તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Population Control Law In The Country Time Demand Or Compulsion; Will The Draft Prepared By The Uttar Pradesh Government Be A Guide For The Country?

વસતિ બની રહી છે બોજરૂપ:દેશમાં વસતિ નિયંત્રણ કાયદો સમયની માગ કે મજબૂરી; ઉત્તર પ્રદેશ સરકારે તૈયાર કરેલો ડ્રાફ્ટ શું દેશ માટે માર્ગદર્શક બની રહેશે?

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં વિશ્વની કુલ વસતિ પૈકી 16.7 ટકા પણ કુલ જમીન વિસ્તારનો ફક્ત 2.4 ટકા હિસ્સો,તાજા પાણીનો ફક્ત 4 ટકા હિસ્સો છે
  • વર્ષ 1974થી 2010 દરમિયાન વસતિ બમણી થઈ હતી અને 2011માં તે એક અબજ 20 કરોડ થયેલી. વર્ષ 1998માં એક અબજ વસતિનો આંક કુદાવેલો

દેશમાં કાયદાકીય રીતે વસતિ વિસ્ફોટને અટકાવવાની શરૂઆત ઉત્તર પ્રદેશમાંથી થઈ છે.ઉત્તર પ્રદેશ સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ કાયદામાં બેથી વધારે બાળકો ધરાવનારને નોકરી, સરકારી યોજનાઓથી લઈ ચૂંટણીમાં નો-એન્ટ્રી લાગૂ કરવામાં આવી છે.આસામ પણ વસતિ નિયંત્રણ માટે "બે બાળક નીતિ" અમલી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં પણ વસતિ નિયંત્રણ માટે ચર્ચા છેડાઈ છે.

બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ વસતિ નિયંત્રણ કાયદો લાવવા વ્યાપકપણે વિચારણા કરી રહી છે. આ સંજોગોમાં વસતિ નિયંત્રણ કાયદો શું છે, વર્તમાન સમયમાં દેશમાં તેની શા માટે જરૂર પડી છે, વસતિ વિસ્ફોટને લઈ વિશ્વની તુલનામાં દેશમાં શુ સ્થિતિ પ્રવર્તિ રહી છે તે અંગે આપણે વાત કરશું.

શા માટે જરૂરી બની ગયો છે વસતિ નિયંત્રણ કાયદો
દેશમાં તુલનાત્મક રીતે પ્રાકૃતિક તથા માનવસર્જીત સંશાધનો અપર્યાપ્ત છે. ગમે એટલા પ્રમાણમાં આયોજન કરવામાં આવે અને ઈચ્છા શક્તિ દર્શાવવામાં આવે તો પણ વધી રહેલી વસતિને રોજગારી તથા અન્ય સુખ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુશ્કેલ બની રહ્યા છે. વધતી વસતિ વિકાસના માર્ગો અવરોધી રહી છે. આ સંજોગોમાં દેશમાં વસતિ નિયંત્રણ કાયદો અમલી બને તે માટે વ્યાપક માગ ઉઠી રહી છે. જેમ કે બે કરોડ લોકો માટે આવાસ અને આવશ્યક સેવા ઉભી કરવામાં આવી રહી હોય ત્યાં સુધીમાં વસતિમાં બીજા ત્રણથી ચાર કરોડનો ઉમેરો થઈ ચુક્યો હોય છે.

અગાઉ પણ વસતિ નિયંત્રણ માટે ''હમ દો હમારે દો, નાનો પરિવાર સુખી પરિવાર, હિંદૂ હો યા મુસલમાન, એક પરિવાર એક સંતાન" જેવા સૂત્રો રહ્યા છે,જેને લીધે ભારતમાં વસતિ નિયંત્રણ માટે લોકોને જાગૃત કરવામાં સતત પ્રયત્ન કરી શકાય, પણ ધાર્યાં પરિણામો મળ્યા નથી. કુદરતી સંસાધનોની તુલનામાં માનવ સંશાધનનો ઝડપથી વધી રહ્યા હોઈ માનવ વિકાસ સૂચકાંકમાં વ્યક્તિ દીઠ આવક અને હેપ્પીનેસ સૂચકાંકમાં ભારતનું સ્થાન સરકી રહ્યું છે.

નાગરિકો પોતાના અધિકારો પ્રત્યે જાગૃત છે પણ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર છે. ભારતમાં અત્યાર સુધીમાં વસતિ નિયંત્રણ માટે લોક જાગૃતિના અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો છે તેનાથી કોઈ જ નક્કર અને ફળદાયી પરિણામો મળ્યા નથી, આ સંજોગોમાં હવે કાયદાકીય રીતે કડક પગલાંની તાતી જરૂર જણાય છે.

દેશમાં એક વર્ગ એવો પણ છે કે જે ભગવાન કે અલ્લાહની દેણ સમજીને સતત બાળકો પેદા કરે છે અને જેમની કમાણીના પૈસા ઉપર સરકાર ટેક્સ વસુલ કરી તેના મારફતે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારીની વ્યવસ્થા કરે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં એક દિવસમાં 65000-69,000 જેટલી વસતિનો ઉમેરો થઈ રહ્યો છે, જો આ ગતિથી વસતિ વધારો જળવાશે તો એક સમય એવો પણ આવી શકે છે કે ભારતે પોતાની ખાદ્ય-ચીજવસ્તુની જરૂરિયાત માટે અન્ય દેશો પર આધાર રાખવો પડશે. આ ઉપરાંત દેશમાં વર્ષ 1974થી 2010 દરમિયાન વસતિ બમણી થઈ ગઈ હતી અને 2011માં તે એક અબજ 20 કરોડ થઈ હતી. ભારતમાં વર્ષ 1998માં એક અબજ વસતિનો આંક કુદાવ્યો હતો.

વર્ષ 2019માં વસતિ નિયંત્રણ વિધેયક રજૂ થયેલું
રાજય સભામાં વસતિ નિયંત્રણ વિધેયક,2019 રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના MP રાકેશ સિંહાએ આ વિધેયક રજૂ કર્યું હતું.વર્ષ 2020ના ફેબ્રુઆરીમાં શિવ સેનાના MP અનિલ દેસાઈએ બંધારણીય (સુધારા) વિધેયક,2020 રજૂ કર્યું હતું, જે બંધારણની કલમ 47Aમાં સુધારો સૂચવશે. આ વિધેયકમાં બે કરતાં વધારે બાળકો ધરાવનારને સરકારી નોકરી, આર્થિક લાભો તેમ જ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળતા ખાદ્યાનને લગતા લાભોથી વંચિત કરવાની , કેન્દ્ર સરકારે એવા ઉમેદવારોને પ્રાધાન્યતા આપવી કે જેઓ બે અથવા બેથી ઓછાં બાળકો ધરાવે તેની જોગવાઈ દર્શાવેલી. 2020 વિધેયકની અન્ય એક જોગવાઈમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓએ એવી લેખિત ખાતરી આપવાની કે તેઓ બેથી વધારે બાળક નહીં ધરાવે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સરકાર વસતિ નિયંત્રણ કાયદો ક્યારે લાવી શકે છે
મોદી સરકારનું હવે પછીનું પગલું વસતિ નિયંત્રણ માટે કાયદો લાવવાનું હોય તેવી પ્રબળ સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષથી અટકી પડેલી 370 કલમને હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે ત્યારે વસતિ નિયંત્રણ કાયદા અંગે પણ લોકોની આશા વધી છે.

73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે દેશવાસીઓએ વસતિ વિસ્ફોટ જેવી સમસ્યાનો સામનો કરવા માટે જાતે જ પ્રેરિત થઈ નાના પરિવારનો અભિગમ અપનાવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે નાના પરિવાર મારફતે દેશના નાગરિકો પોતાના કલ્યાણ ઉપરાંત દેશના કલ્યાણમાં પણ યોગદાન આપે છે, અલબત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલની વસતિ નિયંત્રણ પ્રત્યે લોકોની માનસિકતામાં ખાસ ફેર પડ્યો હોય તેવું જણાતું નથી.

વિશ્વની કુલ વસતિનો 16.7 ટકા હિસ્સો પણ જમીન ફક્ત 2.4 અને જળ સંસાધન 4 ટકા
વિશ્વમાં ચીન બાદ ભારત વસતિની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસતિ સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસતિ પણ એક અબજ 35 કરોડથી વધારે થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના આર્થિક અને સામાજીક વિભાગના અંદાજ પ્રમાણે ભારતની વસતિ વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ 64 કરોડ થઈ જશે.

જ્યારે ચીનમાં વસતિ વૃદ્ધિનો દર ઘણો ધીમો પડી રહ્યો હોવાથી વર્ષ 2030 સુધીમાં વસતિ એક અબજ 47 કરોડ થઈ જશે. ભારત અને ચીનની વસતિની તુલના કરવામાં આવે છે ત્યારે એ બાબત પણ જાણવી જરૂરી છે કે ભારતની તુલનામાં ચીનનું ભૌગોલિક કદ લગભગ ત્રણ ગણું વિશાળ છે, આ ઉપરાંત ભારત કરતાં ચીનનું અર્થતંત્ર પણ પાંચ ગણું વિશાળ છે. ચીને વર્ષ 1980માં એક-બાળકની પોલિસી અપનાવી હતી.

વર્તમાન સમયમાં ભારત વિશ્વની કુલ વસતિનો 16.7 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ ભારત પાસે વિશ્વની કુલ જમીન વિસ્તારનો ફક્ત 2.4 ટકા હિસ્સો જ છે. જ્યારે વિશ્વના કુલ જળ સંસાધન પૈકી ભારત તાજા પાણીનો ફક્ત 4 ટકા હિસ્સો ધરાવે છે. આમ ભારત જમીન, સંસાધનની તુલનામાં અસહ્ય વસતિનું ભારણ ધરાવે છે.

વિશ્વમાં પ્રથમ વખત વિયતનામમાં બે બાળકોનો કાયદો આવ્યો હતો
આજથી લગભગ 50 વર્ષ અગાઉ વર્ષ 1960માં વિયતનામ વિશ્વનો પ્રથમ દેશ હતો કે જ્યાં સૌથી પહેલા બે બાળકોની નીતિએ કાયદાનું સ્વરૂપ ધારણ કરેલું. ત્યારબાદ વર્ષ 1970માં હોંગકોંગમાં આ કાયદો લાગૂ થયો હતો, અલબત તે ફરજીયાત બનાવવામાં આવ્યો ન હતો. ચીનમાં વર્ષ 2016માં બે બાળકોનો કાયદો અમલી બનેલો,જ્યાં એક બાળકની પોલિસી લાગૂ હતી.

ઈરાને વર્ષ 1990થી 2016 દરમિયાન પરિવાર નિયોજન હેઠળ નાગરિકોને બે બાળકો પોલિસીને પ્રોત્સાહન આપ્યું હતું. ઈરાનની સરકારે પોતાની જાહેરાતમાં કહ્યું હતું કે ઈસ્લામ પણ બે બાળકોવાળા પરિવારના પક્ષમાં છે.બ્રિટનમાં વર્ષ 2012માં કન્ઝરવેટીવ પાર્ટીએ બે બાળકોની પોલિસી રજૂ કરી હતી, જે હેઠળ સરકારે પરિવારને બે બાળકોને લગતા ચાઈલ્ડ બેનિફિટ આપવાની જાહેરાત કરી હતી.

જોકે વર્ષ 2015માં બ્રિટનના વડાપ્રધાન ચૂંટાઈ આવેલા ડેવિડ કેમરુને બે બાળકોની પોલિસી હેઠળ આપવામાં આવતા ચાઈલ્ડ બેનિફિટમાં કાપ મુક્યો હતો, પણ ત્રણ મહિના બાદ સ્વાસ્થ્ય મંત્રી જ્યોર્જ ઓસ્બ્રોને ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પહેલા બે સંતાનો સુધી મર્યાદિત કરવાની જાહેરાત કરી વસતિ નિયંત્રણ અંગે સરકારના વલણને સ્પષ્ટ કરી દીધુ હતું.

વર્ષ 2000માં વાજપેયી સરકારે પંચની રચના કરી હતી
વર્ષ 2000માં અટલ બિહારી વાજપેયી સરકારે વેંકટચેલૈયા પંચની રચના કરી હતી,જેણે વસતિ નિયંત્રણ માટે કાયદો બનાવવાની ભલામણ કરી હતી. આ પંચે 31 માર્ચ,2002માં પોતાનો અહેવાલ સોંપ્યો હતો. આ પંચમાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યામૂર્તિ એમએન વેંકટચેલૈયા અધ્યક્ષ હતા, જ્યારે ન્યામૂર્તિ આરએસ સરકારિયા, ન્યાયમૂર્તિ જીવન રેડ્ડી અને ન્યાયમૂર્તિ પુન્નૈયા આ પંચના સભ્ય હતા.

ભૂતપુર્વ એટર્ની જનરલ કે પરાસરન તથા સોલી સોરાબજી, લોકસભા મહાસચિવ સુભાષ કશ્યપ, ભૂતપુર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમા, વરિષ્ઠ પત્રકાર સીઆર ઈરાની તથા અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચુકેલા આબિદ હુસૈનનો પણ તેમા સમાવેશ થતો હતો.

ઈમર્જન્સીમાં નસબંધીઃ વર્ષ 1975માં ઈમર્જન્સી સમયે પોતાના નિર્ણયોને લીધે ઈન્દિરા ગાંધી વિપક્ષના નિશાન પર રહ્યા હતા. તે સમય ગાળા દરમિયાન નસબંધી અભિયાનનું સુકાન સંજય ગાંધીએ સંભાળ્યું હતું. તેમણે શિક્ષકોથી લઈ સરકારી અમલદારોને નસબંધી અભિયાનને સફળ બનાવવા માટે ટાર્ગેટ આપ્યા હતા. ટાર્ગેટ પુરા ન થાય તો પગાર કાપી નાંખવાની પણ ચેતવણી આપી હતી.