• Gujarati News
  • National
  • The Young Man Fell Asleep Leaning His Head On The Tracks To Commit Suicide After Seeing The Oncoming Local Train, The Driver Applied Emergency Brake And Saved His Life.

થોડા મીટરે જ અટકી ગયું મોત:પૂરપાટ આવતી ટ્રેન જોઈ આત્મહત્યા કરવા પાટા પર માથું ટેકાવી યુવક ઊંઘી ગયો, ડ્રાઇવરે ઇમર્જન્સી બ્રેક લગાવી જીવ બચાવ્યો

મુંબઈ16 દિવસ પહેલા
આ ઘટનાને રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
  • લોકો સોશિયલ મીડિયા પર લોકો પાયલોટના કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે

મુંબઈના શિવડી રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં એક એવી ઘટના કેદ થઈ છે, જે થોડી ક્ષણો માટે તમારા શ્વાસને થંભાવી વીડિયો જોવા માટે મજબૂર કરી શકે છે. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખૂબ ઝડપથી આવી રહેલી લોકલ ટ્રેનની સામે એક વ્યક્તિ જીવ આપવા રેલવે-ટ્રેક પર માથું ટેકાવીને આત્મહત્યા કરવા જઈ રહી છે.

જોકે લોકલ ટ્રેનના મોટરમેનની સાવધાનીને લીધે મોત આ વ્યક્તિથી થોડા મીટરે જ અટકી ગયું અને તેનો જીવ બચી ગયો. આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. લોકો મોટરમેનના કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. રેલવે તરફથી તેમને સન્માનિત કરવામાં આવે એવી પણ વાત કહી રહ્યા છે.

વાઇરલ વીડિયો ક્લિપમાં શું છે
રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો શનિવારે સવારે 11.45 વાગ્યાનો છે. વીડિયોની શરૂઆતમાં રેલવે-ટ્રેક પર એક વ્યક્તિ બેદરકારીપૂર્વક ફરતી દેખાય છે. એ સમયે ત્યાંથી જેવી લોકલ ટ્રેન ખૂબ ઝડપથી નજીક આવી રહી હતી, એ સમયે આ વ્યક્તિ ઓચિંતા જ ટ્રેનના પાટા પર માથું ટેકાવીને ઊંઘી જાય છે. વીડિયોમાં દેખાતી આ વ્યક્તિએ એ સમયે પોતાની ગર્દનનો ભાગ પાટા ઉપર રાખી માથાને ટેકાવીને બે પાટાની વચ્ચે ઊંઘી ગયો.

જોકે લોકો પાયલોટે (ડ્રાઇવરે) એ સમયે આ વ્યક્તિને પાટા પર આત્મહત્યા કરવા ઊંઘેલી જોઈ અને ઈમર્જન્સી બ્રેક લગાવી દીધી. એને લીધે ટ્રેન તાત્કાલિક પાટા પર અટકી ગઈ અને જીવલેણ ઘટના થતાં-થતાં અટકી ગઈ. આ સંજોગોમાં ટ્રેક પર રહેલા યુવક પાસે સુરક્ષાકર્મચારીઓ દોડીને પહોંચતાં પણ જોઈ શકાય છે.

રેલવે મંત્રાલયે ટ્વિટર પર વીડિયો શેર કર્યો
રેલવે મંત્રાલયે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'મોટરમેન દ્વારા કરવામાં આવ્યું પ્રશંસનીય કાર્ય: મુંબઈના શિવડી સ્ટેશન પર મોટરમેને જોયું કે એક વ્યક્તિ ટ્રેક પર આવીને ઊંઘી જાય છે, તેમણે ત્વરિતતા અને સૂઝ દર્શાવી ઈમર્જન્સી બ્રેક લગાવી વ્યક્તિનો જીવ બચાવ્યો. તમારું જીવન કિંમત છે, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.' ​​​​​

આ વીડિયોને મળી ચૂક્યા છે લાખો વ્યૂ
આ વીડિયોને એક લાખ કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે અને 6 હજારથી વધારે લોકોએ લાઈક કર્યો છે, જ્યારે આશરે 900 લોકોએ રી-ટ્વીટ કર્યો છે. આ વીડિયોને જોયા બાદ એક યુઝરે લખ્યું, ' આ ખરેખર ભયાનક સ્થિતિ થવાથી બચી ગયો. ઈમર્જન્સી બ્રેક પણ ગાડીને બિલકુલ ઓચિંતા જ ઊભી રાખી શકાતી નથી, આ માટે પણ ડિસ્ટન્સ ઘણું અગત્યનું છે. ધન્ય છે લોકો પાયલોટ, જે જેણે સમયસૂચકતાનો પરિચય કરાવ્યો છે'