નાનકડી એવી ભૂલ કઈ રીતે જીવલેણ પુરવાર થાય છે એ જોવા મળ્યું મહારાષ્ટ્રના અંબરનાથમાં. અહીં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક નાનીએવી મીણબત્તીથી ભડકેલી આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાજી ગયો. આ ઘટના મંગળવારની છે.
જન્મદિવસના જશ્નમાં ભંગ પડ્યા બાદ રાહુલ નામનો આ બર્થડે બોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુવાપાડા વિસ્તારમાં રહેતા રાહુલનો મંગળવારે જન્મદિવસ હતો. મિત્રોએ જન્મદિવસને ખાસ બનાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સજાવટની સાથે સરપ્રાઈઝ આપવા માટે ઈંડાં અને લોટ પણ લાવ્યા હતા. રાહુલને બર્થડે કેપ પહેરાવવામાં આવી અને કિંગનો ક્રાઉન પણ પહેરાવવામાં આવ્યો.
બેદરકારીને કારણે ઘટી મોટી દુર્ઘટના
મિત્રો દ્વારા ગોઠવવામાં આવેલી પાર્ટીમાં રાહુલે જેવી જ કેપ કાપી તેના મિત્રોએ મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી. એ બાદ પહેલા માથામાં ઈંડાં ફેંકવામાં આવ્યાં અને પછી લોટ નાખવામાં આવ્યો. એને કારણે મોઢામાં દબાયેલી કેન્ડલમાંથી નીકળેલા તણખાએ રાહુલને આગની જ્વાળામાં ઝપેટી લીધો. જ્યાં સુધી આજુબાજુના લોકો કંઈ સમજે એ પહેલા રાહુલનું શરીર અડધાથી વધુ સળગી ગયું હતું. ગમે તેમ કરીને લોકોએ આગ પર કાબૂ મેળવ્યો અને રાહુલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
રાહુલને ઈજામાંથી બહાર આવતાં સમય લાગશે
લોટ જ્વલનશીલ હોય છે અને ફૂલઝરવાળી કેન્ડલમાંથી નીકળેલા તણખાની ઝપેટમાં આવતાં તે સળગી ગયો. રાહુલ પર લોટ ફેંકનારે જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોકટરે કહ્યું હતું કે આગને કારણે રાહુલનો જીવ તો બચી ગયો, પરંતુ તેને ફરી સ્વસ્થ થતાં ઘણો સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.