અંગ્રેજોના સમયમાં બનેલો એક કાયદો, જે દેશની આઝાદીનાં 75 વર્ષ પછી પણ બદલાયો નથી, તો શું હવે બદલાશે? આપણે વાત કરી રહ્યા છીએ રાજદ્રોહના કાયદાની. સત્તા બદલાઈ, ઘણા વડાપ્રધાન બદલાયા, પરંતુ આ રાજદ્રોહનો કાયદો નથી બદલાયો. 1870માં લાગુ થયેલા આ કાયદાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને કચડવા માટે લાવવામાં આવ્યો હતો. 152 વર્ષ જૂનો આ કાયદો ધીમે ધીમે સત્તાનું હથિયાર બની ગયું. હવે સુપ્રીમ કોર્ટે પણ પૂછ્યું છે કે અંગ્રેજોના જમાનાના કાયદાની આઝાદ ભારતમાં શી જરૂર છે? આ વિશે કેન્દ્ર સરકાર અને વિપક્ષની અલગ અલગ દલીલો છે.
સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી સરકારનું પણ માનવું છે કે હવે રાજદ્રોહનો કાયદો બદલવાનો સમય આવી ગયો છે, તેથી આ કાયદાના પરિવર્તન વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. કાયદામંત્રી કિરેન રિજિજુએ પણ રાજદ્રોહના કાયદામાં પરિવર્તનને સમર્થન આપ્યું છે, જોકે આ પહેલાં કેન્દ્ર સરકારે રાજદ્રોહના કાયદાને યોગ્ય ગણાવીને સુપ્રીમ કોર્ટને આ કાયદાને પડકારતી અરજી ફગાવી દેવા ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોઈને હવે સરકારે પણ રાજદ્રોહના કાયદામાં પરિવર્તન લાવવાની વાતને સમર્થન આપ્યું છે.
સરકારે લીધો યુ-ટર્ન
સરકારે પહેલાં રાજદ્રોહનો કાયદો યથાવત્ રાખવા કહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટનું આકરું વલણ જોઈને સરકારે યુ-ટર્ન મારી લીધો છે. કેન્દ્ર દ્વારા દાખલ નવા સોગંદનામામાં જણાવાયું છે કે તેણે કાયદાની જોગવાઈઓને ફરીથી તપાસવા અને એના પર વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે ત્યાં સુધી આ મામલે સુનાવણી હાથ ન ધરવામાં આવે. સરકારે આઈપીસીની કલમ 124-Aની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓના સંબંધમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. કલમ 124-A દેશદ્રોહને અપરાધ બનાવે છે. સોગંદનામામાં કહ્યું છે કે સરકાર આઝાદીના 75મા વર્ષે અમૃત મહોત્સવના અવસરે અંગ્રેજોના સમયના આવા કાયદાને રદ કરવા માગે છે, જેની કોઈ ઉપયોગિતા રહી નથી. 2014-15થી અત્યારસુધીમાં 1500થી વધુ કાયદાને રદ કરાયા છે.
સોલિસિટર જનરલે કોર્ટમાં શું કહ્યું
સુપ્રીમ કોર્ટમાં દલીલ દરમિયાન સરકારે તેમનો પક્ષ રજૂ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અમે રાજદ્રોહના કાયદા પર ફરી વિચાર કરી રહ્યા છીએ. તમે સુનાવણી ટાળી શકો છો. અરજી કરનારના વકીલ કપિલ સિબ્બલે આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કાયદાના બંધારણીય મહત્ત્વને સમજવા માટે સુનાવણી પાછી ઠેલી છે. એટલા માટે નહીં કે સરકાર એ વિશે વિચાર કરવાની વાત કરે છે. એ પછી કપિલ સિબ્બલે કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે અમે જેટલા ઝડપથી રાજદ્રોહ કાયદાથી છુટકારો મેળવી લઈશું એટલું વધારે સારું છે. અત્યારે આપણે એ જ કરી રહ્યા છીએ, જે ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ નહોતા કરી શક્યા.
સુપ્રીમ કોર્ટે કેમ કહ્યું- આ કાયદાની હવે જરૂર નથી
સવાલ એ પણ ઊભો થયો છે કે સુપ્રીમ કોર્ટને કેમ કહેવું પડ્યું કે દેશને હવે રાજદ્રોહના કાયદાની જરૂર નથી. એ માટે આપણે 2016થી 2020 સુધી એટલે કે પાંચ વર્ષમાં રાજદ્રોહના કાયદા અંતર્ગત થયેલી ધરપરડ અને ગુનો સાબિત થવાના આંકડાને સમજવું પડશે. વર્ષ 2016માં રાજદ્રોહ કાયદા અંતર્ગત 73 લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમાંથી માત્ર 33% લોકો પર આરોપ સિદ્ધ થયો છે. 2017માં સૌથી વધારે 228 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાંથી 16.7% કેસ જ સાચા નોંધાયા છે. આ જ રીતે 2018 અને 2019માં 56 અને 99 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ 2018માં 15.4% અને 2019માં માત્ર 3.3% લોકો સામે આરોપ સાબિત થયા છે.
આજ રીતે વર્ષ 2020માં કુલ 44 લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ 33.3% લોકો સામે જ આરોપ સાબિત થઈ શક્યો છે. આંકડાથી સ્પષ્ટ છે કે રાજદ્રોહની ફરિયાદ નોંધાવવી અને આરોપ સાબિત થવાના આંકડામાં ઘણો ફેર છે. એનાથી એ સંકેત પણ મળે છે કે મોટી સંખ્યામાં આવા કેસ અધૂરી તૈયારીઓ સાથે નોંધાય છે, જ્યારે કઈ સાબિત ના થાય ત્યારે એને રદ કરવા પડે છે. આ જ કારણથી હવે સુપ્રીમ કોર્ટને રાજદ્રોહના કાયદામાં હસ્તક્ષેપ કરવો પડ્યો છે.
શું છે રાજદ્રોહ કાયદો?
સરળ ભાષામાં સમજીએ તો IPC કલમ 124 (A) પ્રમાણે રાજદ્રોહ એક ગુનો છે. રાજદ્રોહ અંતર્ગત ભારતમાં સરકારે સામે મૌખિક, લેખિત અથવા સંકેતો કે દૃશ્યરૂપે વિરોધ અથવા વિરોધનો પ્રયત્ન સામેલ કરવામાં આવે છે. રાજદ્રોહ બિનજામીનપાત્ર ગુનો છે. રાજદ્રોહના કેસમાં ત્રણ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને સાથે દંડ પણ લાગી શકે છે. આ ગુનો લાગ્યો હોય એવી વ્યક્તિને સરકારી નોકરીમાંથી કાઢી પણ શકાય છે.
કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો રાજદ્રોહનો કાયદો
દેશમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લોકોનો અવાજ ઊઠવા લાગ્યો ત્યારે વાઇસરોયના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય જજ જેમ્સ સ્ટીફને 1870માં IPCમાં સંશોધન કરાવીને રાજદ્રોહની કલમ 124(A) સામેલ કરાવી હતી. ત્યાર પછી આ કાયદાનો ઉપયોગ ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય નેતાઓ સામે થવા લાગ્યો હતો. શહીદ ભગત સિંહ, બાળ ગંગાધર તિલક, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ સહિત તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે અંગ્રેજોએ આ કાયદા અંતર્ગત કેસ ચલાવ્યો હતો. કદાચ આ જ કારણ હશે કે આઝાદી પછી બંધારણ નિર્માણના સમયે 1948માં કેએમ મુનશીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો અને મૂળ બંધારણમાંથી રાજદ્રોહ શબ્દ હટાવી દીધો. 26 નવેમ્બર 1949માં જ્યારે દેશનું નવું બંધારણ તૈયાર થયું ત્યારે એમાં રાજદ્રોહ શબ્દ ન હતો, જોકે IPCમાં સેડિશનનો આર્ટિકલ 124(A) ત્યારે પણ હતો.
1951માં નોંધાયો હતો રાજદ્રોહનો પહેલો કેસ
દેશની આઝાદી પછી રાજદ્રોહનો પહેલો કેસ 1951માં નોંધાયો હતો. 1951માં કટ્ટર શીખ નેતા તારા સિંહ ગોપીચંદે કરનાવ અને લુધિયાણામાં ભાષણ આપ્યું હતું. તેમનાં ભાષણો પછી તેમના પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. તેમણે દેશના ભાગલાનો વિરોધ કર્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે જો અલગ પાકિસ્તાન બનતું હોય તો અલગ પંજાબ પણ બની શકે. તારા સિંહ ગોપીચંદVs સ્ટેટનો આ કેસ 1951માં હાઈકોર્ટ સુધી આવ્યો હતો. પંજાબ હાઈકોર્ટે ત્યારે કહ્યું હતું કે IPCનું સેક્શન 124 (A) સ્પષ્ટ રીતે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ છે. પંજાબ હાઈકોર્ટના આ આદેશ પછી 1951માં જ પહેલા બંધારણ સંશોધન કરવામાં આવ્યું છે અને એમાં અમુક શરતો જોડવામાં આવી છે. આ શરતો એટલા માટે જોડવામાં આવી છે, કારણ કે અભિવ્યક્તિની આઝાદીને અમુક સંજોગોમાં સીમિત કરી શકાય.
કેવી રીતે રાજકીય હથિયાર બન્યો આ કાયદો
વર્ષ 1974માં ઘણાં મોટાં પરિવર્તનો થયાં અને ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે અંગ્રેજોના જમાનાની CrPC 1874ની જગ્યાએ CrPC 1973 લાગુ કરી દીધી. એમાં 124 (A) અંતર્ગત કરવામાં આવેલા ગુનાને ગંભીર ગુનો બનાવી દેવામાં આવ્યો. એનું પરિણામ એ આવ્યું કે પોલીસને વોરન્ટ વગર ધરપકડનો અધિકાર મળી ગયો. ત્યાર પછી આ કાયદાનો ઉપયોગ રાષ્ટ્રની સુરક્ષા અને એકતાની રક્ષાની જગ્યાએ રાજકીય હથિયાર તરીકે થવા લાગ્યો હતો. અંગ્રેજોએ તેમણે જ બનાવેલા આ કાયદાને 2009માં સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. 2010માં એને સમાપ્ત પણ કરી દેવામાં આવ્યો, પરંતુ કાયદાનું વધુ કડક વલણ હજી પણ ચાલુ છે.
દરેક સરકાર પર આ કાયદાના દુરુપયોગનો આરોપ લાગ્યો
રાજદ્રોહ કાયદાના દુરુપયોગના આરોપો દરેક સરકાર પર લાગ્યા છે, પરંતુ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીથી વિવાદ વધી ગયો હતો. આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશદ્રોહના કાયદાનો આંખો બંધ કરીને ઉપયોગ કરવામાં આવતો હોવાથી એની હાલત હવે એવી થઈ ગઈ છે જાણે હાથમાં કરવત હોય અને જે એક ઝાડની જગ્યાએ આખા જંગલને કાપી નાખે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે ખૂબ ખરાબ વાત છે કે આ કાયદાને આઝાદીનાં 75 વર્ષ પછી પણ ચાલુ રાખવામાં આવ્યો છે. સરકાર ઘણા અપ્રચલિત કાયદાઓને રદ કરી રહી છે. તો આ કાયદો કેમ હજી ચાલે છે? આ કાયદો સંસ્થાઓનાં કામકાજ અને વ્યક્તિની સ્વતંત્રતા માટે ખૂબ ગંભીર છે.
સરકારે આપવા પડશે કોર્ટના સવાલોના જવાબો
રાજદ્રોહ કાયદા પર સુનાવણી કરતાં 10 મેએ સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે...
હવે સરકારે આ સવાલોના જવાબ શોધવાના છે. એમાં સૌથી મુશ્કેલ સવાલ રાજદ્રોહ કાયદામાં પરિવર્તનની સીમા નક્કી કરવા વિશેનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.