મણિપુરમાં મેઇતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવામાં આવ્યા બાદ દેખાવ સાથે શરૂ થયેલી હિંસાનો દોર 21માં દિવસે પણ જારી રહ્યો છે. બુધવારે બિષ્ણુપુર જિલ્લાનાં ટ્રોંગલાબીમાં કરફ્યૂમાં છુટછાટ આપવામાં આવ્યા બાદ ફરી હિંસા શરૂ થઇ હતી. કેટલીક દુકાનો, ઘર અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કેટલાક સશસ્ત્ર લોકોએ કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
રાજ્યનાં બિશનપુર, ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વનાં જિલ્લામાં કરફ્યૂમાં સાંજે ચાર વાગ્યા સુધી છુટછાટ આપવામાં આવી હતી. હિંસા ભડકી ઉઠ્યા બાદ કરફ્યૂમાં રાહત પાછી ખેંચી લેવામાં આવી હતી. આ હિંસાની શરૂઆત બિષ્ણુપુરનાં ગામ ત્રોંગ્લાઓબીમાં શંકાસ્પદ કુકી બળવાખોરો તરફથી મેઇતેઇનાં ત્રણ ઘરને આગ ચાંપી દેવામાં આવ્યા બાદ થઇ હતી.
મેઇતેઇનો દાવો | કુકી મૂળ રહેવાસીઓ નથી, પહેલા સમસ્યા ઉકેલો, પછી શાંતિમંત્રણા- કુકી સમુદાય
કુકી સમુદાયનાં લોકો કહી રહ્યા છે કે, સમાધાન કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (કેએનઓ) અને યૂનાઇટેડ પીપુલ્સ ફ્રન્ટ (યૂપીએફ)ની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની રાજકીય મંત્રણા મારફતે શોધવો જોઇએ. સરકારી પ્રતિનિધિઓ માત્ર શાંતિ મંત્રણા માટે કુકી પાસે કેમ આવી રહ્યા છે. પહેલા સમસ્યાને ઉકેલવી જોઇએ ત્યારબાદ જ શાંતિની વાત કરવી જોઇએ. બીજી બાજુ, મેઇતેઇ સમુદાયે કહ્યું છે કે, મ્યાંનમારનાં ઘુસણખોરોને બહાર કરવાની જરૂર છે. કેટલાક કુકી બળવાખોરોએ નાગરિકો પર ગોળીબાર પણ કર્યો છે.
ટાર્ગેટ : મંત્રીનાં આવાસ પર હુમલાખોરો દ્ધારા તોડફોડ
મણિપુરનાં મંત્રી ગોવિંદદાસ કોન્થાઉઝામનાં આવાસ પર હુમલાખોરોએ તોડફોડ કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ આસામનાં પ્રવાસે પહોંચ્યા છે. મણિપુર વિધાનસભાનાં અધ્યક્ષનાં નેતૃત્વમાં રાજ્યનાં રાજકીય પક્ષોનું પ્રતિનિધીમંડળ ગુરૂવારે ગુવાહાટીમાં અમિત શાહને મળશે.
ધરપકડ : 5 શૉટગન સહિત હથિયારો જપ્ત, 3ની ધરપકડ
સેનાનાં જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. મંગળવારે રાત્રે સેનાએ સેનાપતિ જિલ્લાનાં કાંગચુપ ચિંગખોંગ જંક્શન પર એક વાહનની તપાસ કરી હતી. જે દરમિયાન પાંચ શોટગન, 5 લોકલ ગ્રેનેડ અને અન્ય હથિયારો તેમજ દારૂગોળાનો જથ્થો જપ્ત કરાયો હતો. ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પાડોશી ચિંતિત : કાર્યવાહી કરવા મિઝોરમની અપીલ
મણિપુર હિંસા બાદ અન્ય પૂર્વોતર રાજ્યોમાં પણ ચિંતા વધી ગઇ છે. 10થી વધુ લોકોએ મિઝોરમ અને આસામમાં શરણાગતિ સ્વીકારી છે. મિઝોરમનાં સીએમ જોરમથાંગાએ કહ્યું છે કે, મણિપુરની સમસ્યા ગંભીર છે. સીએમ બીરેન સિંહ તોફાની લોકો સામે કઠોર કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.