ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આસામમાં મદરેસાઓના બાંગ્લાદેશી આતંકી સંગઠન સાથે જોડાણ પકડાયાં

ગુવાહાટી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આસામના કેટલાક મદરેસાઓમાં આતંકી પ્રવૃત્તિઓ સાથેની લિન્ક સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને મદરેસામાં કુખ્યાત અલ કાયદાના એજન્ડાને ફેલાવવામાં બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સાર બાંગ્લાની ભૂમિકાની માહિતી મળી છે. બરપેટામાં અન્સાર બાંગ્લા માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા 28 વર્ષીય યુવકે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે બાંગ્લાદેશથી આવેલા જેહાદી મદરેસામાં એવી વાતો ફેલાવે છે કે આસામમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે.

બરપેટાના એસપી અમિતાભ સિન્હાએ કહ્યું કે અન્સાર બાંગ્લા અલ કાયદાનું ફ્રન્ટ ગ્રૂપ છે. જે તેના એજન્ડા પર કામ કરે છે. બાંગ્લાદેશમાં આ સંગઠન 2015થી પ્રતિબંધિત છે. તેના બાદથી જ આ આતંકી સંગઠન ભારતમાં સક્રિય છે. બોંગાઈગાંવ જિલ્લાના એસપી સ્વપ્નિલ ડેટાએ કહ્યું કે અલ કાયદાના નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ અહીં એક મદરેસા શિક્ષકની પણ ધરપકડ કરાઈ હતી. ગ્વાલપાડામાં કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે અલ કાયદા નેટવર્ક સંબંધિત પુસ્તકો અને અન્ય વસ્તુઓ કબજે કરી હતી. તેમણે સ્પષ્ટરૂપે કહ્યું કે પોલીસનું કામ મદરેસા તોડવાનું નથી પણ જો કોઈ મદરેસામાં જેહાદી પ્રવૃત્તિઓ ચલાવવાની લિન્ક પકડાશે તો કાર્યવાહી કરીશું.

આસામમાં અમુક મદરેસામાં કાર્યવાહીના સમર્થનમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા કહે છે કે આસામ જેહાદી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે. આતંકી સંગઠન અન્સાર બાંગ્લા(એબીટી) સાથે જોડાયેલા પાંચ મોડ્યુલનું 5 મહિનામાં ભાંડાફોડ થયો છે. રાજ્યમાં મદરેસા તોડવાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મરકઝ-ઉલ-મા-આરિફ કુરિયાના મદરેસા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મુશર્રફ હુસૈન કહે છે કે સરકારે મદરેસાને પીડબ્લ્યૂડીના નિયમો વિરુદ્ધ ગણાવી તોડી નાખ્યું હતું. જોકે નિર્માણમાં તમામ નિયમોનું પાલન કરાયું હતું. હુસૈને કહ્યું કે લોકોના ડોનેશનથી બનેલા મદરેસાને તોડવું અન્યાય છે.

મદરેસામાં શિક્ષક રહેલા નુરુલ અમીન કહે છે કે મદરેસામાં બાળકોને કુર્આન-હદીસ અને ઈસ્લામના શિક્ષણની સાથે સ્કૂલની તાલીમ પણ અપાય છે. દરગાહ અલગા ગામના રોશન અલી(નામ બદલેલ છે) કહે છે કે આતંકીઓ સાથે સાંઠગાંઠના નામે મુસ્લિમોને પોલીસ હેરાન કરે છે.

ગુવાહાટી હાઈકોર્ટના વકીલ હાફિઝ રશીદ અહેમદ ચૌધરી કહે છે કે આતંકી પર કાર્યવાહી કરો પણ મદરેસા ન તોડશો. ઉલ્લેખનીય છે કે આસામમાં જેહાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપમાં બોંગાઈગાંવ, બરપેટા અને મોરીગાંવ જિલ્લામાં 3 મદરેસા તોડી પડાયા છે.

મુસ્લિમ વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ વ્યક્ત કરી દેખાવ કર્યા
મદરેસાને તોડવાની કાર્યવાહીના વિરોધમાં ઓલ આસામ માઈનોરિટી સ્ટુડન્ટ્સ યુનિયન(આમ્સુ)એ ગુવાહાટીમાં ધરણાં-પ્રદર્શન કર્યા હતાં. મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાને મોકલેલા આવેદનમાં આમ્સુએ કહ્યું કે સરકાર ધાર્મિક શૈક્ષણિક સંસ્થાનોને નષ્ટ કરી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. રાજ્યમાં ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર ગુપ્તા કહે છે કે મુસ્લિમોને લઇને રાજનીતિ કરવાના આરોપ પાયાવિહોણા છે. સરકાર રાજ્યમાં જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જેહાદીઓને શરણ આપનારા અથવા તેમની મદદ કરનારાઓ પર ભેદભાવ વિના કાર્યવાહી કરાશે

અન્ય સમાચારો પણ છે...