પંજાબના લુધિયાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 મિત્રોનાં મૃત્યુ થયાં હતુાં. અકસ્માત હાર્ડિજ વર્લ્ડ નજીક સર્જાયો હતો, જેમાં મૃત્યુ પામેલા શખસો હેબોવાલના રહેવાસી હતા. રસ્તામાં તેમની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જતાં 3 મિત્રો તેને ધક્કો મારતા હતા ત્યારે પાછળથી અચાનક એક ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમની ગાડીના કૂર્ચેકૂર્ચા ઊડી ગયા હતા. સ્થાનિકોએ આ ગંભીર અકસ્માતને પગલે પોલીસને જાણ કરી હતી, જેથી થાણા સ્લેમ ટાબરીની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
પોલીસે અકસ્માતને પગલે કેસ નોંધીને એની પાછળ રહેલાં કારણોને જાણવા માટે વધુ તપાસ આદરી છે. અકસ્માતમાં સંજીવ કુમાર (35), અરુણ કુમાર (22), કિશન (22)નાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. આ 3 મિત્રો મોડી રાતે પોતાનાં ઘર તરફ જઈ રહ્યા હતા અને બીજી ગાડીમાં તેમનો ભાઈ અજય બીજા 4 લોકો સાથે પાછળ આવી રહ્યો હતો.
ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી
ઘરે પાછા ફરતા સમયે રસ્તામાં જ સંજીવની ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, જેથી મોડી રાતે તેઓ ગાડીને ધક્કો મારીને પેટ્રોલપંપ સુધી લઈ જતા હતા. તેવામાં અચાનક પૂરઝડપે આવતી એક ટ્રકે તેમને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેય મિત્રોને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજોઓ પહોંચી હતી, જેના પરિણામે તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હાલતની ગંભીરતાની જાણ થતાં જ ટ્રકનો ચાલક ત્યાંથી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયો હતો.
3 મિત્રોનાં ઘટનાસ્થળે મોત
સંજીવનો ભાઈ તેના અન્ય મિત્રો સાથે પાછળ બીજી ગાડીમાં આવી રહ્યો હતો. તેણે જ્યારે હાઈવે પર પોતાના ભાઈઓની ગાડીને ઊભેલી જોઈ ત્યારે તેણે આ અકસ્માતની જાણ થઈ. તેવામાં બીજી જ ક્ષણે તેણે ત્રણેયને હાઈવે પર લાગેલા ગાર્ડરમાં ફસાયેલા જોયા, એ જ સમયે તેની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અજયની સાથે ગાડીમાં સવાર મિત્રોએ તેની સંભાળ રાખીને 3 મિત્રોને હોસ્પિટલે લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે રસ્તામાં જ ત્રણેયનાં મોત થઈ ગયાં હતાં. તો બીજી બાજુ, અકસ્માતને કારણે સ્થાનિકોની ભીડ રસ્તા પર ઊમટી ગઈ હતી, તેમણે પોલીસને જાણ કરી દેતાં તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની ટીમે ટ્રકને જપ્ત કરીને અજ્ઞાત ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવા તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.