તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન પર દિલ્હી સરકારની ચિંતા:સિસોદિયાએ કહ્યું- ભારત બાયોટેકે વધુ વેક્સિન આપવાથી ઈન્કાર કર્યો, 100 સેન્ટર બંધ કરવા પડ્યા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • 10મેના રોજ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કહ્યું હતું કે દિલ્હીમાં કોવેક્સિનનો માત્ર એક દિવસનો જ સ્ટોક બચ્યો છે

દિલ્હીમાં ઓક્સિજનની સમસ્યા હલ થતી દેખાઈ રહી છે પરંતુ હવે વેક્સિનને લઈને અહીંની સરકાર સતત ચિંતા કરતી દેખાઈ રહી છે. CM અરવિંદ કેજરીવાલ પછી હવે ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ વેક્સિનની અછતના કારણે સેન્ટર્સ બંધ હોવાની વાત કહી છે. સિસોદિયાએ મંગળવારે કહ્યું કે ભારત બાયોટેકે દિલ્હી માટે વધારાની વેક્સિન આપવાથી ઈન્કાર કર્યો છે. એવામાં તેમણે 100 વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા મજબૂર થવુ પડ્યું છે.

સિસોદિયાએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો, સલાહ પણ આપી
સિસોદિયાએ જણાવ્યું કે ભારત બાયોટેકે દિલ્હી સરકારને એક પત્ર લખ્યો છે. તેમાં સરકારી અધિકારી તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતા પછી વેક્સિન ઉપલબ્ધ ન હોવોની વાત કહેવામાં આવી છે. સિસોદિયાએ કહ્યું કે કેન્દ્ર સરકાર વેક્સિનના સપ્લાઈ પર નિયંત્રણ રાખી રહી છે.

તેમણે કહ્યું કે કેન્દ્રએ વેક્સિનની નિકાસ બંધ કરવી જોઈએ. દેશના બંન્ને વેક્સિન નિર્માતાના ફોર્મ્યુલા બીજી કંપનીઓની સાથે શેર કરવા જોઈએ. જેથી મોટા પાયે તેનું પ્રોડક્શન થઈ શકે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ હોય તેને ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવે કે દરેકને ત્રણ મહિનાની અંદર વેક્સિન ડોઝ આપવામાં આવે.

કેજરીવાલ અને સ્વાસ્થ્યમંત્રી પણ ઉઠાવી ચૂક્યા છે વેક્સિનનો મુદ્દો
10મેના રોજ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કહ્યું હતું કે દિલ્હીમાં કોવેક્સિનનો માત્ર એક દિવસનો જ સ્ટોક બચ્યો છે. કોવિશીલ્ડનો સ્ટોક માત્ર 3-4 દિવસ જ ચાલશે. જૈને કેન્દ્રને ઝડપથી વેક્સિન ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી હતી.

4 મેના રોજ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં થોડા દિવસો ચાલે તેટલી જ વેક્સિન બચી છે અને સમસ્યા દેશવ્યાપી છે. આજે માત્ર બે કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અને બંને મળીને મહિનામાં માત્ર 6-7 કરોડ વેક્સિન બનાવે છે. આ રીતે જોઈએ તો દેશના દરેક વ્યક્તિને વેક્સિન લગાવવામાં આપણને 2 વર્ષથી વધુ સમય લાગશે. જ્યાં સુધી દરેક ભારતીયને વેક્સિન લાગતી નથી, આ જંગ ન જીતી શકાય. તેમણે કહ્યું હતું કે વેક્સિન બનાવવાનું કામ માત્ર બે કંપનીઓ જ ન કરે, ઘણી કંપનીઓને વેક્સિન બનાવવામાં લગાવવામાં આવે.

મંગળવારે 12481 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
દિલ્હીમાં મંગળવારે 12481 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 13583 લોકો સાજા થયા અને 347 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 13.48 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 12.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 20,010 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 83,809ની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...