ટીકરી બોર્ડર પર ખેડૂતોનું શક્તિપ્રદર્શન:ખેડૂતોની મહાપંચાયત શરૂ, ભારતીય કિસાન યુનિયન એકતાએ કહ્યું- MSP પર કાયદો બન્યા પછી જ પરત જઈશું

બહાદુરગઢ10 દિવસ પહેલા
  • ટીકરી બોર્ડરની પાસે સેક્ટર-13માં કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે

ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા ભલે શરૂ થઈ ગઈ હોય, પરંતુ MSP સહિતની બીજી માગોને લઈને ખેડૂતો શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. ટીકરી બોર્ડરની પાસે સેક્ટર-13માં 7 એકર ક્ષેત્રમાં કિસાન મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. કિસાનનેતા જોગિંદર સિંહ ઉગ્રાહાં મહાપંચાયતમાં પહોંચી ગયા છે.

ટીકરી બોર્ડર પર ચાલી રહેલી ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત લોકો.
ટીકરી બોર્ડર પર ચાલી રહેલી ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત લોકો.

ઉગ્રાહાંએ કહ્યું હતું કે ખેડૂતોની માગ પર જવાબ હજી આવ્યો નથી. સંયુક્ત મોરચાના પત્રનો જવાબ આવશે તો ખેડૂતો ઘરે જતા રહેશે. MSP સહિત બીજી માગો પર પણ નિર્ણય થવાનો હજી બાકી છે. આ પંચાયત ખેડૂતોની જીતની ઉજવણી કરવા માટે છે. સંઘર્ષની જાહેરાત કરવા માટે મહાપંચાયત કરી છે અને જ્યાં સુધી માગ પૂરી નહિ થાય ત્યાં સુધી ઘરે જઈશું નહિ. ઘરે પરત જવાનું મન થાય છે, પરંતુ હાલ સરકારના જવાબની રાહ છે.

સિંધુ બોર્ડર પર આંદોલનનું એક વર્ષ પૂરું થવા પર કાર્યક્રમ ચાલી રહ્યો છે.
સિંધુ બોર્ડર પર આંદોલનનું એક વર્ષ પૂરું થવા પર કાર્યક્રમ ચાલી રહ્યો છે.

આ મહાપંચાયતમાં સામેલ થવા પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂતોને એક તરફ કૃષિ કાયદાને પરત લેવાની ખુશી છે, બીજી તરફ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા સાથી ખેડૂતોનાં મૃત્યુને લઈને દુઃખ પણ છે. ટીકરી બોર્ડર પર પંચાયતને પગલે દિલ્હી પોલીસે સુરક્ષા વધારી છે. પેરામિલિટરીના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટીકરી બોર્ડર પર 6 ફૂટનો રસ્તો ટૂ-વ્હીલર માટે ખૂલ્યો છે.

ટીકરી બોર્ડર પર તહેનાત પેરામિલિટરી જવાન.
ટીકરી બોર્ડર પર તહેનાત પેરામિલિટરી જવાન.

ઉગ્રાહાં ગ્રુપે બોલાવી છે મહાપંચાયત
ભારતીય કિસાન યુનિયન એકતા((ઉગ્રાહાં) તરફથી સેક્ટર-13માં આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં સંયુક્ત કિસાન મોરચાના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે. BKU એકતાના કાર્યકારી પ્રધાન જસવિંદર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 20 હજારથી વધુ કિસાન ટીકરી બોર્ડર પર પહોંચી ચૂક્યા છે. આ સિવાય સિંધુ બોર્ડર પર પણ ઘણા ખેડૂતો પહોંચી ચૂક્યા છે.

તેમણે જણાવ્યું હતું કે મહાપંચાયતમાં આંદોલનની રણનીતિ પર ચર્ચાની સાથે જ એક વર્ષની તમામ ગતિવિધિઓ પર ખેડૂતનેતા પોતાના વિચાર રજૂ કરશે. બીજી તરફ, ટીકરી બોર્ડર પર પણ સવારથી જ અવર-જવર વધી ગઈ છે.

પંજાબથી ટ્રેક્ટરોમાં બેસીને શુક્રવારે સવારે ટીકરી બોર્ડર પર પહોંચ્યા ખેડૂત.
પંજાબથી ટ્રેક્ટરોમાં બેસીને શુક્રવારે સવારે ટીકરી બોર્ડર પર પહોંચ્યા ખેડૂત.

સતત પહોંચી રહ્યા છે ટ્રેક્ટરોના કાફલા
19 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પરત લેવાની કરેલી જાહેરાત પછી ખેડૂતોના કાફલા સતત ટીકરી અને સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યા છે. ગુરુવારની રાતથી શુક્રવારની સવાર સુધીમાં હજારોની સંખ્યામાં બીજા પણ ખેડૂતો ટીકરી બોર્ડર પર પહોંચ્યા છે. ખેડૂતો પોતાની સાથે રેશન પણ લઈને આવ્યા છે.

આ વાત પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેમણે આંદોલનને સમાપ્ત કરવાની જગ્યાએ આગળ પણ એને ચાલુ રાખવાની રણનીતિ બનાવી છે. 50થી વધુ ટ્રેક્ટરોમાં પંજાબમાંથી ખેડૂતો માત્ર ખાદ્યા સામગ્રી જ લઈને પહોંચ્યા છે. ખેડૂતનેતા પહેલાં જ કહી ચૂક્યા છે કે MSPની ગેરન્ટીનો કાયદો અને અન્ય માગોને મનાવવા સુધી આંદોલન ચાલુ રહેશે.

ટીકરી બોર્ડર પર પહોંચેલા ખેડૂત સવારથી મહાપંચાયતના મંચ તરફ જવા રવાના થવા લાગ્યા હતા.
ટીકરી બોર્ડર પર પહોંચેલા ખેડૂત સવારથી મહાપંચાયતના મંચ તરફ જવા રવાના થવા લાગ્યા હતા.

આંદોલનની અનિવર્સરી પર તાકાત દેખાડશે ખેડૂતો
હરિયાણાની સિંધુ અને ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનને શુક્રવારે એક વર્ષ પૂરું થઈ ગયું છે. વડાપ્રધાને કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોએ આંદોલનને બંધ કરવાની જગ્યાએ આંદોલનની એનિવર્સરી ઉજવવાની જાહેરાત કરી છે. આ પાછળનું કારણ MSP પર ગેરન્ટીનો કાયદો અને અન્ય તમામ મુદ્દા છે. ખેડૂતો એક વખત ફરી તાકાત દેખાડવા માગે છે.

આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકત્રિત થવા બાબતે પોલીસ અલર્ટ
સંયુક્ત કિસાન મોરચાએ સંસદ સત્ર શરૂ થવા પર 29 નવેમ્બરથી પ્રત્યેક દિવસે સિંધુ અને ટીકરી બોર્ડરથી 500-500 ખેડૂતોની સાથે સંસદ સુધી ટ્રેક્ટર માર્ચનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. એની સાથે જ આજે મોટી સંખ્યામાં ખેડૂતોની ભીડ એકત્રિત કરવાનો દાવો કર્યો છે. એને જોતાં દિલ્હીની સાથે-સાથે હરિયાણા પોલીસ પણ અલર્ટ થઈ ચૂકી છે. એક મહિના પહેલાં જ ખેડૂત સંગઠનોની સાથે થયેલી વાતચીત પછી દિલ્હી પોલીસ તરફથી ટીકરી બોર્ડર પર લગાવવામાં આવેલી ભારે બેરિકેડિંગ હટાવવામાં આવી છે.

આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને કેન્ડલથી શ્રદ્ધાંજલિ અપાઈ.
આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને કેન્ડલથી શ્રદ્ધાંજલિ અપાઈ.

700 ખેડૂતનાં થયાં છે મૃત્યુ
આંદોલન શરૂ થયું ત્યાંથી લઈને અત્યારસુધીમાં 700થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એમાં ઘણા લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયાં છે. ઘણા ખેડૂતો ટીકરી અને સિંધુ બોર્ડર પર જ મૃત મળ્યાં છે. એમાં સૌથી વધુ મૃત્યુ હાર્ટ-અટેકથી થયાં છે. આજે આંદોલનનું એક વર્ષ પૂરું થવા પર ખેડૂતનેતા આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપશે. તેની સાથે જ આંદોલનની આગામી રૂપરેખા પણ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...