સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે બહુમતીના આધારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને માન્ય ગણાવ્યો હતો. આ કેસમાં જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો નોટબંધીનો નિર્ણય ગેરકાયદે હતો. કેન્દ્ર સરકારના કહેવા પર તમામ શ્રેણીની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવી એ ખૂબ જ ગંભીર બાબત છે.
નોટબંધીના નિર્ણયમાં અલગ અભિપ્રાય આપનારાં અને નોટબંધીને ગેરકાયદે ગણાવનારાં જસ્ટિસ બી.વી નાગરત્ના કોણ છે અને અગાઉ તેમના કયા નિર્ણયો ચર્ચામાં રહ્યા છે...
કોણ છે બી.વી નાગરત્ના?
જસ્ટિસ બી.વી. નાગરત્નાનો જન્મ 30 ઓક્ટોબર 1962ના રોજ મૈસૂર પાસેના પાંડરપુરામાં થયો હતો. તેમનું પૂરું નામ બેંગ્લોર વેંકટરામૈયા નાગરત્ના છે. 1987માં તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ બેંગલોરમાં વકીલ તરીકે તેમની કાયદાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2008માં જસ્ટિસ નાગરત્નાની કર્ણાટક હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બે વર્ષ પછી તેમને કાયમી જજ બનાવવામાં આવ્યાં. 2021માં જ્યારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓ માટે કેન્દ્ર સરકારને 9 નામોની ભલામણ કરી હતી, ત્યારે જસ્ટિસ બીવી નાગરત્નાનું નામ પણ એમાં સામેલ હતું. આ રીતે બીવી નગરરત્ના સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બન્યાં.
પિતા SCમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે
જસ્ટિસ નાગરત્નાના પિતા ઈએસ વેંકટરામૈયા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ઈએસ વેંકટરામૈયા 1989માં લગભગ 6 મહિના સુધી CJI હતા. કાયદાકીય અભ્યાસ માટે જસ્ટિસ નાગરત્ના તેમનાથી પ્રેરિત થયાં હતાં. ઘણા નિષ્ણાતો કહે છે નાગરત્ના ભારતનાં પહેલાં મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. કેન્દ્ર સરકાર મંજૂરી આપે છે તો 2027માં તેઓ CJI બની શકે છે.
નોટબંધીના પ્રકરણમાં જસ્ટિસ નાગરત્નાએ શું કહ્યું...
હવે નોટબંધી વિશે સુપ્રીમનો નિર્ણય જાણીએ...
ચાર જજે કહ્યું, નોટબંધીની કેન્દ્રને સત્તા છે, એક જજે કહ્યું કે સત્તા નથી
પાંચમાંથી 4 જજે કેન્દ્રને સત્તા છે એવું કહ્યું, એક જજે કહ્યું- ના, કેન્દ્રને સત્તા નથી. આજે નોટબંધી પર સવારથી સુનાવણી થઈ હતી અને કેન્દ્ર સરકારે સુપ્રીમમાં પોતાનો પક્ષ રાખતાં કહ્યું હતું કે RBIની ગાઈડલાઈન્સ મુજબ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધી પર 58 જેટલી અરજી થઈ હતી જે અમાન્ય ઠેરવાઈ છે. તો આજે આવેલા ચુકાદામાં પાંચમાંથી ચાર જજે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર નોટબંધી કરી શકે, તેમને સત્તા છે. તો એક જજે કહ્યું, નોટબંધી કરવાની સત્તા કેન્દ્રને નથી.
કેન્દ્રએ કહ્યું હતું- કાળાં નાણાંનો સામનો કરવા માટે નોટબંધી
સુપ્રીમ કોર્ટમાં સરકારે નોટબંધીના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તે નકલી કરન્સી, આતંકવાદી ભંડોળ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની યોજનાનો ભાગ અને અસરકારક માર્ગ છે. આર્થિક નીતિઓમાં ફેરફાર સંબંધિત શ્રેણીમાં આ સૌથી મોટું પગલું હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર જ લેવામાં આવ્યો હતો.
કોર્ટમાં સરકારે નોટબંધીના ફાયદા પણ ગણાવ્યા
કેન્દ્રએ તેના જવાબમાં એમ પણ કહ્યું હતું કે નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણા ફાયદા થયા છે. માત્ર ઓક્ટોબર 2022માં જ 730 કરોડનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયાં હતાં, એટલે કે એક મહિનામાં 12 લાખ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન નોંધાયાં છે, જે 2016માં 1.09 લાખ ટ્રાન્ઝેક્શન હતાં, એટલે કે લગભગ રૂ. 6,952 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.