રાજસ્થાનમાં રાજ્યસભાની 4 બેઠક માટે થનારી ચૂંટણી રોમાંચક બની છે. ભાજપ તરફથી હોર્સ ટ્રેડિંગની આશંકાને પગલે કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઉદયપુર શિફ્ટ કર્યા છે. 13 અપક્ષ ધારાસભ્ય પૈકી 12 તથા 3 કોંગ્રેસી ઉમેદવાર અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઉદયપુરના રિસોર્ટમાં છે. રિસોર્ટમાં રોકાયેલા રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્યોએ જાદુગરનો મેજિક શો જોયો.
કોંગ્રેસે રાજસ્થાનથી મુકુલ વાસનિક, રણદીપ સૂરજેવાલા અને પ્રમોદ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે, જે પૈકી તેને 2 બેઠક મળવી નિશ્ચિત છે. વિધાનસભામાં કોંગ્રેસના કુલ 108 ધારાસભ્ય છે. તેની પાસે 26 સરપ્લસ વોટ છે, જે ત્રીજા ઉમેદવારની જીત માટે જરૂરી 41 વોટથી 15 ઓછા છે. કોંગ્રેસે 123 ધારાસભ્યના સમર્થનનો દાવો કર્યો છે, જેમાં 12 અપક્ષ અને સીપીએમના 2 ધારાસભ્યનો સમાવેશ થાય છે પણ ‘સુવિધાજનક’ સ્થિતિ માટે કોંગ્રેસને વધુ 3 વોટની જરૂર પડશે. તે માટે તેની નજર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 2 ધારાસભ્ય પર છે.
બીજી તરફ પ્રદેશ ભાજપે પક્ષના ધારાસભ્યોને તાલીમ શિબિર માટે એક રિસોર્ટમાં મોકલ્યા છે, જ્યાં તેઓ યોગ કરતા જોવા મળ્યા. ભાજપના 71 ધારાસભ્ય છે અને એક બેઠક પર તેની જીત નિશ્ચિત છે. બીજી બેઠક પર ભાજપે અપક્ષ ઉમેદવાર, મીડિયા દિગ્ગજ સુભાષ ચંદ્રાને ટેકો આપ્યો છે. આરએલપીના 3 ધારાસભ્યે પણ ચંદ્રાને ટેકો જાહેર કર્યો છે. એક બેઠક પર પોતાના ઉમેદવારને ચૂંટ્યા બાદ ભાજપ પાસે 30 સરપ્લસ વોટ રહેશે, જે સ્વાભાવિક રીતે સુભાષ ચંદ્રાને મળશે. આરએલપીના ટેકા છતાં ચંદ્રાને જીત માટે બીજા 8 ધારાસભ્યના વોટની જરૂર પડશે.
8 ધારાસભ્ય ક્રોસવોટિંગ કરશે: સુભાષ ચંદ્રા
રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું કે, 8 ધારાસભ્ય ક્રોસવોટિંગ કરશે અને 4 ધારાસભ્ય મારું સમર્થન કરી રહ્યા છે. હું આ ધારાસભ્યોના નામ જાહેર કરી શકું તેમ નથી, ચૂંટણી જીત્યા પછી ચોક્કસપણે જાહેર કરીશ. ગુપચૂપ રીતે ઘણા ધારાસભ્યો મારા સંપર્કમાં છે. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. તેમણે સચિન પાઇલટને પણ મેસેજ આપતા કહ્યું કે તેમના પિતા રાજેશ પાઇલટ મારા મિત્ર હતા. સચિન પાસે હવે એક યુવા અને લોકપ્રિય નેતા તરીકે તક છે, જેનો તેઓ બદલો લેવા કે મેસેજ આપવા ઉપયોગ કરી શકે છે. તેઓ આ તક ચૂકી જશે તો 2028 સુધી મુખ્યમંત્રી નહીં બની શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.