• Gujarati News
  • National
  • Malik Accuses Haji Arafat's Brother In Fake Note Case, BJP Leaders To Retaliate Today

મલિકનો ભાજપ પર આક્ષેપ:ડ્રગ્સનો તમામ જથ્થો ગુજરાતના રસ્તે આવે છે, કિરીટસિંહ-ગોસાઈ સહિત તમામ સંડોવાયેલા: મલિકનો આરોપ, રાણાએ કહ્યું- આ ખોટી વાત

મુંબઈ8 મહિનો પહેલા
  • કોંગ્રેસ-NCP માત્ર જૂઠાણાં જ ફેલાવે છે: જિતુ વાઘાણી
  • નવાબ મલિક અને ફડણવીસ વચ્ચે સામસામે પ્રહાર-વળતો પ્રહાર કરતાં લડાઈ યથાવત્

NCPના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ જ્યારથી ડ્રગ્સ કેસમાં ફસાયા છે ત્યારથી તેઓ રોજ રોજ પ્રેસ-કોન્ફરન્સ કરી નવા નવા આરોપ લગાવી રહ્યા છે. અત્યારસુધી નવાબ મલિક મહારાષ્ટ્રના મંત્રીઓ પર આરોપ લગાવતા આવ્યા છે, પરંતુ આજે તેમણે ગુજરાતના ભાજપના મંત્રીઓ પર પણ આકરા પ્રહારો કર્યા છે. નવાબ મલિકે આજે ગુજરાતના મંત્રીને સાણસામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે પ્રેસ-કોન્ફરન્સ કરી નવાબ મલિકે કહ્યું હતું કે 'મુંદ્રા પોર્ટ પછી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ દ્વારકાથી પકડાયું છે. શું આ કોઈ સંજોગ છે? મનીષ ભાનુશાળી, ધવન ભાનુશાળી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ સહિતના લોકો અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા હતા. તેમને ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ તે લોકો છે, જેઓ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે શું આ ડ્રગ્સ ગેમમાં ગુજરાતની ભૂમિકા છે કે નહીં?'

ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ BJP કાર્યાલયની મુલાકાત લીધી હતી એ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપતાં NCPના નેતા મલિક દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું. તો જિતુ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપી કિરીટસિંહ રાણા કે અન્ય કોઈ આગેવાનો ડ્રગ્સ કેસમાં કોઈ કનેક્શન નહીં હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ-એનસીપીને ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બદનામ કરે છે એવા આક્ષેપો કર્યા હતા.

નવાબ મલિકે ગુજરાતનું નામ લઈ ભાજપ પર નિશાન સાધ્યું
નવાબ મલિકે આ સાથે જ દેશને નશામુક્ત બનાવવા માટે 1985ના કાયદાનો હવાલો આપ્યો. મલિકે NCBના DGને વિનંતી કરતાં કહ્યું હતું કે 1985માં કાયદો એટલા માટે બન્યો હતો કે દેશને નશામુક્તિ બનાવવામાં આવે. તેમણે એવું કહ્યું હતું કે ગુજરાતથી ડ્રગ્સ આવે છે અને અમે ગુજરાતના ડ્રગ કનેક્શનને દેશની સામે લાવીશું. NCBના DG મામલાને ગંભીરતાથી લઈશું, આ અમારી વિનંતી છે અને એ અંગે સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. ભાજપ એવો પ્રચાર કરી રહી હતી કે નવાબ મલિક લડાઈમાં એકલા પડી રહ્યાં છે, પરંતુ એવું નથી, મારી સાથે પવાર સાહેબ અને CM બંને છે.

આ પહેલાં ડ્રગ્સ કેસમાં ગોસાઈ કિરીટ સિંહને મળ્યા હતા તે વિશે ભાસ્કરે પહેલાં જ કહ્યું હતું... તે સમગ્ર માહિતી જાણવા અહીં ક્લિક કરો

ગુજરાત ભાજપના નેતાઓએ આપ્યો વળતો જવાબ
ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે આપી આકરી પ્રતિક્રિયા હતી. શપથવિધિ કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય એનાથી કંઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબિત થતું નથી. દ્વારકામાં પકડાયેલાં ડ્રગ્સથી રાજકીય નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે એનસીપીના મંત્રી નવાબ મલિકે જે આક્ષેપો લગાવ્યા છે એ તદ્દન ખોટા છે. મારા જાહેર જીવનમાં અનેક લોકો સાથે મુલાકાત થતી હોય છે ત્યારે ત્યારે કોણે ફોટા પાડ્યા હોય એ મને ખબર નથી, પરંતુ જે ડ્રગ્સ કેસમાં આરોપી પકડાયો છે તેની સાથે મારે કોઈ ઓળખાણ નથી, માટે આ આક્ષેપો તદ્દન ખોટા છે.

તો શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણીએ નવાબ મલિક દ્વારા જે ભાજપના કિરીટસિંહ રાણા પર ગંભીર ડ્રગ્સ કેસ મામલે નિવેદનો કરવામાં આવ્યાં છે એ નકારી કાઢ્યા છે અને કોંગ્રેસ અને NCPના નેતાઓ તેમના સંસ્કારો જોઈ લે, અમારા પૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડવીસ બરોબર રીતે આવાં તત્ત્વો, દેશદ્રોહી સાથે કોને કબાબ અને બિરયાની પીરસ્તા હતા, દેશદ્રોહી સાથે રહેનાર કૉંગ્રેસ અને એનસીપી લોકો, અમારા રાજ્યના સિનિયર આગેવાન, મંત્રી કિરીટસિંહ રાણા ભાજપના વિચારો અને સંસ્કારો સાથે જોડાયેલા છે, હાલ ડ્રગ્સ કેસમાં મંત્રીઓને જે રીતે જોડવામાં આવે છે એને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા, સાથે જણાવ્યું હતું કે વિરોધપક્ષને પણ અનેક લોકો મળતા હોય છે, પરંતુ એનાથી કોઈ આક્ષેપ ફલિત થતા નથી. રાજ્યના જિતુભાઈએ ચેલેન્જ કરી હતી કે કિરીટસિંહ સાથેનું આવું કનેક્શન પુરાવા સાથે શોધીને લાવે તો અમારું નેતૃત્વ, અમારી સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટી એના માટે તૈયાર છે, ખોટા આક્ષેપો કરવા ખોટી ભ્રમણાઓ ફેલાવી એ કોંગ્રેસ અને NCPનું કામ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પર હંમેશાં લોકોના આશીર્વાદ રહ્યા છે, એ વિરોધીઓ શાખી શકતી નથી, માટે આવા આક્ષેપો કરે છે.

ફડણવીસને 5 કરોડની માનહાનિની નોટિસ મોકલી
NCPના નેતા અને લઘુમતી કલ્યાણમંત્રી નવાબ મલિકની પુત્રી અને જમાઈ સમીર ખાને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે 5 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. મલિકે ગુરુવારે આ માહિતી આપી હતી. મલિકે કહ્યું હતું કે ફડણવીસે તેમના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જો પૂર્વ સીએમ માફી નહીં માગે તો તેમનો પરિવાર સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં ફડણવીસ સામે માનહાનિનો કેસ દાખલ કરશે.

મલિકે એક દિવસ પહેલાં ગુજરાતમાંથી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સ મામલે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મલિકે કહ્યું, 'મહારાષ્ટ્રમાં કેટલાક ગ્રામ ડ્રગ્સ પકડીને આખા દેશમાં હોબાળો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, એની ચર્ચા થતી નથી. અમે સવાલ ઉઠાવીએ છીએ કે શું ડ્રગ્સની આ રમત ગુજરાતમાંથી તો નથી ચાલી રહી? ગુજરાતથી ઝડપાયેલા ડ્રગ્સના કેસને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે એનસીબીના ડીજીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના રસ્તેથી ડ્રગ્સ આવી રહ્યું છે અને અહીંથી જ એને આખા દેશમાં ફેલાવવામાં આવી રહ્યું છે. તેઓ ડ્રગ્સની આ રમતનો પર્દાફાશ કરે.'

નવાબે વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે મારા જમાઈના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. દ્વારકામાં ડ્રગ્સ પકડાયું છે, શું આ સંયોગ છે? તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાંથી ડ્રગ્સ આવી રહ્યું છે, અમે ગુજરાતના ડ્રગ કનેક્શનને દેશની સામે લાવીશું. NCBના ડીજી આ મામલાને ગંભીરતાથી લેશે, આ અમારી વિનંતી છે અને એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ભાજપ એવો પ્રચાર કરી રહી છે કે નવાબ મલિક લડાઈમાં એકલા પડી રહ્યા છે, પરંતુ મારી સાથે પવાર સાહેબ અને સીએમ બંને છે.

ભાજપના નેતા હાજી અરાફાત આજે મલિક વિશે નવા ખુલાસા કરશે
નવાબ માલિક અને સમીર વાનખેડેની વચ્ચે શરૂ થયેલી લડાઈ હવે ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી ગઈ છે. બુધવારે માલિકે આરોપ લગાવ્યા હતા કે પૂર્વ CMએ પોતાના કાર્યકાળ દરમિયાન નકલી નોટોની ફેરફેરીને વધારી હતી અને તેમણે નકલી નોટોના ધંધામાં સામેલ રહેલા ભાજપના નેતા હાજી આરાફાતના નાના ભાઈને બચાવ્યો હતો.

નવાબ મલિક (ડાબે)એ આરોપ લગાવ્યા હતા કે પૂર્વ મુખ્યમંત્રીએ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલા ભાજપના નેતા હાજી અરાફાત (જમણે)ના નાના ભાઈને બચાવ્યો હતો.
નવાબ મલિક (ડાબે)એ આરોપ લગાવ્યા હતા કે પૂર્વ મુખ્યમંત્રીએ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલા ભાજપના નેતા હાજી અરાફાત (જમણે)ના નાના ભાઈને બચાવ્યો હતો.

આ જ આરોપો સામે અરાફાત આજે એક પ્રેસ-કોન્ફરન્સ કરીને માલિક સામે ખુલાસા કરશે. તેમણે કહ્યું હતું કે તેના ભાઈ ઈમરાન શેખના માલિકની સાથે ફોટો પણ છે. મલિક તેમના લગ્ન અને બાળકોના બર્થડેમાં પણ આવ્યા હતા. હાજી અરાફાત શેખે વધુમાં કહ્યું હતું કે નવાબ મલિકે પિક્ચર શરૂ કર્યું છે, પરંતુ ફિલ્મ તો અમે સમાપ્ત કરીશું. અરાફાત શેખે કહ્યું હતું કે નવાબ મલિકનું માનસિક સંતુલન બગડી ગયું છે, તેમને તાત્કાલિક સારવારની જરૂર છે. મારી પાસે બોમ્બ નથી, પણ નવાબ મલિકના રહસ્યોને હું સામે લાવીશ.

મલિકના ફડણવીસ પર પ્રહાર
મોડી રાત્રે ટ્વીટ કરીને મલિકે કહ્યું, 'હોંશ તેમના ઊડી ગયા કે ચહેરો પણ ફિક્કો પડી ગયો, અમે તો માત્ર તેમને અરીસો બતાવ્યો છે.' આ પહેલાં મલિકે આરોપ લગાવ્યો હતો કે ફડણવીસે વિદેશોથી આવેલા ફોન બાદ અનેક નામચીન લોકોના કેસ ઉકેલ્યા. ફડણવીસના કહેવા પર વસૂલી કરવામાં આવતી હતી. ફડણવીસે રાજકારણનું અપરાધીકરણ કર્યું.

દેવેન્દ્ર ફડણવીસે મલિક સામે લગાવ્યા હતા અન્ડરવર્લ્ડથી જમીન ખરીદવાના આરોપ
આ પહેલાં 9 નવેમ્બરે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી. આ જમીનો મુંબઈમાં બ્લાસ્ટ કરનારા આરોપીઓની છે.

કોર્ટે કહ્યું- મલિકના ટ્વીટને ખોટું સાબિત કરો
મલિકે સમીર વાનખેડે પર અનેક આરોપો લગાવ્યા છે, જેમાં સરકારી નોકરી મેળવવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનો આરોપ પણ સામેલ છે. તેમની સામે ધ્યાનદેવ વાનખેડેએ 1.2 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુનાવણી દરમિયાન ધ્યાનદેવ વાનખેડેના વકીલ અરશદ શેખે સવાલ કર્યો હતો કે સમીરે તેવી વ્યક્તિને શા માટે ખુલાસો આપવો જોઈએ, જે માત્ર ધારાસભ્ય છે, કોઈ કોર્ટ નથી.

આના પર જસ્ટિસ માધવ જામદારે કહ્યું, "તમે સરકારી અધિકારી છો... તમારે માત્ર એટલું જ સાબિત કરવાનું છે કે ટ્વીટ (મલિક દ્વારા કરાયેલું ટ્વીટ) પ્રથમ દૃષ્ટિએ ખોટું છે. તમારો પુત્ર એકમાત્ર વ્યક્તિ નથી, પરંતુ તે એક સરકારી અધિકારી છે અને જાહેર જનતાનો કોઈપણ સભ્ય તેની સમીક્ષા કરી શકે છે.

વાનખેડે પરિવારે મલિક સામે નોંધાવી છે ફરિયાદ
આ પહેલાં સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ 8 નવેમ્બરે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ તેમના પરિવારની જાતિ વિશે ખોટા આરોપ લગાવવા માટે મુંબઈમાં ઓશિવારા વિભાગના મદદનીશ પોલીસ કમિશનર પાસે મલિક વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી. ધ્યાનદેવ કહે છે કે મલિકે તેમના પરિવારની જાતિ બાબતે ખોટું અને અપમાનજનક નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...