મોંઘવારીનો માર:3 મહિનામાં LPGમાં 90 રૂપિયા વધ્યા, સિલિન્ડરમાં 15 રૂપિયાનો વધારો

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પહેલીવાર ~100ને પાર થશે
  • દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ વધીને 900 રૂપિયાએ આંબી ગયો
  • પેટ્રોલ-ડીઝલમાં 7મી વખત વધારો લિટરે 30 અને 35 પૈસા વધી ગયા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે જ રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરાયો છે. બુધવારે એલપીજી ગેસની કિંમત 15 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારાઈ હતી. તેની સાથે જ દિલ્હી અને મુંબઈમાં રાંધણગેસની કિંમત 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

છેલ્લા ત્રણ મહિનામાં LPGમાં 90 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસા પ્રતિલિટરે ભાવવધારો કરાયો છે. હવે દિલ્હીમાં પેટ્રોલ 102.94 રૂપિયા લિટર અને ડીઝલન 91.42 રૂપિયા લિટરે પહોંચી ગયા છે.

અમદાવાદમાં ગુરુવારે પેટ્રોલના ભાવ પહેલીવાર લિટરે 100 રૂપિયાને પાર થશે. આ અત્યાર સુધીની રેકોર્ડ કિંમત છે. બીજી બાજુ અમદાવાદમાં પણ બે વર્ષમાં સિલિન્ડરના રેટ લગભગ 290 રૂપિયા સુધી વધ્યા છે.

જુલાઇ બાદ રાંધણગેસની કિંમતમાં ચોથી વખત વધારો કરાયો છે. જુલાઈમાં દરેક સિલિન્ડર પર 25.5 રૂપિયા વધારાયા હતા. તેના પછી 17 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે 25-25 રૂપિયા વધારાયા હતા. જુલાઇથી અત્યાર સુધી 14.2 Kg સિલિન્ડરનો ભાવ 90 રૂપિયા વધી ચૂક્યો છે. ભાવવધારાથી પાંચ કિલોના સિલિન્ડરનો ભાવ 502 રૂ. થઈ ગયો છે. સરકારે એલપીજીના ભાવમાં વધારો કરી મોટા ભાગનાં શહેરોમાં એલપીજી પર સબસિડીનો અંત લાવી દીધો છે.

દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલ 100ને પાર
ત્રણ અઠવાડિયાં સુધી થંભી રહ્યા બાદ ઈંધણના ભાવમાં સાતમી વખત વધારાથી મોટા ભાગનાં શહેરોમાં પેટ્રોલ હવે પ્રતિલિટરે 100 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે 10મા વધારા સાથે ડીઝલ પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં અનેક શહેરોમાં 100 રૂપિયા લિટરને પાર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ કંપનીઓએ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી કિંમતો વધારવાની શરૂઆત કરી હતી. ત્યારથી ડીઝલ 2.80 રૂપિયા લિટર અને પેટ્રોલ 1.75 રૂપિયા લિટર મોંઘુ થયું છે. કંપનીઓ કહે છે કે ઓઇલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો દરરોજ ચાર લાખ બેરલ પર મર્યાદિત કરવાથી બ્રેન્ટ ક્રૂડના ભાવ 82.92 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...