મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર સરકાર સામે સંકટ વધી રહ્યું છે. વાત એવી છે કે શિવસેનાના સિનિયર નેતા અને સરકારના મંત્રી એકનાથ શિંદે 20થી વધુ ધારાસભ્યો લઈને ગુજરાતના સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. એમાં શિવસેનાના 15, જ્યારે અન્ય પાર્ટીના 10 ધારાસભ્ય સામેલ છે. એકનાથ શિંદે સાથે સુરત જનારા નેતાઓમાં મહારાષ્ટ્ર સરકારના બે મંત્રીઓ સિવાય એકનાથ શિંદેનો દીકરો પણ સામેલ છે. માનવામાં આવે છે કે શિંદેને તેમની જ પાર્ટીમાં એકલા પાડી દેવામાં આવતાં તેમણે આ નિર્ણય લીધો છે.
કોણ છે એકનાથ શિંદે?
એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરીએ 1964માં સતારા જિલ્લામાં થયો હતો. થોડાં વર્ષો પછી તેમનો પરિવાર થાણે આવી ગયો. એકનાથ શિંદેનો સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પણ થાણેમં થયો હતો. 59 વર્ષના એકનાથ શિંદે ઠાકરે પરિવાર પછીના શિવસેનાના સૌથી કદાવર નેતા માનવામાં આવે છે. તેઓ 1980માં શિવસેનામાં જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પાંચપખાડી સીટથી 4 વાર ધારાસભ્ય રહ્યા છે. શિવસેનામાં તેમની છબિ એક કટ્ટર કાર્યકર્તા તરીકેની રહી છે. નોંધનીય છે કે શિંદે અત્યારે મહારાષ્ટ્ર સરકારમાં નગર વિકાસમંત્રી છે.
થાણેમાં શિંદેનો પ્રભાવ
થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે નગર નિગમનની ચૂંટણી, હંમેશાં જીત તેમના ઉમેદવારની જ થતી. એકનાથના દીકરા શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર જ કલ્યાણ સીટથી સાંસદ છે. ઓક્ટોબર 2014થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા રહ્યા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWDના કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક થઈ હતી. 2019માં કેબિનેટ મંત્રી સાર્વજનિક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રીનું પદ મળ્યું.
મુખ્યમંત્રી બનતાં બનતાં રહી ગયા શિંદે
વર્ષ 2019માં જ્યારે શિવસેનાએ ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યું ત્યારે નક્કી થયું કે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે અને સીએમ શિવસેનામાંથી બનશે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે એ નક્કી નહોતું. ઉદ્ધવ ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી વિધાનસભામાં પક્ષના નેતા એકનાથ શિંદેને બનાવી દીધા હતા. ત્યારે લાગતું હતું કે શિંદેને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પરંતુ શરદ પવાર અને સોનિયા ગાંધી ઈચ્છતાં હતાં કે ઉદ્ધવ સીએમ બને. ઉદ્ધવને તેના પરિવાર તરફથી પણ મુખ્યમંત્રી પદ સ્વીકારવાનું દબાણ હતું. આ સંજોગોમાં શિંદે મુખ્યમંત્રી બનતાં બનતાં રહી ગયા હતા.
કેમ નારાજ છે શિંદે?
એકનાથ શિંદેનું શિવસેના અગ્રણીઓથી નારાજ થવું કોઈ નવી વાત નથી. માનવામાં આવે છે કે એકનાથ શિંદે ગઠબંધનની ત્રણેય પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનીસીપીથી નારાજ છે. આ પહેલાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એકનાથ શિંદેની શિવસેનાના અગ્રણીઓ સાથેની માથાકૂટ સામે આવી હતી. ત્યારે એવું પણ કહેવાતું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે બીજેપીમાં જોડાઈ શકે છે. જોકે ત્યારે આ વાત ખોટી સાબિત થઈ હતી અને તેમણે પોતે જ આ વાત નકારી હતી, પરંતુ હવે તેઓ ફરી નારાજ હોવાની વાત સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.