બેદરકારીએ લીધો 10 બાળકોનો ભોગ:મહારાષ્ટ્ર આગ દુર્ઘટનાની સાક્ષી નર્સે કહ્યું- ન્યૂબોર્ન યુનિટમાં ધુમાડો ભરેલો હતો, કોઈ સ્ટાફ ત્યાં હાજર નહોતો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગવાથી 10 નવજાતનાં મોત થયાં છે. ઘટના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(SNCU)માં બની હતી. પ્રારંભિક રીતે આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવે છે. વોર્ડમાં 17 બાળક હતાં, એમાંથી 7 બાળકને બચાવી લેવાયાં છે.

હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે, મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. ન્યૂબોર્ન યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલી જોયું કે વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેણે તરત જ સિનિયર ડોક્ટર્સને જાણ કરી. કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, પણ ત્યાં સુધીમાં 10 માસૂમ દમ તોડી ચૂક્યા હતા. 7 બાળકને બચાવી લેવાયાં છે. તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

આ તસવીર એ વોર્ડની છે, જ્યાં 10 બાળકનાં મોત થયાં છે. આગનાં નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.
આ તસવીર એ વોર્ડની છે, જ્યાં 10 બાળકનાં મોત થયાં છે. આગનાં નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.

હોસ્પિટલની બેદરકારીના પુરાવા

  • ડ્યૂટી પર હાજર નર્સે કહ્યું, રાતે 2 વાગ્યે સિક ન્યૂબોર્ન કેર યુનિટનો દરવાજો ખોલવામાં આવ્યો તો ત્યાં ધુમાડો હતો. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ પહેલાં ત્યાં કોઈ સ્ટાફ ન હતો.
  • મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, અમુક બાળકોનાં શરીર કાળાં પડી ગયાં હતાં, જેનો અર્થ એવો છે કે આગ પહેલાં જ લાગી ચૂકી હતી, સ્ટાફને આની ખબર જ નહોતી પડી.
  • સિક ન્યૂબોર્ન કેર યુનિટમાં રાતે એક ડોક્ટર અને 4થી 5 નર્સની ડ્યૂટી હોય છે. ઘટના વખતે આ લોકો ક્યાં હતા?
  • આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તપાસનો નિયમ છે. પછી આગ કેવી રીતે લાગી ગઈ?
  • અમુક પરિવારજનોનો આરોપ છે કે તેમને 10 દિવસથી બાળકોને મળવા દેવાયાં નથી. નિયમ પ્રમાણે, બાળકની માતા ફીડિંગ કરાવવા માટે ત્યાં જઈ શકે છે.
  • વોર્ડમાં સ્મોક ડિટેક્ટર કેમ નહોતું લગાવાયું? આનાથી આગ લાગવાની માહિતી પહેલાં જ મળી જતી અને બાળકોના જીવ બચી જાત.
ઘટના પછી હોસ્પિટલમાં પહોંચેલા દર્દીનાં પરિવારજનો.
ઘટના પછી હોસ્પિટલમાં પહોંચેલા દર્દીનાં પરિવારજનો.

આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરાય. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.