તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીધી બસ દુર્ઘટના ઘણા પરિવારોને ક્યારેય ન રૂઝાય એવા ઘા આપીને ગઈ છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 51 થઈ ચૂકી છે. મંગળવાર રાત સુધી 47 લાશ મળી હતી. બુધવારે 4 મૃતદેહ મળ્યા,જેમાં 5 મહિનાની બાળકીનો મૃતદેહ રીવામાં મળ્યો. 3 ગુમ લોકોની તપાસ ચાલી રહી છે.
આ બધાની વચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારોની મુલાકાત લીધી. રામપુર નૈકિન ગામના ગુપ્તા પરિવારે મુખ્યમંત્રીને અપીલ કરી કે, જો રસ્તો જામ ન થાત, તો અમારા બાળકો અને પત્ની જીવતા હોત, રસ્તો બનાવડાવી દો. જે મારી સાથે બન્યું, એવું કોઈ બીજા પરિવાર સાથે ન બને. સુરેશ ગુપ્તા તેમની વહૂ પિંકી અને પૌત્ર અર્થવ સાથે સફર કરી રહ્યાં હતા. સુરેશ બચી ગયા, વહૂ અને પૌત્ર નહેરમાં ડૂબી ગયા.
બાળકીનો મૃતદેહ 22 કિમી દૂર મળ્યો
બસમાં બેસેલી 5 મહિનાની માસૂમ શુભી ઉર્ફ સૌમ્યા તેની માતાથી છૂટી પડી ગઈ હતી, જે પાણીના વહેણ સાથે પત્તાની જેમ વહી ગઈ. 24 કલાક પછી તેનો મૃતદેહ સીધીની સરહદથી 22 કિમી દૂર રીવાના ગોવિંદગઢ પાસે મળ્યો. તેની માતા અને માસીની લાશ મંગળવારે જ બસમાંથી મળી હતી.
મંગળવારે સવારે દુર્ઘટના સર્જાઈ
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે 7.30 વાગ્યે મોટો અકસ્માત થયો હતો. ડ્રાઈવર સહિત મુસાફરોથી ભરેલી બસ 22 ફૂટ ઊંડી બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. 7 લોકોનો બચાવ થયો હતો અને 4 લોકો હાલ પણ ગુમ છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે. 51 મૃતદેહોના પોસ્ટમાર્ટમ માટે ડોક્ટર્સ પણ ઓછા પડી ગયા છે. આખા જિલ્લામાંથી ડોક્ટર બોલાવવામાં આવ્યા, ત્યારે જઈને મૃતદેહોનું પોસ્ટમાર્ટમ થયું.
માનવામાં આવી રહ્યું છે કે અમુક મૃતદેહ પાણીમાં વહી ગયા છે. રેસ્ક્યૂ ટીમના પહોંચતાં પહેલાં જ એક મહિલા, એક છોકરી અને તેના ભાઈએ સાત લોકોને બચાવી લીધા. બસનો ડ્રાઈવર પોતે તરીને બહાર આવ્યો, જેની પછી ધરપકડ કરી લેવાઈ.
બસમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, ઘણા પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા
દુર્ઘટના રામપુર નૈકિન પાસે સરદા ગામમાં બની હતી, જે સીધીથી 80 કિમી અને સતનાથી લગભગ 100 કિમી દૂર છે. બસ સવારે 6 વાગ્યે સીધીથી રવાના થઈ હતી, જેમાં 32 લોકોને બેસાડી શકાતા હતા, પણ ડ્રાઈવરે 60થી વધુ લોકો ભરી દીધા હતા, જેમાંથી મોટા ભાગના સીધી અને સિંગરૌલી જિલ્લાના રહેવાસી હતા. 12 છોકરા-છોકરીઓ રેલવે, NTPC અને નર્સિંગની પરીક્ષા આપવા માટે સતના અને ત્યાંથી રીવા જવા માટે પોતાનાં માતા-પિતા સાથે બસમાં સવાર થયા હતા.
આ 6 લોકોને બચાવાયા
હિંમતથી મોતને હરાવ્યું
અનિલ તિવારીએ જણાવ્યું કે, જેવી જ બસ નહેરમાં ડૂબવા લાગી, બસની બંધ બારી પર જોરથી હાથ માર્યો, જેનાથી કાચ તૂટી ગયો. મને તરતા આવડતું હતું. પાસે બેસેલા સુરેશ ગુપ્તાને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમનો હાથ પકડીને બારીની બહાર ખેંચી લીધો. સુરેશ ગુપ્તા 62 વર્ષના છે, તરતા પણ નહોતું આવડતું, પણ બન્નેએ એક બીજાનો હાથ પકડીને નહેરનો કિનારો પકડી લીધો. લગભગ 300 મીટર દૂર જઈને એક પથ્થર મળ્યો, જેના સહારે બન્નેએ પોતાનો જીવ બચાવ્યો.
જુસ્સાએ બચાવ્યો જીવ
જ્ઞાનેશ્વર ચતુર્વેદી બસમાં સામેના કાચથી આગળની બાજુ જોઈ રહ્યાં હતા. જેવી જ બસ નહેરમાં ખાબકી તો તેમણે બારીના કાચ પર પગ માર્યો અને પાણીમાં કૂદી ગયા. સદનસીબે તે બસના કોઈ ભાગમાં ફસાયા નહીં. જોત જોતામાં તેમની આંખોની સામે જ બસ ડૂબી ગઈ. તે નહેરનો કિનારો પકડીને તરવા લાગ્યા હતા. ત્યારે એક સીડી મળી, જેને પકડીને તે ઉપર આવી ગયા.
ડ્રાઈવરે વિદ્યાર્થીઓ માટે રૂટ બદલ્યો હતો
આ બસને સીધીથી ચુરહટ, રામપુર નૈકિન, બધવાર અને ગોવિંદગઢ થઈને સતના પહોંચવાનું હતું. ચુરહટ સુધી બસ આવી, પણ ત્યાર પછી રામપુર નૈકિનથી વિદ્યાર્થીઓના કહેવાથી ડ્રાઈવરે રૂટ બદલી લીધો. આ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી, એટલા માટે તેમણે સમયસર સતના પહોંચવાનું હતું.
જોકે સીધીથી સતના જનારો નેશનલ હાઈવે-39 છુહિયા ઘાટીથી પસાર થયા છે. ઠેર ઠેર રસ્તા ખરાબ અને અધૂરા હોવાને કારણે છેલ્લા અમુક દિવસોથી છુહિયા ઘાટીમાં જામ લાગેલો રહે છે. એટલા માટે અમુક ગાડીઓ છુહિયા ઘાટી પહેલાં બગવાર ગામ થઈને જઈ રહી છે. બસના ડ્રાઈવરે પણ જામથી બચવા માટે રૂટ બદલ્યો હતો.
બસનું પાછળનું ટાયર લપસી રહ્યું હતું, બ્રેક ન આવી અને બસ નહેરમાં ખાબકી
ડ્રાઈવર બસને લઈને સીધીથી ચુરહટ અને રામપુર નૈકિન સુધી લઈને આવ્યો. પછી તેણે બસને બગવાર ગામમાં વાળી દીધી. અહીંથી બસ સરદા ગામ પહોંચી. આ ગામથી જે રસ્તો સતના તરફ જાય છે એની સાથે સાથે નહેર ચાલે છે. અહીં એક જગ્યાએ આવીને રસ્તો સાંકડો થઈ જાય છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું પાછળનું ટાયર ઢાળ તરફ જવા લાગ્યું. ડ્રાઈવરે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો, પણ બ્રેક ન લાગવાથી બસ બેકાબૂ થઈને નહેરમાં ખાબકી ગઈ. સતનામાં રજિસ્ટર્ડ આ બસ જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સ સાથે જોડાયેલી હતી.
22 ફૂટ ઊંડી નહેરમાં પાણીનું વહેણ તેજ હતું, યાત્રીઓને બચવાની તક ન મળી
જે નહેરમાં દુર્ઘટના ઘટી એમાં બાણસાગર જળાશયથી પાણી છોડવામાં આવે છે. દુર્ઘટના વખતે અહીં પાણીનું વહેણ તેજ હતું, આ જ કારણે યાત્રીઓને બચવાની તક ન મળી. માનવામાં આવી રહ્યું છે કે તેજ વહેણના કારણે યાત્રી ઘટનાસ્થળથી ઘણા દૂર થઈ ગયા. જ્યારે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો આખી બસ પૂરી રીતે 22 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી હતી.
40 કિમી દૂર રહેલા બંદના પાણીનું વહેણ અટકાવીને એને સિહાવલ નહેરમાં ડાઇવર્ટ કરાયું, ત્યારે બાણસાગર નહેરમાં પાણી ઓછું થયું. એના પછી મરજીવાઓ નહેરમાં ઊતર્યા અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનું રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ થયું. દુર્ઘટનાના લગભગ ચાર કલાક પછી 11.45 વાગ્યે ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી.
દુર્ઘટનાને કારણે અમિત શાહનો કાર્યક્રમ રદ
મંગળવારે જ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 1.10 લાખ લોકોનો ગૃહપ્રવેશ કાર્યક્રમ હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહે વીડિયો-કોન્ફરન્સ દ્વારા જોડાવાનું હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે દુર્ઘટનાને કારણે હવે કાર્યક્રમ શક્ય નહીં હોય
રાષ્ટ્રપતિ, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને મધ્યપ્રદેશ સરકારે 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, જેમાં 10-10 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તો મોદીએ વડાપ્રધાન રાહત કોષના પરિવારના લોકો માટે 2 લાખ અને ગંભીર રીતે ઘાયલો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ડૂબી ગઈ 16 પરિવારોના ભવિષ્યની આશા
બાણસાગર નહેરમાંથી કાઢવામાં આવેલા મૃતદેહોમાંથી 45ની ઓળખ કરી લેવાઈ છે, જેમાંથી મોટા ભાગના યુવાન છે, જે રેલવે અને BSC નર્સિંગની પરીક્ષા આપવા માટે રીવા અને સતના જઈ રહ્યા હતા. જે 51 મૃતદેહોની ઓળખ થઈ છે તેમાંથી 16 યાત્રીની ઉંમર 20થી 25 વર્ષ વચ્ચે હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.