'જીવ આપી દઈશ, પણ નાગરિકતા નહીં જવા દઉં':મમતાએ કહ્યું- 'ભાજપ માત્ર ચૂંટણી સમયે જ આને મુદ્દો બનાવે છે'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીજેપી પર નિશાનો સાધ્યો છે. નદિયાના કૃષ્ણનગરમાં એક રેલી દરમિયાન મમતાએ કહ્યું હતું કે, હું મારો જીવ આપી દઈશ, પરંતુ કોઈની નાગરિકતા નહીં જવા દઉં. ભાજપ ચૂંટણી વખતે CAAને મુદ્દો બનાવે છે. ભાજપે આજ સુધી કઈ કર્યું નથી. તે ચૂંટણી વખતે ખોટા વાયદા કરે છે. ચૂંટણી તેમના માટે મજાક છે. ચૂંટણી પત્યા પછી તેઓ ધાર્મિક ભેદભાવની રાજનીતિ કરે છે.

રેલીમાં નદિયા સમુદાયને સંબોધિત કરતા કહ્યું ' મતુઆ અહિંયાના નાગરિક છે. જો તમે નાગરિક નથી તો હું પણ નાગરિક નથી. તમે અહિંયાના નાગરિક હોવ તો કોઈને તમારી નાગરિકતા છીનવવા ન દો. મમતા બેનર્જી ત્રણ દિવસ નદિયાના પ્રવાસે છે.

કેન્દ્રીય મંત્રીએ નાગરિકતા આપવાનું વચન આપ્યું
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાનાર છે, એવામાં રાજ્યમાં ફરી એક વખત CAAનો મુદ્દો ગરમાયો છે. સોમવારે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ મતુઆના વાર્ષિક સંમેલનમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમણે બધાને CAA અંતર્ગત નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. અમિત શાહ પણ CAAને સમગ્ર દેશમાં લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભાજપ ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં CAA લાગુ કરી શકે છે.

બંગાળ વિધાનસભાનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી
TMC નેતા અને મંત્રી ઘણી વખત રાજ્યમાં CAA લાગુ ન કરવાની વાત કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંગાળ સરકાર વિધાનસભાના શિયાળુ સત્રમાં CAA વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ લાવી શકે છે. બંગાળ વિધાનસભાનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

CAA કાયદો શું છે?
2019માં દેશમાં CAA કાયદો બન્યો ત્યારે દેશમાં તેનો વિરોધ થયો હતો. દિલ્હીનો શાહિનબાગ વિસ્તાર આ કાયદાના વિરુદ્ધમાં થયેલા આંદોલનનું કેન્દ્ર બિંદુ હતો. કાયદામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, બૌધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતા કાયદાના નિયમો સરળ બની ગયા હતા. આ પહેલા નાગરિકતા માટે 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, જે સમય ઘટાડીને 1થી 6 વર્ષ કરી દેવામાં આવ્યો હતો.

આ રીતે બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું
11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (CAB)ની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધમાં 99 મત પડ્યા. બીજા દિવસે 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ આ બિલે કાયદાનું સ્વરૂપ લીધું હતું. 9 ડિસેમ્બરે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

1955ના કાયદામાં કરવામાં આવેલા ફેરફારો
2016માં નાગરિકતા સંશોધન બિલ 2016(CAA) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1955ના કાયદામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો ભારતના ત્રણ મુસ્લિમ પાડોશીઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાના હતા. તેને 12 ઓગસ્ટ 2016ના રોજ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. સમિતિએ તેનો અહેવાલ 7 જાન્યુઆરી 2019ના રોજ સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...