ભારતમાં કોરોનાના વધતા જતા કેસમાં એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન અન્ય દેશોને નહીં આપે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશીલ્ડના નામે કરી રહી છે.
ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી થયા પછી જ નિકાસ
આ મુદ્દા સાથે જોડાયેલા લોકોએ નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનનો સપ્લાય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરાશે. વિદેશોમાં વેક્સિન એક્સપોર્ટ સ્થાનિક ઉત્પાદનના આધારે જ કરાશે.
રિવ્યુ પછી નિર્ણય લેવામાં આવશે
તેમણે જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા લોકોને વેક્સિનેટ કરવાની છે. દેશમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે અને બે વેક્સિન (કોવીશીલ્ડ અને કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંજોગોમાં સરકાર બે મહિનાના રિવ્યુ કર્યા પછી જ દેશની બહાર વેક્સિન સપ્લાય વિશે નિર્ણય કરશે.
રાજ્યોએ વધારે વેક્સિન માંગી
તાજેતરમાં જ રાજસ્થાન-પંજાબ સહિત ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી મોટી માત્રામાં વેક્સિનની માંગણી કરી છે. હાલ દેશના ઘણાં રાજ્યોમાં રોજના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં વેક્સિનની માંગમાં વધારો થઈ શકે છે.
કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું
આ પહેલાં કેન્દ્ર સરકારે 22 માર્ચે કોવિશીલ્ડ વિશે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તે પ્રમાણે કોવિશીલ્ડના બે ડોઝની વ્ચ્ચેનો સમય પહેલાં બે સપ્તાહથી વધારેનો રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચેનો સમય 4થી 6 સપ્તાહ એટલે કે 28થી 42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. નવા આદેશ પ્રમાણે હવે આ અંતર 6થી 8 સપ્તાહ એટલે કે 42થી 56 દિવસ રાખવામાં આવશે.
સ્વાસ્થય મંત્રાલયનો દાવો છે કે, ટ્રાયલ્સ ડેટા પ્રમાણે જો 6-8 સપ્તાહના અંતરે કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવે તો પ્રોટેક્શન વધી જાય છે. આ અંતર 8 સપ્તાહ કરતાં વધારે ના હોવું જોઈએ.
ભારતે 76 દેશોને કોરોના વેક્સિન મોકલી
ભારતે અત્યાર સુધીમાં 76 દેશોને કોરોના વેક્સિન મોકલી છે. ઘણાં દેશોને વેક્સિન ફ્રી આપવામાં આવી છે. જ્યારે અમુક દેશોને તે વેચવામાં આવી છે. પડોશી દેશો શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને અંદાજે 56 લાખ વેક્સિન ફ્રીમાં આપવામાં આવી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશીલ્ડ અને ભારત બાયોટેક વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.
16 જાન્યુઆરીથી શરૂ થયું વેક્સિનેશન
દેશમાં રોજ મળતા કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે 53,419 નવા કેસ નોંધાયા હતા. 26,575 સાજા થયા હતા અને 249 લોકોનાં મોત થયાં હતાં. નવા સંક્રમિતોનો આ આંકડો 23 ઓક્ટોબરે સૌથી વધારે નોંધાયો હતો. ત્યારે 53,931 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 31,855 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. અહીં 15,098 દર્દી સાજા થયા અને 95 સંક્રમિતોનાં મોત થયાં હતાં.
છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવતા દર્દીઓની સંખ્યામાં 26,588નો વધારો નોંધાયો હતો. એ સાથે જ કુલ એક્ટિવ કેસ 3.91 લાખ થઈ ગયા હતા. આજે આ આંકડો 4 લાખને પાર થઈ જશે. દેશમાં અત્યારસુધી 1 કરોડ 17 લાખ 87 હજાર 13 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 29 હજાર 591 લોકો સાજા થયા છે, જ્યારે 1.60 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.org દ્વારા લેવામાં આવ્યા છે.
કોરોનાં અપડેટ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.