દારૂમાં 'લાંચ'નો નશો!:કેજરીવાલ અને સિસોદિયા પર દારૂની દુકાનોની વહેંચણી માટે 500 કરોડની લાંચનો આરોપ, કવિ કુમાર વિશ્વાસનું ટ્વીટ

19 દિવસ પહેલા

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી નવી દારૂ પોલિસી વિવાદમાં આવી ગઈ છે. કેજરીવાલના જૂના સહયોગી અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે આ નવી પોલિસી લાગુ કરવા પાછળ લાંચનો આરોપ લગાવ્યો છે. કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે નવી પોલિસી અંતર્ગત દારૂની દુકાનોની વહેંચણી કરવા માટે બન્ને નેતા દ્વારા રૂ. 500 કરોડની લાંચ લેવામાં આવી છે. 'બંને નેતા' કહીને તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે આડકતરા આક્ષેપ લગાવ્યા છે.

કુમાર વિશ્વાસે સોમવારે સોશિયલ મીડિયા પર નવી દારૂની પોલિસી સાથે જોડાયેલા એક ન્યૂઝને રી-ટ્વીટ કરતી એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે પીવાવાળાની ઉંમર 21થી ઘટાડીને 18 કરવા અને 1000 નવી દુકાન શરૂ કરવાની પોલિસી લાગુ કરવાની ભલામણ લઈને 2016માં દિલ્હીનો દારૂ-માફિયા એક ધારાસભ્યને સાથે લઈને મારી પાસે આવ્યો હતો. કુમાર વિશ્વાસે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે મેં તેને હડધૂત કરીને ભગાડી દીધો હતો અને બંને નેતાને ચેતવી દીધા હતા. હવે નાનાનો સાળો છે, તેણે 500 કરોડની ડીલમાં બધું સેટ કરાવી દીધું છે. વિશ્વાસના ખાસ લોકોના જણાવ્યા પ્રમાણે, તેણે પોસ્ટમાં 'બંને નેતા' શબ્દ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM મનીષ સિસોદિયા માટે વાપર્યા છે. એ ઉપરાંત તેમણે 'નાનો' એટલે સિસોદિયા તરફ ઈશારો કર્યો છે.

દિલ્હીમાં નવી પોલિસી પ્રમાણે 849 દારૂની દુકાનો ખૂલી
દિલ્હી સરકારે નવી દારૂની પોલિસીમાં સરકારી દારૂની દુકાનો કરતાં ખાનગી વાઈન શોપને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પોલિસી અંતર્ગત દિલ્હીમાં 849 દારૂની દુકાનો ખોલવામાં આવી છે. નવી પોલિસીમાં દરેક વોર્ડમાં 3 દારૂની દુકાન ખોલવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત દારૂ પીનારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.
આ નવી પોલિસીનો દિલ્હીની વિપક્ષ પાર્ટી ભાજપે વિરોધ કર્યો છે. ભાજપે વર્ષના પહેલા દિવસે જ આ વિશે દિલ્હીમાં વિરોધપ્રદર્શન પણ કર્યાં હતાં. ભાજપના નેતાઓએ કેજરીવાલ પર 2000 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. એ ઉપરાંત એવું પણ કહ્યું છે કે એક બાજુ કેજરીવાલ પંજાબ જઈને દારૂબંધીની વાતો કરે છે અને બીજી બાજુ દિલ્હીમાં દારૂને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના સંસ્થાપક હતા કુમાર વિશ્વાસ
કુમાર વિશ્વાસ પહેલાં અરવિંદ કેજરીવાલની સાથે જ હતા. વર્ષ 2011માં દિલ્હીની રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેના આંદોલનને આયોજિત કરવામાં કેજરીવાલની સાથે કુમાર વિશ્વાસની ભૂમિકા પણ મહત્ત્વની હતી. ત્યાર પછી તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સંસ્થાપક સભ્ય પણ બન્યા હતા. જોકે દિલ્હીમાં AAPની સરકાર બીજીવાર સત્તામાં આવ્યા પછી તેમની વચ્ચે મતભેદને કારણે તેમણે કેજરીવાલ સાથે છેડો ફાડી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...