટલોએ પણ વધુ માગ જણાવી
રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે દિલ્હીમાં 284થી લઈને 372 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ વધુ સપ્લાયની માગને કારણે બીજાં રાજ્યો પર એની અસર પડી. પેનલ દિલ્હીના 4 હોસ્પિટલ તંત્ર સાથે પણ આ બાબતે પૂછપરછ કરી રહી છે. આ હોસ્પિટલોમાં બેડના હિસાબે વધુ ઓક્સિજન વપરાયો છે. તેમાં સિંઘલ હોસ્પિટલ, આસિફ અલી હોસ્પિટલ, ઈએસઆઇસી મોડલ હોસ્પિટલ અને લિફેરે હોસ્પિટલ સામેલ છે. રિપોર્ટ મુજબ આ હોસ્પિટલોએ ખોટા ડેટા આપ્યા અને દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને વધારીને જણાવી હતી.

​​​​​​​