• Gujarati News
 • National
 • Know All About Population Control Policy In India MP, UP, Gujarat Want This In Bill Assembly Election

વસતિ જ વિકાસનું વિઘ્ન:ટ્રિપલ તલાક, રામ મંદિર, કલમ 370 પછી હવે 'વસતિ નિયંત્રણ' મોદીનો એજન્ડા? કોણ પક્ષમાં-કોણ વિરોધમાં? જાણો આ કાયદા વિશે જરૂરી બધું જ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તરપ્રદેશની યોગી સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. વિશ્વ જનસંખ્યા દિવસે રજૂ કરવામાં આવેલા આ ડ્રાફ્ટ બિલ વિશે દેશમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એમાં વધતિ જનસંખ્યાની ખરાબ અસરો, જનસંખ્યાને નિયંત્રિત કરવાથી થતી નકારાત્મક અસર, જનસંખ્યા નિયંત્રણથી થતા કાયદાકીય ફાયદા અને એ વિશે રાષ્ટ્રીય કાયદાની જરૂરિયાત જેવા મુદ્દા સામેલ છે. રસપ્રદ વાત એવી છે કે જનસંખ્યા નિયંત્રણ કાયદા વિશે NDAમાં મતભેદ છે, જ્યારે UPA સંગઠન એકજૂથ જોવા મળી રહ્યું છે.

વસતિ નિયંત્રણ કેમ જરૂરી
વિશ્વમાં ચીન બાદ ભારત વસતિની દૃષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસતિ સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસતિ પણ એક અબજ 35 કરોડથી વધારે થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના આર્થિક અને સામાજિક વિભાગના અંદાજ પ્રમાણે, ભારતની વસતિ વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ 64 કરોડ થઈ જશે.

જ્યારે ચીનમાં વસતિ વૃદ્ધિનો દર ઘણો ધીમો પડી રહ્યો હોવાથી વર્ષ 2030 સુધીમાં વસતિ એક અબજ 47 કરોડ થઈ જશે. ભારત અને ચીનની વસતિની તુલના કરવામાં આવે છે ત્યારે એ બાબત પણ જાણવી જરૂરી છે કે ભારતની તુલનામાં ચીનનું ભૌગોલિક કદ લગભગ ત્રણ ગણું વિશાળ છે, આ ઉપરાંત ભારત કરતાં ચીનનું અર્થતંત્ર પણ પાંચ ગણું વિશાળ છે. ચીને વર્ષ 1980માં એક-બાળકની પોલિસી અપનાવી હતી.

વર્તમાન સમયમાં ભારત વિશ્વની કુલ વસતિનો 16.7 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ ભારત પાસે વિશ્વની કુલ જમીન વિસ્તારનો ફક્ત 2.4 ટકા હિસ્સો જ છે, જ્યારે વિશ્વના કુલ જળ સંસાધન પૈકી ભારત તાજા પાણીનો ફક્ત 4 ટકા હિસ્સો ધરાવે છે. આમ, ભારત જમીન, સંસાધનની તુલનામાં અસહ્ય વસતિનું ભારણ ધરાવે છે.

ગુજરાતમાં વસતિ નિયંત્રણનો કડક કાયદો આવવાની શક્યતા
વસતિ નિયંત્રણ બાબતે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો યુપી સરકારની જેમ વિધાનસભામાં ખાસ બિલ લાવવામાં આવશે. આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ઘણાં વર્ષ પહેલાં વસતિ નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટેના કાયદાનો ડ્રાફ્ટ જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

સમર્થનમાં શરદ પવાર
યુપીએના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારના ગઠબંધન દળના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે જનસંખ્યા નિયંત્રણને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા, સારી રહેણીકરણી અને પર્યાવરણ સંતુલન માટે જનસંખ્યા નિયંત્રણ જરૂરી છે. પવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે વિશ્વ જનસંખ્યા દિવસે દેશના દરેક નાગરિકે શપથ લેવા જોઈએ કે તેઓ જનસંખ્યા નિયંત્રણમાં યોગદાન આપશે. સારા દેશ અને જનજીવન માટે આ ખૂબ જરૂરી છે.

મધ્યપ્રદેશમાં કાયદો લાવવાની માગ
મધ્યપ્રદેશમાં બીજેપી સરકારના અમુક મંત્રીઓએ રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની માગણી કરી છે. શિવરાજ સરકારમાં મંત્રી વિશ્વાસ સારંગ, અરવિંદ ભદોરિયા, મોહન યાદવ અને ધારાસભ્ય રામેશ્વર શર્માએ જનસંખ્યા નિયંત્રણની ભલામણ કરી છે. તેમનું માનવું છે કે વધતી જતી વસતિથી સંસાધનોના ભાગલા પર નકારાત્મક અસર જોવા મળશે. તેમણે ભાર આપીને કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ વગર રાજ્ય અને દેશનું ભવિષ્ય સુરક્ષિત ના થઈ શકે.

આસામમાં જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવાની ભલામણ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ પણ રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ નીતિ લાવવાની કવાયત આગળ વધારી છે. તેમણે રાજ્યમાં કાયદો બનાવતાં પહેલાં મુસ્લિમ સમાજનો વિશ્વાસ જીતવાનો પણ પ્રયત્ન કર્યો છે. શર્માએ જુલાઈના પહેલા સપ્તાહમાં વિવિધ વિસ્તારોના 150 મુસ્લિમ સમુદાયના લોકોની મુલાકાત કરી હતી. ત્યાર પછી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાય પણ જનસંખ્યા વિસ્ફોટના જોખમને સમજી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આસામમાં આવતા મહિને ઓગસ્ટમાં જનસંખ્યા નિયંત્રણ નીતિનું નોટિફિકેશન જાહેર કરી શકાય છે. તેમણે 19 જૂને કહ્યું હતું કે રાજ્યમાં સરકાર સરકારી લાભ માટે ટૂંક સમયમાં જ બે બાળકોની નીતિ લાવી શકે છે.

યોગી સરકારના નિર્ણયનો વિરોધ
રાષ્ટ્રીય જનતા દળ (RJD), ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) જેવી રાજકીય પાર્ટીઓની સાથે સાથે મુસ્લિમ સંગઠન અને નેતા યુપી સરકારની જનસંખ્યા નીતિનો વિરોધ કર્યો છે. જનસંખ્યા નીતિના વિરોધમાં આવેલા દેવબંદથી લઈને વિવિધ રાજકીય પક્ષોનું કહેવું છે કે આ બિલ મુસ્લિમોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યું છે. અમુક નેતા આ બિલને આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોઈ રહ્યા છે. બીજી બાજુ, કોંગ્રેસના સિનિયર નેતા અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ સલમાન ખુર્શીદે યોગી સરકારના મંત્રીઓને તેમનાં બાળકોની સંખ્યા જણાવવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, સરકારે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરતાં પહેલાં એ માહિતી આપવી જોઈએ કે તેમના મંત્રીઓનાં કેટલાં બાળકો છે, ત્યાર પછી બિલ લાગુ કરવું જોઈએ.

જનસંખ્યા નિયંત્રણ મામલે NDAમાં મતભેદ
બિહારમાં બીજેપી સાથે મળીને સરકાર ચલાવતા મુખ્યમંત્રી નીતીશ કુમારનું કહેવું છે કે કાયદો બનાવી દેવાથી જનસંખ્યા પર નિયંત્રણ ના લાવી શકાય. ઉત્તરપ્રદેશ સરકારે જે કર્યું એ તેમનો અધિકાર છે, પરંતુ કાયદો બનાવીને કોઈને બાળક પેદા કરતા ના રોકી શકાય. એ માટે મહિલાઓમાં શિક્ષણનો સ્તર અને જાગ્રતિ વધારવાની જરૂર છે. જ્યારે નીતીશ સરકારના જ પંચાયતીરાજ મંત્રી સમ્રાટ ચૌધરીએ ઊંધું નિવેદન આપતાં કહ્યું હતું કે બિહારમાં બેથી વધારે બાળકો ધરાવતા લોકોને પંચાયતની ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં.

વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ
વિશ્વ હિન્દુ પરિષદે (VHP)એ પણ જનસંખ્યા નિયંત્રણ જોગવાઈનો વિરોધ કર્યો છે. પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે ઉત્તરપ્રદેશના વિધિ આયોગને ચિઠ્ઠી લખીને જનસંખ્યા નિયંત્રણના ડ્રાફ્ટમાં ખામી જણાવી છે. તેમણે કહ્યું હતું કે ડ્રાફ્ટ પોલિસીમાં એક બાળકવાળા સરકારી કર્મચારીને ગિફ્ટની જોગવાઈ કરવામાં આવી છે, જે જોખમી છે. બેથી ઓછાં બાળકોની નીતિને પ્રોત્સાહન આપવામાં આવશે તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો એક બાળકવાળાને ઈન્સેન્ટિવ આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો દેશનો વિકાસ રોકાઈ શકે છે.

મુસ્લિમ સમુદાયનો વિરોધ

 • દારુલ ઉલૂમ દેવબંધના મૌલાના મુફ્તિ અબુલ કાસિમ નૌમૌનીએ કહ્યું હતું કે વધારે બાળકોને જન્મ આપવો માનવ અધિકાર છે. આમ, જેનાં બેથી વધારે બાળકો હશે તેમને સરકારી સુવિધાઓથી વંચિત રાખવા એ અન્યાય છે. આ કાયદાથી અમારી કોમ્યુનિટી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
 • દિલ્હીના ફતેહપુરી મસ્જિદના શાહી ઈમામ મુફ્તિ મુકર્રમ અહમદે જનસંખ્યા નિયંત્રણ બિલને રાજકીય ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો આ કાયદો આખા દેશ માટે આવતો હોય તો ઠીક છે, પરંતુ હાલ આ કાયદો માત્ર મુસ્લિમ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવતો હોય એવું લાગે છે.
 • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય કમાસ ફારુકીનું કહેવું છે કે સરકારનો હેતુ જનસંખ્યા નિયંત્રણ કરવાનો નથી, પરંતુ સમાજના ભાગલા પાડવાનો છે.
 • ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસે-મુશાવરતના મહાસચિવ મૌલાના હામિદ નૌમાનીનું કહેવું છે કે જનસંખ્યા નિયંત્રણ કાયદાને મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે મુસ્લિમ સમુદાયનો પ્રજનન દર હિન્દુઓ કરતાં ઓછો છે.

સરકાર કાયદો લાવવાની તૈયારીમાં, છ ઓગસ્ટે રાજ્યસભામાં થશે ચર્ચા

 • કેન્દ્ર સરકાર દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. 6 ઓગસ્ટે પ્રાઈવેટ મેમ્બર બિલ પર રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે. બીજેપી સાંસદ રાકેશ સિન્હાનું જનસંખ્યા નિયંત્રણ વિશે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. 6 ઓગસ્ટે રાકેશ સિન્હાના પ્રાઈવેટ મેમ્બર બિલ પર ચર્ચા થઈ શકે છે. આ જ વિષયમાં રાજ્યસભાના સભ્ય અનિલ અગ્રવાલનું પ્રાઈવેટ મેમ્બર બિલ પણ આપવામાં આવ્યું છે.
 • નોંધનીય છે કે ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. આ સમયગાળામાં 19 બેઠક થઈ શકે છે. કોવિડના જોખમને ધ્યાનમાં રાખીને ચોમાસુ સત્ર માટે એ પ્રમાણે જ તૈયારી કરવામાં આવી છે. 18 જુલાઈએ ગૃહના ફ્લોર રીડરની બેઠક કરવામાં આવશે. ત્યાર પછી ગૃહની કાર્યવાહી ચલાવવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક કરવામાં આવશે.

વડાપ્રધાન કરી ચૂક્યા છે ભલામણ- રાષ્ટ્રપતિને પણ અરજી
15 ઓગસ્ટ 2019ના રોજ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં જનસંખ્યા નિયંત્રણનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને દેશમાં જનસંખ્યા વિસ્ફોટ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે અનિયંત્રિત જનસંખ્યાથી આગામી પેઢીની સામે ઘણા પડકારો ઊભા થશે. એ મુશ્કેલીનો ઉકેલ લાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે જરૂરી પગલાં લેવા જરૂરી. વડાપ્રધાને નાના પરિવારને દેશભક્તિ સમાન ગણાવ્યું હતું.
આ પહેલાં વર્ષ 2018માં દેશના રાષ્ટ્રપતિને પણ જનસંખ્યા નિયંત્રણની નીતિ લાવવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે અંદાજે 125 સાંસદોએ દેશમાં બે બાળકોની નીતિ લાગુ કરવા રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો હતો. યુપીના મુખ્યમંત્રી અને ગોરખપુરના એ સમયના સાંસદ યોગી આદિત્યનાથે 2015માં આ મુદ્દે એક સર્વે કરાવ્યો હતો. એ ઓનલાઈન સર્વેમાં સામાન્ય નાગરિકોના સૂચન માગવામાં આવ્યા હતા કે શું કેન્દ્રની મોદી સરકારે જનસંખ્યા નિયંત્રણ માટે કોઈ નીતિ બનાવવી જોઈએ કે નહીં.

જનસંખ્યા નિયંત્રણ બિલ 2021માં સરકારી સુવિધાઓ વિશે શું ઉલ્લેખ કરાયો છે

 1. જે માતા-પિતાને 2થી વધારે બાળકો હોય તેમની પાસેથી અમુક સુવિધાઓ પરત લેવી જોઈએ અથવા આપવી જ ના જોઈએ
 2. આવા પરિવારના સભ્યને લોકસભા, વિધાનસભા અથવા પંચાયત ચૂંટણી લડવાની મંજૂરી ના મળવી જોઈએ
 3. બેથી વધારે બાળકોવાળા પરિવારને રાજ્યસભા, વિધાન પરિષદ અને આ પ્રકારની સંસ્થાઓમાં નોમિનેટ ના કરવા જોઈએ
 4. આવા લોકો કોઈ રાજકીય પક્ષ ના બનાવી શકે અથવા કોઈ પાર્ટીના પદાધિકારી ના બની શકે
 5. રાજ્ય સરકારની એથી ડી કેટેગરીમાં નોકરી માટે એપ્લાઇ ના કરી શકે
 6. એ જ રીતે કેન્દ્ર સરકારની એથી ડી સુધીની કેટેગરીમાં પણ એપ્લાય ના કરી શકે
 7. ખાનગી કંપનીઓમાં પણ એથી ડી સુધીની કેટેગરીમાં અરજી ના કરી શકે
 8. આવા પરિવારોને ફ્રીમાં ભોજન, મફત વીજળી અને મફત પાણી જેવી સબસિડી ના મળવી જોઈએ
 9. બેન્ક અથવા અન્ય ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી લોન ના મળવી જોઈએ
 10. આવા લોકોને ઈન્સેન્ટિવ, સ્ટાઈપન્ડ અથવા કોઈ નાણાકીય લાભ ના મળવા જોઈએ
 11. બેથી વધારે બાળકો ધરાવતો પરિવાર કોઈ સંસ્થા, યુનિયન અથવા કો-ઓપરેટિવ સોસાયટી ના બનાવી શકે
 12. મતદાન કરવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર અને સંગઠન બનાવવાનો અધિકાર ન મળવો જોઈએ
અન્ય સમાચારો પણ છે...