પેગાસસ જાસૂસી કાંડ, મોંઘવારી અને કૃષિ કાયદાના મુદ્દે વિપક્ષે બુધવારે પણ સંસદમાં ભારે ધાંધલ કરી હતી. લોકસભામાં વિપક્ષના સાંસદોએ સ્પીકર તરફ પેમ્પલેટ્સ ફેક્યા હતા અને ખેલા હોબેના સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેને પગલે ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12.30 વાગ્યા સુધી અને ત્યારબાદ 2 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
2 વાગે કાર્યવાહી શરૂ થઈ તો વિપક્ષે ફરી ભારે ધાંધલ શરૂ કરી દીધી હતી. આ સંજોગોમાં કાર્યવાહી 3 વાગ્યા સુધી અને ત્યારબાદ 4 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. 4 વાગે જ્યારે ગૃહની કાર્યવાહી થઈ નહીં શકતા ગુરુવાર 11 વાગ્યા સુધી તે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
બીજી બાજુ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સ્પીકર તરફ પેમ્પલેટ્સ ઉછાળનાર અને વાંધાજનક વર્તન કરવા બદલ લોકસભાના 10 સાંસદોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સાંસદ ગુરજીત સિંહ ઔજલા, ટીએન પ્રથાપન, મણિકમ ટૈગોર, રવનીત સિંહ બિટ્ટુ, હિબી ઈડેન, જોતિ મણિ સેન્નમલઈ, સપ્તગિરિ સંકર ઉલકા, વી વૈથિલિંગમ તથા એ એમ આરિફને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
બીજી બાજુ રાજ્યસભામાં પણ કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે ભારે હંગામો શરૂ કર્યો હતો. તેને પગલે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગે કાર્યવાહી ફરી શરૂ થઈ, પણ ફરી ધાંધલ થતા કાર્યવાહી 2 વાગે અને ત્યારબાદ ગૃહમાં જુવેનાઈલ જસ્ટિસ એમેડમેન્ટ બિલ-2021 પસાર કરવામાં આવ્યું. જોકે સતત ઘોંઘાટને પગલે ગુરુવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.