પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે ભુવનેશ્વરમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંગાળનાં મુખ્યમંત્રી નવીનને લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પક્ષોને નવા ગઠબંધનમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપી શકે છે. અત્યારે તેમાં ફક્ત સપા અને TMC જ સાથે આવ્યા છે.
17 માર્ચના રોજ અખિલેશ યાદવે મમતા બેનર્જી સાથે કોલકાતામાં તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન મમતા અને અખિલેશે ભાજપ અને કોંગ્રેસ બંનેથી અંતર જાળવવાનો નિર્ણય લીધો છે. આ બેઠક પછી અખિલેશે જણાવ્યું હતું કે, ભગવા છાવણીને હરાવવા માટે સપા મજબૂતી સાથે TMC સુપ્રીમો મમતા બેનર્જી સાથે ઊભો રહેશે.
અખિલેશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બંગાળમાં અમે મમતા દીદી સાથે છીએ. અમે ભાજપ અને કોંગ્રેસ બંનેથી અંતર બનાવવા માગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, અમે યુપીમાં ભાજપને હરાવી શકીએ છીએ, તો આખા દેશમાં ભાજપને હરાવી શકાય છે.
અગાઉ મમતાની પ્રશંસા કરી ચૂક્યા છે અખિલેશ
UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર દેશની સંપત્તિને વેચવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ એક કાર્યક્રમમાં અખિલેશ 2021ની વિધાનસભા ચૂંટણીમાં BJPને હરાવવા માટે મમતાની પ્રશંસા કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે સાંજે ઓરિસ્સા પહોંચ્યા હતા. બુધવારે તેમણે પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. તેના પછી મમતાએ બંગાળથી જગન્નાથ પુરી આવનારાઓ માટે ગેસ્ટ હાઉસ બનાવવા માટે જમીન પણ જોઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.