અજમેરના બિરલા વોટર સિટી પાર્કમાં થયેલી દુર્ઘટના વિશે ભલે તેના માલિકે ના પાડી દીધી હોય, પરંતુ સીસીટીવી ફૂટેજમાં એનો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક યુવક પૂલમાં હતો. સ્લાઈડથી આવેલો બીજો યુવક તેને અથડાયો. એને કારણે પૂલમાં ઊભેલો યુવક પાણીમાં પછડાયો અને દુખાવાને કારણે તે ચીસો પાડવા લાગ્યો. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં 3 દિવસની સારવાર પછી તેનું મોત થયું છે. રવિવારે આદર્શનગર પોલીસ સ્ટેશને વોટર પાર્ક જઈને ઘટનાની તપાસ શરૂ કરી છે. માલિકને પણ નોટિસ આપવામાં આવી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે પુલમાં ત્રણ મિત્ર એકસાથે ઊભા છે. સ્લાઈડરથી એક યુવક આવ્યો અને મહેબૂબના પેટ પર તેને ધક્કો લાગ્યો. ત્યાર પછી તેના મિત્રોએ તેને બહાર કાઢ્યો અને ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેનો પ્રાથમિક ઉપચાર કર્યો અને પછી તેને હોસ્પિટલ લઈ ગયા.
30 મેના રોજ દુર્ઘટના થઈ, 3 જૂને મોત
મૃતક યુવકના સંબંધી શેખ જિયાદુલે પોલીસને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 30 મેના રોજ મહેબૂબ ખાન અને પરિવારના લોકો અજમેર આવ્યા હતા. બપોરે 2 વાગે અમે બધા બિરલા વોટર સિટી પાર્ક ગયા હતા. 5 વાગ્યાની આસપાસ ઉપરથી આવતી સ્લાઈડમાં એક યુવક ખૂબ ઝડપથી આવ્યો. પૂલમાં ઊભેલા મહેબૂબ સાથે અથડાયો અને એને કારણે તે પાણીમાં પડી ગયો. મહેબૂબને પેટમાં દુખાવો થતાં તે ખૂબ મોટે મોટેથી ચીસો પાડવા લાગ્યો. તે ઊભો પણ નહોતો થઈ શકતો.
હોસ્પિટલમાં સારવાર કર્યા પછી તેને સારું લાગતા ઘરે લાવવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે તકલીફ શરૂ થતાં તેને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે આંતરડાંમાં ડેમેજ છે અને ઓપરેશન કરવું પડ્યું. સારવાર દરમિયાન 3 જૂને તેનું મોત થયું છે.
પોલીસે નોટિસ આપી
આદર્શનગર પોલીસ સ્ટેશનના ASI હરભાનસિંહે જણાવ્યું હતું કે પીડિતના મિત્રો અને પરિવારજનો સાથે વોટર પાર્કની મુલાકાત લીધી. ત્યાંના સીસીટીવી પણ તપાસ્યા. અહીંના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે આ દુર્ઘટના બિરલા વોટર સિટી પાર્કની જ છે. આ વિશે માલિકને નોટિસ આપીને જવાબ માગવામાં આવ્યો છે. બીજી બાજુ મૃતકનાં પરિવારજનોએ પણ વોટર પાર્ક પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તેમણે મૃતકનાં આશ્રિત પરિવારજનોને વળતર આપવાની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.