નાગપુર પોલીસની માનવતાનું દ્રષ્ટાંતનો કિસ્સો આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વાત એમા એવી હતી કે અહીં ટ્રાફિક વિભાગના કર્મચારીએ નિયમોના ભંગ બદલ એક ઓટો ડ્રાઇવરને રૂ. 2 હજારનો ફટકાર્યો હતો. પરંતુ ગરીબીના કારણે તેની પાસે રૂપિયા ન હોવાથી, ઓટો ડ્રાઈવર પોતાના બાળકની પિગી બેંક લઇને દંડની રકન ભરવા પહોંચી ગયો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, નાગપુરના સિતાબુલ્દી વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ રોહિત ખડસે નામના ઓટો ડ્રાઈવરને સીનિયર પોલીસ ઓફિસરે 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે રોહિતની રિક્ષા જપ્ત કરી લીધી અને તેને દંડ ભરવાની ટકોર કરી હતી. આ તમામ ઘટનાક્રમ બાદ ડ્રાઇવર ઘરે ગયો અને પોતાના દીકરાની પિગી બેંક લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
પોલીસ ઓફિસરે પિગી બેંક પરત કરી
રોહિતનો ઉદાસ ચહેરો અને તેના હાથમાં પિગી બેંક જોઈને જ્યારે અધિકારીએ આ લાવવાનું કારણ પૂછ્યું, ત્યારે ઓટો ડ્રાઈવર રોહિતે તેને કહ્યું કે મારી પાસે આટલા બધા રૂપિયા નથી, હું ગરીબ છું; જેના કારણે મારા પુત્રની પિગી બેંક લાવ્યો છું.
આ સાંભળી પોલીસ અધિકારી દિલથી દુખી થઈ ગયા અને તેમણે ઓટો ડ્રાઈવરનો દંડ પોતાના પગારના પૈસાથી ચૂકવી દીધો હતો. એટલું જ નહીં, તેણે ડ્રાઈવરના દીકરાને બોલાવ્યો અને તેની પિગી બેંક પણ પરત કરી દીધી હતી.
આ ઘટના નાગપુર પોલીસે સો.મીડિયામાં શેર કરી
પોલીસ અધિકારીના આ વલણથી સ્થાનિક લોકો પણ ખુશ થઈ ગયા હતા અને તેમના વખાણ કરવા લાગ્યા હતા. નાગપુર પોલીસે પણ આ સમગ્ર ઘટનાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને લોકોનું ધ્યાન દોર્યું હતું.
આ કારણોસર ઓટો રિક્ષા જપ્ત કરાઈ
પોલીસ ઓફિસર અમિત માલવીયે જણાવ્યું હતું કે ઓટો ડ્રાઇવરે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરી હતી, જેના કારણે તેને રૂ.200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે આગળ પણ રોહિત પર દંડ ફટકારાયો હતો(2 હજાર રૂપિયા) જે તેણે હજુ સુધી ભર્યો નથી. જેના કારણે પોલીસે તેની રિક્ષા જપ્ત કરી લીધી અને દંડ ભર્યા પછી પરત લઇ જવા ટકોર કરી હતી.
જોકે પોલીસ સ્ટેશનમાં રોહિત પોતાના પુત્રની પિગી બેંક લઇને આવ્યો હોવાથી અધિકારીએ પોતાના પગારમાંથી દંડ ભરી લીધો હતો, પરંતુ આગામી સમયે રોહિત આવા નિયમોમો ભંગ નહીં કરે તેના માટે પોલીસે એને કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.