દેશની યુવતીઓ પણ હવે નેશનલ ડિફેન્સ એકેડેમીની પ્રવેશ પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ કેસમાં દાખલ અરજીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતા કહ્યું કે, યુવતીઓને પણ એનડીએની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી અપાય. પ્રવેશ મુદ્દે કોર્ટ પછી નિર્ણય લેશે.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ઋષિકેશ રાયની બેન્ચે કહ્યું કે, ‘સેનાએ મહિલાઓ પ્રત્યે પોતાનું વલણ બદલવું જોઈએ.’કોર્ટે યુપીએસસીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને એક નોટિફિકેશન જારી કરે.
આ સાથે સુપ્રીમ કોર્ટના આદેશનો મીડિયામાં પણ પ્રચાર કરાય, જેનાથી કોર્ટનો આદેશ વધુ અસરકારક બને. સુપ્રીમ કોર્ટ સમક્ષ કુશ કાલરા, સંસ્કૃતિ મોરે અને બીજા લોકોએ અરજીઓ દાખલ કરીને 12માની પરીક્ષા પછી 5 સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ સામેલ કરવાની મંજૂરી માંગી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ એક નીતિવિષયક મામલો છે. એટલે કોર્ટે તેમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ.
કોર્ટ રૂમ લાઈવ: અમારા કહ્યા વિના સુધારા કેમ નથી થતાં?
આર્મીમાં જવાનું મારું સપનું હવે પૂરું થઈ શકે છે: સંસ્કૃતિ મોરે
‘હું ધો.6માં છું. મને બાળપણથી આર્મીનો ક્રેઝ છે, પરંતુ એનડીએમાં છોકરીઓને પ્રવેશ નથી. મેં મારા વકીલ પિતા કૈલાશ મોરેને પૂછ્યું કે, સ્કૂલમાં છોકરા-છોકરી સાથે ભણી શકે, તો એનડીએમાં કેમ નહીં. થોડા દિવસ પછી તેમણે કેસ ફાઈલ કર્યો અને આજે તેમણે મને કહ્યું કે, આપણે જીતી ગયા. હવે હું NDAમાં જઈનેમારું સપનું પૂરું કરીશ.’
આ નિર્ણય સારો છે... NDAમાં યુવતીઓને મેરિટથી પ્રવેશ મળે
એનડીએ પ્રવેશ પ્રક્રિયામાં છોકરા-છોકરીઓ માટે ભરતીથી લઈને ટ્રેનિંગ શિડ્યુલ સુધી એકસરખા ધારાધોરણ હોવા જોઈએ. છોકરીઓ માટે અનામત ના હોવી જોઈએ. પ્રવેશ મેરિટના આધારે થવો જોઈએ. દેશને મહિલા સેના વડાં પણ મળશે. > કમાન્ડર (નિવૃત્ત) પ્રસન્ના એડિલિયમ, નૌસેનામાં લૈંગિક સમાનતાની લડનારા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.