મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમાન સિંહ તોમરના શહેર ગ્વાલિયરમાં બે માળના મકાનનું લાઈટ બિલ 3400 કરોડથી વધુ (34 અબજ 19 કરોડ 53 લાખ 25 હજાર 293 રૂપિયા) આવ્યું. મોબાઈલ પર બિલનો મેસેજ આવતા જ પહેલાં તો પરિવારને લાગ્યું કે કંઈક ગરબડ હશે, પરંતુ જ્યારે ઓનલાઈન ચેક કર્યું તો આ રકમ જ જોવા મળી. જે બાદ મકાન માલિક મહિલા અને તેમના પિતાનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું. બંનેને હોસ્પિટલ લઈ જવા પડ્યા.
વિભાગે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે વીજળી કર્મચારીએ બિલની રકમમાં મીટર રીડિંગની જગ્યાએ સર્વિસ નંબર નાખી દીધો હતો. જે બાદ આ બિલ જનરેટ થયું. હવે ઘરનું બિલ ઘટીને 1300 રૂપિયા કરી દેવાયું છે. આ ભૂલને લઈને ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહે તોમરે કાર્યવાહી કરતા એક કર્મચારીને ડિસમિસ કર્યો છે જ્યારે બીજાને સસ્પેન્ડ કરી દેવાયો છે. સાથે જ જૂનિયર એન્જિનિયરને નોટિસ ફટકારી છે.
જમાઈએ જણાવ્યું- પત્ની અને સસરાનું બીપી વધી ગયું
શહેરના સિટી સેન્ટર મેટ્રો ટાવરની પાછળ શિવ વિહાર કોલોનીમાં એડવોકેટ સંજીવ પોતાની પત્ની અને સસરાની સાથે રહે છે. ઘરનું મીટર તેમની પત્ની પ્રિયંકા ગુપ્તાના નામે છે. પ્રિયંકા ગૃહિણી છે. સંજીવે જણાવ્યું કે પત્નીના મોબાઈલ પર ગત સપ્તાહે એક મેસેજ આવ્યો હતો. જેમાં આ વખતે તેમનું વીજળીનું બિલ 34 અબજ 19 કરોડ 53 લાખ 25 હજરા 293 રૂપિયા હતું. બિલ જોતાં જ પત્ની અને સસરા રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાનું BP વધુ ગયું. સસાર હાર્ટ પેશન્ટ છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
વીજળી કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી
સંજીવે જણાવ્યું કે 30 જુલાઈ સુધી બિલ ભરવાનું હતું, નહીંતર પેનલ્ટી લાગવાની હતી. જે બાદ તેમને વિજળી વિભાગના અનેક ચક્કર લગાવ્યા. અધિકારીઓને પોતાની વાત સમજાવી. વિજળી વિભાગના અધિકારીઓએ પણ ભૂલ સ્વીકારી અને કરેક્શન કર્યું. વીજળી કંપનીએ તો તેને માનવીય ભૂલ ગણાવી પરંતુ તેનાથી અમારા ઘરનાં બે સભ્યોની તબિયત બગડી ગઈ.
વીજળી કંપનીએ સ્પષ્ટતા કરી
વીજળી કંપનીના ડાયરેક્ટર નીતિન માંગલિકનું કહેવું છે કે આ માનવીય ભૂલ છે. જેને સુધારી શકાય છે. ભૂલ કરનાર APOને ડિસમિક કરી દેવાયા છે. આસિસ્ટન્ટ રેવન્યૂ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જૂનિયર એન્જિનિયરને પણ કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે. ભૂલ થઈ છે, તો એક્શન લેવામાં આવ્યા છે.
ઉર્જા મંત્રીએ કહ્યું- ભૂલને તાત્કાલિક સુધારવામાં આવે
ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરનું કહેવું છે કે ભૂલ થઈ છે, જેને તાત્કાલિક સુધારવામાં આવી છે. કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમે કેટલી ઝડપથી ભૂલને સુધારી તે પણ જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.