પવનકુમાર ગુનાખોરીની છબી ધરાવતા નેતાઓનો રેકોર્ડ ચૂંટણીમાં જાહેર કરવાના પોતાના આદેશના અપમાન અંગે સુપ્રીમકોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું- રાજકીય વ્યવસ્થામાં ગુનાખોરીનું જોખમ વધી ગયું છે. તેની શુદ્ધતા માટે ગુનાખોરીની પૃષ્ઠ ભૂમિ ધરાવતા નેતાઓને તેમાં સામેલ કરવાની અનુમતિ આપવી જોઈએ નહીં. પરંતુ અમારા હાથ બંધાયેલા છે. અમે સરકારના આરંક્ષિત ક્ષેત્રમાં અતિક્રમણ કરી શકતા નથી. અમે માત્ર કાયદો ઘડનારાના અંતરાત્માને અપીલ કરી શકીએ છીએ. બીજી બાજુ અન્ય એક મામલે સુપ્રીમકોર્ટે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ગુના અંગેના કેસ સંબંધિત હાઈકોર્ટની મંજૂરી વિના પરત લઈ શકાશે નહીં. જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરિમાન અને બી. આર. ગવઈની બેન્ચે કેન્દ્ર સરકારના વલણ અંગે નારાજગી જાહેર કરતા કહ્યું કે તેમણે સમયાંતરે કાયદો ઘડનારાને અપીલ કરી હતી પરંતુ તેમના બહેરા કાન પર તેની કોઈ અસર થઈ નહોતી. પક્ષો જીતવાની લાલચમાં ગાઢ નિદ્રામાંથી જાગવા જ તૈયાર નથી. અમને આશા છે કે એ સમય આવશે તેઓ જલ્દી જાગશે અને રાજકારણમાં ગુનાખોરીની કુપ્રથા ખતમ કરવા માટે એક મોટી સર્જરી કરશે.
પક્ષો પોતાની વેબસાઈટના હોમ પેજ પર ઉમેદવારોની માહિતી આપે, ચૂંટણીપંચ મોબાઈલ એપ બનાવે
સુપ્રીમકોર્ટે મંગળવારે રાજકીય પક્ષોને તેમની વેબસાઈટ પર ઉમેદવારોની ગુનાખોરીની માહિતી આપવા ઉપરાંત અનેક નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું કે તેનાથી મતદારોને ઉમેદવાર વિશે માહિતી મળશે નવા નિર્દેશઃ
ઓછો ફેલાવો ધરાવતાં અખબારમાં પ્રસિદ્ધ, સુપ્રીમકોર્ટ નારાજ
સુપ્રીમકોર્ટે કહ્યું કે અપમાનની કાર્યવાહીથી બચવા પક્ષોએ ગુનાખોરીની છબી ધરાવતાં ઉમેદવારોની માહિતી એવા અખબારોમાં પ્રસિદ્ધ કરી કે જેનો ફેલાવો બહુ જ ઓછો હતો. અમે આદેશ આપ્યો હતો કે વધુ ફેલાવો ધરાવતા અખબારોમાં પ્રકાશિત કરવું. એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ માહિતી પ્રસારિત કરવામાં આવે. ભવિષ્યમાં રાજકીય પક્ષ આવી ભૂલ ફરી ન કરે. આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે.
રાજ્યની હાઈકોર્ટની મંજૂરી વગર સાંસદો/ધારાસભ્યોના કેસ પાછા ખેંચી શકાય નહીં
સુપ્રીમકોર્ટે મંગળવારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના કેસ સંબંધિત હાઈકોર્ટની અનુમતિ વગર પાછા ખેંચી શકાશે નહીં. સીજેઆઈ એન.વી. રમનાના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ આદેશ આપ્યો કે તેઓ પોતાના ક્ષેત્રમાં સાંસદો તથા ધારાસભ્યોના વિલંબિત કેસનો ઉકેલ લાવે અને તેની માહિતી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આપે. સીબીઆઈ કોર્ટ અને અન્ય કોર્ટ સાંસદો, ધારાસભ્ય વિરુદ્ધના કેસની સુનાવણી ચાલુ રાખે. આવા કેસની દેખરેખ માટે સુપ્રીમકોર્ટ સ્પેશિયલ બેન્ચની રચના કરશે.
કેસ પાછા ખેંચ્યાઃ ઉ.પ્ર. સરકાર 800 કેસ પાછા ખેંચી ચૂકી છે
સુપ્રીમકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2020 સુધી હાલના અને ભૂતપૂર્વ સાંસદો/ધારાસભ્યોના 4,859 કેસ પેન્ડીંગ હતા. બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકાર 2017થી નેતાઓ સામે દાખલ કરાયેલા 800થી વધુ કેસ પાછા ખેંચી ચૂકી છે. તેમાં રમખાણો અંગેના તમામ કેસ છે. ડિસેમ્બર 2017માં કહ્યું હતું કે 20 હજાર નેતાઓ પરથી આંદોલન, ધરણા, દેખાવોનો કેસ પરત ખેંચવાની તૈયારીમાં છે.
ગુનાખોરીની માહિતી પ્રકાશિત ન કરનારા 8 પક્ષોને દંડ
સુપ્રીમકોર્ટે બિહાર ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ગુનાખોરી મામલે જાણકારી પ્રકાશિત નહીં કરવા મામલે 8 રાજ્યપક્ષોને દંડ ફટકાર્યો છે. સીપીએમ અને એનસીપીને પાંચ-પાંચ લાખ રૂપિયા, ભાજપ, કોંગ્રેસ, જનતાદળ, આરજેડી, સીપીઆઈ અને એલજેપીને એક-એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બસપાને ચેતવણી અપાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.