• Gujarati News
  • National
  • Mamata Proposes Gopal Gandhi And Farooq Abdullah, 16 Parties Including Congress Shiv Sena Join

રાષ્ટ્રપતિ ચૂંટણી પર 2 કલાક વિપક્ષની મીટિંગ:મમતાએ ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યું, કોંગ્રેસ-શિવસેના સહિત 16 પક્ષના લોકો સામેલ થયા

નવી દિલ્હી3 મહિનો પહેલા

દિલ્હીમાં બુધવારે મળેલી વિપક્ષની મહત્વની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બે નામ પ્રપોઝ કરવામાં આવ્યા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠક બોલાવી હતી. લગભગ 2 કલાકની બેઠક પછી તેમને ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યા. જે બાદ શરદ પવારે કહ્યું કે અમે આ નામ પર વિચારવિમર્શ કરી રહ્યાં છીએ.

બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સહિત 16 પક્ષના લોકો સામેલ હતા. એકમત એવો થયો કે તમામ વિપક્ષના એક જ ઉમેદવાર હશે. આ બેઠકમાં આમઆદમી પાર્ટીએ ભાગ લીધો ન હતો. તો આમંત્રણ ન મળવાને કારણે અસદુદ્દીન ઓવૈસી પણ નારાજ થઈ ગયા.

બેઠકમાં કોંગ્રેસ, CPI, CPI(M), CPIML, RSP, શિવસેના, NCP, RJD, SP, NC, PDP, JD(U), RLD, IUML અને JMMના લીડર્સ સામેલ થયા હતા.

યેચુરીએ પહેલાં ઈનકાર કર્યો પછી મીટિંગમાં આવ્યા
મમતા બેનર્જી અને NCP ચીફ શરદ પવાર બેઠકમાં સામેલ થવા માટે મંગળવારે સાંજે જ દિલ્હી પહોંચી ગયા હતા. 14 જૂને દિલ્હીમાં મમતાએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી. તો આ તરફ CPIના સીતારામ યેચુરીએ સ્પષ્ટ કરી દીધું કે NCPના નેતા શરદ પવાર રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર નહીં હોય. તેમને એમ પણ કહ્યું કે મમતાના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં CPIના ટોચના નેતાઓ ભાગ નહીં લે. જો કે બુધવારે મળેલી બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા.

મમતાએ 22 નેતાઓને લખી હતી ચિઠ્ઠી
મમતાએ વિપક્ષના 8 સીએમ સહિત 22 નેતાઓને ચિઠ્ઠી લખીને બેઠકમાં હાજર થવાનો અનુરોધ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ થઈ હતી. કોંગ્રેસ તરફથી આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યાં હતા. દેશમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી થશે. જેને લઈને વિપક્ષ ભાજપ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યાં છે.

વિપક્ષની બેઠકના એક દિવસ પહેલા મમતા બેનર્જીએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી હતી.
વિપક્ષની બેઠકના એક દિવસ પહેલા મમતા બેનર્જીએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી હતી.

શરદ પવાર અને ખડગેનું નામ પણ ઉછળ્યું
આ પહેલા એવા સમાચાર હતા કે વિપક્ષી દળ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે NCP નેતા શરદ પવારના નામ પર સહમત જોવા મળે છે. શરદ પવાર પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના સમાચાર સામે આવી રહ્યાં હતા.

બંગાળના CMએ આ નેતાઓને આમંત્રણ મોકલ્યા હતા
મમતા બેનર્જીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના CM પિનરાઈ વિજયન, ઓડિશાના CM નવીન પટનાયક, તેલંગાનાના CM ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના CM હેમંત સોરેન, પંજાબના CM ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત 22 નેતાઓને પત્ર લખ્યો છે.

24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ
18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થશે, તો 21 જુલાઈએ પરીણામ જાહેર થશે. બંધારણના નિયમ મુજબ દેશમાં હાલ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થતાં પહેલા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવી જોઈએ. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...