ગ્લોબલ વોર્મિંગની સાથે જ લોકલ વોર્મિંગની વ્યાપક અસર ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારમાં જોવા મળી રહી છે. આ જ કારણોસર, હિમાલયન પોપલરનાં વૃક્ષ 2500થી 3000 મીટરની ઊંચાઇ પર ઊગતાં હતાં તે હવે 4500 મીટરની ઊંચાઇ પર જોવા મળી રહ્યાં છે. જે વિસ્તારોમાં ક્યારેક હિમપ્રપાતની ઘટનાઓ થતી હતી, ત્યાં હવે વરસાદ પડી રહ્યો છે.
પૂર્વના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયના ગ્લેશિયર અનેક કિલોમીટર પાછળ ખસ્યાં છે. અનેક વર્ષોથી આ અસર જોવા મળી રહી છે, પરંતુ લોકલ વોર્મિંગથી ખૂબ ઓછા સમયમાં પ્રત્યક્ષ અસર જોવા મળે છે. ઉત્તરાખંડમાં હિમાલયન પોપલરનું વૃક્ષ જોવા મળે છે, જેનું વૈજ્ઞાનિક નામ પોપલસ સિલિયાટા છે. તે 2500 મીટરની ઊંચાઇ પર લુપ્ત થઇ ચૂક્યું છે, કારણ કે તેને જે ઠંડી અને ભેજ તે ઊંચાઇ પર મળતા હતા તે હવે તેને 4500 મીટરની ઊંચાઇ પર મળી રહ્યા છે.
હિમાલયનું મોનાલ પક્ષી 1951 સુધી 1100 મીટરની ઊંચાઇ પર જોવા મળતું હતું હવે તે પણ વધુ ઊંચાઇ પર જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લે 1999 સુધી 1100 મીટર સુધી હિમપ્રપાત થયો હતો. ત્યારબાદ એક પણ ઘટના નથી બની. મોનાલ પક્ષી હવે 2500 મીટરથી નીચે નથી આવી રહ્યું. ઉત્તરાખંડમાં વરિષ્ઠ વિજ્ઞાની અને હિમાલયના વિસ્તારોમાં ગ્લોબલ વોર્મિંગને લઇને 30 વર્ષ સુધી અભ્યાસ કરનારા પ્રો. એમપીએસ બિષ્ટ કહે છે કે, લોકલ વોર્મિંગનું કારણ સમયસર વરસાદ ના થવો, જંગલોની આગ, હીટવેવ અને મનુષ્ય દ્વારા ફેલાતું પ્રદૂષણ છે.
પતંગિયાને પણ લાગી રહી છે ગરમી, પહાડો પર જવા મજબૂર
સતત વધી ગરમીને કારણે પહાડી વિસ્તારમાં જોવા મળતાં પતંગિયાઓ અને અન્ય જીવજંતુઓની અનેક પ્રજાતિઓ હવે વધુ ઊંચાઇ પર જોવા મળી રહી છે. સરકારી અભ્યાસ અનુસાર હિમાલય લેપિડોપ્ટેરાની 35 ટકાથી વધુ પ્રજાતિઓનું ઘર છે. લેપિડોપ્ટેરા પતંગિયાં અને અન્ય જંતુઓની પ્રજાતિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.