• Gujarati News
  • National
  • Leopard Snatches Daughter From Father's Lap, Lifts Baby's Head Found Just 300 Meters From Home

દીપડાનો શિકાર બની 6 વર્ષની બાળકી:પિતાના ખોળામાંથી પુત્રીને છીનવીને ઉઠાવી ગયો દીપડો, ઘરેથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું માથું મળ્યું

બહરાઈચએક વર્ષ પહેલા
  • ઉત્તરપ્રદેશના બહરાઈચમાં દીપડાનો આતંક
  • 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો દીપડો, બાળકીને ઉતારી મોતને ઘાટ
  • માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત થઈ ગયાં

યુપીના બહરાઈચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક પછી માસૂમનું માથું ઘરથી 300મીટર દૂર જ મળી આવ્યું હતું. તેનું ધડ શોધી શકાયું નથી.

આ ઘટના મોતીપુર રેન્જના જંગલથી લગભગ 10 કિમી દૂર મિહીંપુરવા તહસીલના ચંદનપુર ગામની છે. રવિવારે રાત્રે લગભગ 9 વાગે માજરા કલંદરપુરમાં રહેતા દેવતાદિન યાદવ પુત્રી રાધિકા (અંશિકા)​​​​ની સાથે ઘરની બહાર વરંડામાં બેઠા હતા. બરાબર ત્યારે જ લાઈટ જતી રહી હતી.

લાઈટ જતી રહેતાં અંધારું થયું ત્યારે દેવતાદિને દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી હતી. આ દરમિયાન એક દીપડો ચઢી આવ્યો હતો અને રાધિકાને પિતાના ખોળામાંથી ઝૂંટવીને ઉઠાવી ગયો હતો. દેવતાદિનને અચાનક કંઈ સમજાયું જ નહીં. તેઓ બૂમો પાડતાં પાડતાં બહારની તરફ દોડ્યો, પણ અંધારામાં દીપડાને જોઈ શકાયો નહીં.

પરિવાર અને ગ્રામજનો આખી રાત શોધતા રહ્યા બાળકીને
દેવતાદિનનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દીપડા વિશે જાણ થતાં જ બધાએ બાળકીની શોધવા માટે નીકળી પડ્યા હતા. જ્યારે રાધિકાનો પતો ન લાગતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સાથે પોલીસ પણ ગામમાં પહોંચી હતી. આખી રાત બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી શકી ન હતી. માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત થઈ ગયા છે.

માનવભક્ષી દીપડો 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો હતો.
માનવભક્ષી દીપડો 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો હતો.

બાળકીનું માથું 300 મીટર દૂર ખેતરમાંથી મળ્યું
સોમવારે 12 કલાક પછી બાળકીનું માથું ઘરથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં મળી આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસે ધડને આજુબાજુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એનો પતો લાગ્યો ન હતો. ડીએફઓ આકાશદીપે કહ્યું હતું કે બાળકીના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે, જ્યારે ગ્રામજનોનો આરોપ છે કે જંગલમાંથી વસતિવાળા વિસ્તારમાં દીપડા ચઢી આવે છે, પરંતુ વન વિભાગની ટીમ એને રોકવા માટે કોઈ પ્રયાસ કરતી નથી.

બાળકીના મોત બાદ ગ્રામજનો પીડિત પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે દીપડો ઘણીવાર રહેણાક વિસ્તારમાં ચઢી આવે છે.
બાળકીના મોત બાદ ગ્રામજનો પીડિત પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે દીપડો ઘણીવાર રહેણાક વિસ્તારમાં ચઢી આવે છે.

એક દિવસ પહેલાં પણ દીપડો અન્ય એક બાળકને ઉઠાવી ગયો હતો
કતર્નિયાઘાટ વાઇલ્ડલાઇફ ડિવિઝનના ખાલે બઢિયા ગામમાં પણ એક દિવસ પહેલાં એક દીપડો 7 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો. ઘટનાના કેટલાક કલાકો બાદ તેના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ કિસ્સામાં પણ વિભાગની બેદરકારી સામે આવી હતી.

10 ગામમાં દીપડાનો આતંક
કતર્નિયાઘાટ જંગલને અડીને આવેલા ખાલે બઢિયાગામ, રામપુર ધોબીયાહર, ગુલરા, મોતીપુર, નૈનીહા અને પારવાની ગૌડી સહિત 10 ગામમાં દીપડાનો આતંક છે. દીપડો અહીં અવારનવાર જોવા મળે છે. ઘણી વખત તેણે લોકો પર હુમલા પણ કર્યા છે. દીપડાએ અત્યારસુધી ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.