મધ્યપ્રદેશમાં એક કિશોરી પર રેપ થયો હોવાની ઘટના સામે આવી છે. માત્ર 13 વર્ષની કિશોરી પર ભાજપના નેતાએ રેપ કર્યો છે. જ્યારે લોકોને આ વાત ખબર પડી ત્યારે ગુસ્સે થયેલી ભીડે આરોપીની કારમાં આગ લગાવી તેના ઘરની સામે હોબાળો કર્યો હતો. લોકોને શાંત કરવા મોટી સંખ્યામાં પોલીસ બોલાવી પડી હતી.
ઘટના બૈતુલ જિલ્લાની છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે અંકલ રમેશ ગુલહાને સોમવારે સાંજે તેને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેની સાથે ગંદું કામ કર્યું હતું. આ પહેલાં પણ તેઓ મારી સાથે આવું કામ કરી ચૂક્યા છે. તેઓ મને થોડા રૂપિયા આપતા અને કોઈને કશું જ ના કહેવાનું કહેતા. આ વખતે કિશોરીએ આ વાત ઘરે કરી હતી. કિશોરીની વાત સાંભળીને પરિવારજનો તરત પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.
કિશોરી સાથે રેપની વાત આખા જિલ્લામાં ફેલાઈ ગઈ હતી. એક બાજુ પોલીસ ફરિયાદ નોંધતી હતી, બીજી બાજુ આરોપી મોકો જોઈને ફરાર થઈ ગયો હતો. આરોપીની ધરપકડ ના કરાઈ હોવાથી લોકોમાં ગુસ્સો વધી ગયો હતો. તેના ઘરની સામે ભીડ ભેગી થઈ ગઈ હતી. ગુસ્સે થયેલા લોકોએ ઘરની બહાર પડેલી આરોપીની કાર સળગાવી દીધી હતી. વધતા તણાવને જોતાં પોલીસને લાઠીચાર્જ કરીને ભીડ વિખેરવી પડી હતી.
આખી રાત પોલીસ ઘટનાસ્થળે તહેનાત હતી
વધતા તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ સોમવારે રાતે આખી રાત આરોપીના ઘરે જ તહેનાત રહી હતી. જિલ્લાના દરેક એસડીઓપી અને ટીઆઈને બૈતુલ બોલાવવામાં આવ્યા હતા. તેમની આરોપીના ઘરે ડ્યૂટી લગાવી દેવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂ કરવા જિલ્લામાં આમલા, બૈતુલ બજાર, મુલતાઈ, બૈતુલના ટીઆઈ, બૈતુલ, શાહપુર અને ભૈંસદેહીના એસડીઓપી તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે ભીડ દ્વારા સળગાવવામાં આવેલી કાર ત્યાંથી હટાવી દીધી હતી.
આગ લગાડવાના કેસમાં ચારની ધરપકડ
પોલીસે 13 વર્ષની કિશોરી પર રેપ કેસમાં રમેશ ગુલહાને સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ જેવી વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી લીધી છે. એડિશનલ એસપી નીરજ સોનીએ જણાવ્યું હતું કે પોલીસે ટીમ બનાવીને આરોપીની શોધ શરૂ કરી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘટના પછી આરોપીના ઘર સામે ઊભેલી કાર સળગાવાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ કેસમાં આરોપીઓને શોધી રહી છે.
ભાજપે બનાવ્યા હતા એલ્ડરમેન
આરોપી રમેશ ગુલહાનેને વર્ષ 2004માં ભાજપે નગરપાલિકા બૈતુલના એલ્ડરમેન બનાવ્યા હતા. તેઓ ત્રણવાર ભાજપની ટિકિટ પર આઝાદ વોર્ડથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ એક પણ વાર જીત મળી ન હતી. આરોપી રમેશનું નામ આ પહેલાં પણ ઘણા વિવાદો સાથે જોડાયેલું હતું. આ પહેલાં સોસાયટીમાં એક મકાનના ચબૂતરા પર બનેલા મંદિરના વિવાદમાં પણ રમેશનું નામ ચર્ચામાં રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.