તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Heavy On Modi In Bengal, Pilot In Rajasthan Without Direction, LJP's Lamp In Bihar Extinguished

દેશના રાજકીય પક્ષોમાં ધમાસાણ:ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ, અસ્તિત્વ ટકાવવા કે પાર્ટીના વિસ્તરણને લઈને તમામ શક્તિઓ કામે લગાડી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા લોકો ઘરવાપસી માટે વ્યાકુળ બન્યા છે. હજુ મુકુલ રોય ભાજપમાંથી TMCમાં જોડાયા એની કળ વળી નથી ત્યાં મમતાનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયેલા 30 ધારાસભ્ય પરત ફરવા આતુર બન્યા છે, એટલે કે ફરી દીદીના સાંનિધ્યમાં જવા અધીરા થયા છે. આયારામ - ગયારામની આ તડજોડની નીતિ એકલા પશ્ચિમ બંગાળમાં જ નથી, પરંતુ બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ક્યાંક ક્યાંક ગુજરાતમાં પણ જોવા મળે છે. પોતાના સ્વાર્થને સાધવા માટે કેટલાક નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આરામથી જતા રહે છે અને ત્યાં તેમનો સ્વાર્થ ન સધાય કે કોઈ ફાયદો ન મળે તો તેઓ એટલી જ સહેલાયથી પાછા પોતાના જૂના પક્ષમાં સામેલ થઈ જાય છે.

કેન્દ્રમાં મોદી સરકાર જ્યારથી આવી ત્યારથી અલગ અલગ રાજ્યમાં કમળ ખિલાવવા માટે ભાજપ જે-તે પક્ષનાં મોટાં માથાંને પોતાના પક્ષમાં લેતા કોઈ જ ખચકાટ નથી અનુભવતા. ભાજપમાં આજે એવી સ્થિતિ છે કે પક્ષના પાયાના કાર્યકર્તાઓ સાઈડલાઈન થઈ ગયા છે અને બીજા પક્ષમાંથી આવેલા લોકો ઊંચેરા પદ પર પહોંચી ગયા છે.

બંગાળમાં હજુ પણ ખેલ ખેલાશે
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા લોકોને પરત બોલાવવા માટે ખૂબ જહેમત કરી રહી છે. જોકે પાર્ટીની આ કોશિશ નિષ્ફળ દેખાઈ રહી છે. બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સાંજે રાજભવનમાં પક્ષના ધારાસભ્યોના એક પ્રતિનિધિમંડળની સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન લગભગ 24 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા ન હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે બંગાળ ભાજપમાં ભંગાણ નહિ પડેને?

એક રિપોર્ટ મુજબ, ભાજપના નેતાઓની બેઠકનો હેતુ રાજ્યપાલને રાજ્યમાં થઈ રહેલી ઘણી હિંસક અને ખોટી ઘટનાઓની માહિતી આપવાનો અને અન્ય મહત્ત્વપૂર્ણ મામલાઓ પર ચર્ચા કરવાનો હતો, જોકે ભાજપના 74માંથી 24 ધારાસભ્ય શુભેન્દુની સાથે આવ્યા ન હતા. એવામાં પાર્ટીમાંથી રિવર્સ માઈગ્રેશનની અટકળો શરૂ થઈ ગઈ છે. એનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે બધા જ ભાજપના ધારાસભ્યો શુભેન્દુને નેતા તરીકે સ્વીકારવા માગતા નથી. એક રિપોર્ટ મુજબ, ભાજપના ઘણા ધારાસભ્યો તૃણમૂલના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઘણા ભાજપના ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જઈ શકે છે. ગત સપ્તાહે મુકુલ રોય તૃણમૂલમાં પરત ફર્યા. માનવામાં આવી રહ્યું છે કે રાજીવ બેનર્જી, દીપેન્દુ વિશ્વાસ અને સુભ્રાંશ રોય સહિત ઘણા અન્ય નેતાઓ પણ રોયની પાછળ-પાછળ ફરીથી તૃણમૂલમાં જઈ શકે છે. રોયે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કૃષ્ણનગર ઉત્તર સીટ પર જીત પ્રાપ્ત કરી હતી.

ગુજરાતમાં AAPની એન્ટ્રીથી રાજનીતિનો ગરબો ઘૂમ્યો
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતની મુલાકાત આવ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને આપ પાર્ટીમાં જોડાવવાનું આમંત્રણ મળ્યું હોવાની ચર્ચાએ રાજ્યમાં જોર પકડ્યું છે. હકીકતમાં અમરીશ ડેરને કેજરીવાલે ફોન કરીને રેલવેના આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી. જ્યારે અમરીશ ડેરે પણ જણાવ્યું હતું કે AAPમાં જોડાવવા અંગે અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે રેલવે આંદોલન મુદ્દે કેજરીવાલે ફોન કર્યો હતો અને તેમણે કોઈ આમંત્રણ નથી આપ્યું.

ગુજરાતમાં આ પહેલાં પણ રાજ્યસભાની ચૂંટણી સમયે એટલે કે 2020માં કોંગ્રેસના લગભગ 8 ધારાસભ્યોએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસનું રાજ્યસભાનું ગણિત બગાડ્યું હતું. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. તો 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલાં પણ આયારામ-ગયારામની પ્રથા ચાલુ જ રહી હતી અને કોંગ્રેસના 14 જેટલાં ધારાસભ્યોએ રાજીનામાં આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ દોઢ વર્ષની વાર છે પરંતુ રાજ્યમાં ત્રીજા પક્ષની એન્ટ્રીથી ફરી રાજકારણ ગરમાયું છે. ​​​​​​

બિહારમાં LJPનો ચિરાગ બુઝાયો
રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીમાં ફાચર પડી છે. પાર્ટીના પાંચ સાંસદો પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહબૂલ અલી કેસર, વીણા દેવી, ચંદન સિંહ અને પ્રિંસ રાજે મળીને રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ પદો પરથી હટાવી દીધા છે, સાથે જ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. પશુપતિ કુમારને સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. LJPમાં ચિરાગ સહિત કુલ છ જ સાંસદ હતા.

LJPની લડાઈ હવે પરિવારમાંથી નીકળીને પાર્ટી સુધી પહોંચી ગઈ છે. સોમવારે જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ LJPના સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં ચિરાગ પાસવાનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. એ બાદ તરત જ ચિરાગ પાસવાને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી પાંચેય બળવાખોર સાંસદોને LJPમાંથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

21 વર્ષમાં પહેલી વખત પાર્ટી તૂટી
ચિરાગની નીતિ અને તેના કેટલાક નિર્ણયથી પાર્ટીમાં નારાજગી જોવા મળતી હતી, જેનો ફાયદો JDUએ ઉઠાવ્યો છે. JDUના 3 કદાવર નેતાઓએ LJP તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચિરાગને સૌથી વધુ વિશ્વાસ પોતાના પિતરાઈ ભાઈ અને સમસ્તીપુરના સાંસદ પ્રિંસ રાજ પર હતો, પરંતુ પ્રિંસ રાજ એ સમયથી નારાજ હતા, જ્યારથી તેમના પ્રદેશ અધ્યક્ષના પદમાં ભાગલા પાડવામાં આવ્યા હતા અને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારીને બનાવવામાં આવ્યો હતો. તો ચિરાગના કાકા અને હાજીપુરના સાંસદ પશુપતિ પારસ ત્યારથી નારાજ હતા જ્યારથી ચિરાગે JDU સામે બળવો કર્યો હતો. પશુપતિ પારસ મુખ્યમંત્રી નીતીશ કુમારના નજીકના ગણાય છે.

28 નવેમ્બર, 2000ના રોજ LJP બની હતી ત્યારથી પહેલી વખત પાર્ટીમાં ફૂટ પડી છે. માનવામાં આવે છે કે સંગઠનમાં પણ લોકો હવે પારસની સાથે જઈ શકે છે, જેને પગલે ચિરાગની તાકાત વધુ ઘટી શકે છે. અત્યારસુધી ચિરાગને રામવિલાસ પાસવાનના પુત્ર તરીકેનો ફાયદો મળતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાય શકે છે.

બિહાર કોંગ્રેસ પણ તૂટી રહી હોવાની આશંકા
LJPમાં ફૂટ પડ્યા બાદ હવે બિહાર કોંગ્રેસ પણ તૂટી રહી હોય એવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે અનેક ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસે આ વાતને માત્ર ટાઢાપોળના ગપ્પા ગણાવ્યા છે અને NDAના અસંતુષ્ટોને મહાગઠબંધનમાં સામેલ થવાની ઓફર આપી છે.

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજિત શર્માએ કહ્યું હતું કે બિહારમાં BJP-JDUની સરકારમાં જીતનરામ માંઝી અને મુકેશ સહની અસહજ અનુભવે છે, તેથી કોંગ્રેસ તૂટી રહી હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય ક્યાંય નથી જઈ રહ્યો. માંઝી અને સહનીને ડરાવવા માટે NDA દ્વારા આ પ્રકારનું કન્ફ્યુઝન ક્રિએટ કરાય છે. તો કોંગ્રેસ રિસર્ચ વિભાગના હેડ આનંદ માધવે કહ્યું હતું કે તૂટવાની અણીએ તો JDU છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી અશોક ચૌધરી કોંગ્રેસમાંથી JDUમાં ગયા છે ત્યારથી આવી અફવાઓ ઉડાવવામાં આવી રહી છે કે કોંગ્રેસ તૂટી રહી છે.

રાજસ્થાનમાં પણ અનેક રાજકીય રંગ જોવા મળે છે
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગેહલોત સરકાર પર પહેલેથી સંકટ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશમાં જ્યારથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે, ત્યારથી એવી વાતે જોર પકડ્યું છે કે સચિન પાયલોટ પણ ગમે ત્યારે પોતાના સમર્થકોની સાથે પક્ષપલટો કરી શકે છે. જોકે ગત વર્ષે સચિન પાયલોટના જૂથમાં જોવા મળતા કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માએ યુટર્ન માર્યો છે. ભંવરલાલે હવે ખોળો બદલતાં કહ્યું, અશોક ગેહલોતને પાર્ટી હાઈકમાને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે સચિન પાયલોટે પણ તેમને પોતાના નેતા માનવા જ પડશે. ભંવરલાલે કહ્યું હતું કે ગેહલોત મારા નેતા છે અને હંમેશાં રહેશે. તેમના મતે સચિન પાયલોટ પણ તેમના નેતા છે, પરંતુ ગેહલોતથી તેઓ નીચે છે.

ઉત્તરપ્રદેશમાં પણ ઊથલપાથલ
ઉત્તરપ્રદેશમાં BSPના બળવાખોર નેતા અસલમ રાઈની સહિત 6 ધારાસભ્યોએ મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા લખનઉ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અટકળ લગાડવામાં આવી રહી છે કે આ તમામ નેતા સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત BSPના વધુ ત્રણ ધારાસભ્યો પણ અખિલેશના સંપર્કમાં છે.

અખિલેશનો સંપર્ક કરનારા મોટા ભાગના તે જ ધારાસભ્યો છે જેમને માયાવતીએ પાર્ટીમાંથી હાંકી મૂક્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, આ ધારાસભ્યો હાલ સમાજવાદી પાર્ટીનું સભ્યપદ નહીં લે, પરંતુ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ આ પગલું ભરી શકે છે.

રાજ્યસભા ચૂંટણી પહેલાં નેતાઓને તોડવાનો કરાયો હતો પ્રયાસ
અખિલેશ યાદવે રાજ્યસભાની ચૂંટણી પહેલાં BSPને તોડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન BSPના 7 ધારાસભ્યોને માયાવતીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ ધારાસભ્યો પહેલાં પણ અખિલેશ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. 4 વર્ષમાં અત્યારસુધીમાં કુલ 11 ધારાસભ્યોને BSPમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

સામાન્ય રીતે ચૂંટણી સમયે કેટલાક નેતાઓ પોતાને ફાયદો થતો હોય તો તેઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ગુલાંટ મારતા હોય છે, પરંતુ જ્યારે તેમનો સ્વાર્થ ન સધાય કે જોઈતું ન મળે ત્યારે ફરી ગુલાંટ મારી ઘરવાપસી કરતા હોય છે. રાજકારણના કીચડમાં આયારામ - ગયારામ જેવા લેભાગુ નેતાઓની કોઈ ખોટ નથી, ત્યારે ચૂંટણી સમયે રાજ્યોમાં આવા ડ્રામા અવારનવાર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...