આ રહ્યો પુરાવો:લખીમપુરમાં ખેડૂતોને થાર જીપથી કચડ્યા પછી ગાડીથી ભાગતી વ્યક્તિ મંત્રીનો દીકરો હોવાનો દાવો, વધુ એક વીડિયો વાઇરલ

22 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના લખીમપુર હિંસા સાથે જોડાયેલો એક મહત્ત્વનો પુરાવો સામે આવ્યો છે. એમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનો દીકરો જોવા મળ્યો છે. હકીકતમાં કાળા ઝંડા દેખાડતા ખેડૂતોને થાર જીપ દ્વારા કચડવામાં આવ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. એમાં આગળ હવે એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ગાડીમાંથી ઊતરીને ભાગતી દેખાય છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો દીકરો આશિષ ઉર્ફે 'મોનુ' ગણાવી રહ્યા છે. જોકે આ વીડિયો સાચો હોવાની વાત હજી ભાસ્કર ગ્રુપે કહી નથી.

અજય મિશ્રાએ આ દાવો કર્યો હતો
હિંસાવાળા દિવસે મંત્રી અજય મિશ્રાએ દાવો કર્યો હતો કે તેમનો દીકરો ત્યાં હતો જ નહીં. ઘરે દંગલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેથી તે પોતે જ ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યને રિસીવ કરવા જવાનો હતો. જો આ ઘટનામાં તેમનો દીકરો હતો એવું કોઈ સાબિત કરી દેશે તો તે પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. આશિષની ગાડીથી ત્રણ ખેડૂતને કચડીને મોતને ઘાત ઉતારવામાં આવ્યા છે. ત્યાર પછી આંદોલિત ખેડૂતોએ આશિષની જીપને આગ ચાંપી દીધી હતી. જ્યારે ડ્રાઈવર અને ભાજપના ત્રણ કાર્યકર્તાઓની મારી મારીને હત્યા કરી દીધી હતી.

કેન્દ્રીય મંત્રીના દીકરા સહિત 14 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો
લખીમપુરમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા સહિત 14 લોકો સામે હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ બહરાઈચના નાનપારામાં રહેતા જગજિત સિંહની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
બીજી બાજુ, મંત્રી અજય મિશ્રાના ડ્રાઈવરની ફરિયાદ પર તિકુનિયા પોલીસ સ્ટેશનમાં જ અજ્ઞાત ખેડૂતો પર હત્યા, જીવલેણ હુમલો અને મારઝૂડની કલમ દાખલ કરી કેસ નોંધવામાં આવ્યો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી સમજૂતી લખીમપુરમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.
સરકારમાં મૃતકોના પરિવારને 45 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એ ઉપરાંત દરેક મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. એ સાથે જ ઘટનાની ન્યાયિક તપાસ અને 8 દિવસમાં આરોપીની ધરપકડ કરી લેવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...