• Gujarati News
  • National
  • India's One of a kind 'yoga Guru' To The People Of The World, His Mane Is Still Played All Over The World

યોગથી યોગ્ય બનો:ભારતે વિશ્વના લોકોને આપ્યા એકથી એક ચઢિયાતા 'યોગગુરુ', આખી દુનિયામાં આજે પણ વાગે છે તેમનો ડંકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015માં ભારતની પહેલથી ઈન્ટરનેશનલ યોગ ડે મનાવવાની શરૂઆત થઈ. ભારત સરકારના આયુષ મંત્રાલયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પત્તિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. યોગ વૈદિક દર્શનની છ પ્રણાલીમાંથી એક છે. ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષ પહેલાં મહાન સંત અને ઋષિઓએ કરી હતી, પરંતુ આજે યોગ સાધુઓ કે સંતો સુધી જ સીમિત નથી, યોગ આજે લોકોની દૈનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. ભારતે વિશ્વને આપેલી મહાન ભેટ યોગ દિવસ પર, આપણા દેશના એવા યોગગુરુઓ અંગે જણાવીશું, જેમણે માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન આપ્યું છે.

મહર્ષિ પતંજલિઃ યોગના જનક

યોગના જનક તરીકે ઓળકાતા મહર્ષિ પતંજલિએ પોતાના યોગસૂત્રમાં વ્યવસ્થિત રીતે યોગના અનેક પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. મહર્ષિ પતંજલિ એક મહાન ચિકિત્સક હતા, જેમને 'ચરક સંહિતા' અને યોગના પ્રણેતા માનવામાં આવે છે. 'યોગસૂત્ર' મહર્ષિ પતંજલિનું મહાન યોગદાન છે. આયુષ મંત્રાલય મુજબ મનુષ્યના સર્વાગીણ વિકાસ માટે મહર્ષિ પતંજલિએ 'અષ્ટાંગ યોગ'ના રૂપમાં યોગનાં આઠ તબક્કા અંગે જણાવ્યું છે. એ આઠ તબક્કા છે- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. મહર્ષિ પતંજલિનું કહેવું છે કે યોગનો રોજ અભ્યાસ કરવાથી એ મન અને શરીરના વિકારોને રોકે છે. આ ઉપરાંત યોગ તણાવપૂર્ણ સ્થિતિઓને સહન કરવાની ક્ષમતા પણ આપે છે.

તિરુમલાઈ કૃષ્ણમાચાર્યઃ આધુનિક યોગના જનક

તિરુમલાઈ કૃષ્ણમાચાર્યનો જન્મ 18 નવેમ્બર 1888માં થયો હતો. તેમને આધુનિક યોગના જનક કહેવામાં આવે છે. તિરુમલાઈ કૃષ્ણમાચાર્ય વૈદિક પરંપરા, યોગ શિક્ષણ અને અભ્યાસ પર ભારતના સૌથી સન્માનિત લોકોમાંથી એક છે. કૃષ્ણમાચાર્ય 'વિનયસા'ની અવધારણાને રજૂ કરનારા પહેલા યોગગુરુ હતા. તિરુમલાઈ કૃષ્ણમાચાર્યને યોગ કરવામાં એટલા મહારથી હતા કે તેમણે એક વખત હાર્ટ બીટ્સ (હૃદયના ધબકારા) એક મિનિટથી વધુ સમય સુધી રોકવાની પોતાની ક્ષમતા રજૂ કરી હતી. આ વાતનો ખુલાસો તેમની એક છાત્રા ઈંદ્ર દેવીએ કરી હતી.

કૃષ્ણમાચાર્યએ મૈસૂરના મહારાજા સહિત અનેક જાણીતા લોકોને યોગ શીખવ્યા છે. મૈસૂરના મહારાજાની મદદથી કૃષ્ણમાચાર્યએ મૈસૂરના જગનમોહન પેલેસમાં યોગશાળાની શરૂઆત પણ કરી હતી, જેને 20 વર્ષ સુધી તેમણે ચલાવી હતી. બીકેએસ અયંગર, ઈંદ્રા દેવી જેવા મહાન યોગ તિરુમલઈ કૃષ્ણમાચાર્યના જ વિદ્યાર્થી હતા.

બીકેએસ અયંગરઃ યોગ શૈલી વિશ્વભરમાં પ્રખ્યાત

બીકેએસ અયંગરનું આખું નામ બેલ્લુર કૃષ્ણમચારી સુંદરરાજ અયંગર છે, જેમનો જન્મ 14 ડિસેમ્બર 1918માં થયો હતો અને 20 ઓગસ્ટ 2014ના રોજ 95 વર્ષની વયે તેમનું નિધન થયું. બીકેએસ અયંગર એક વિશ્વ પ્રસિદ્ધ યોગ-શિક્ષક હતા, જેઓ પોતાની યોગ શૈલીને લઈને વિશ્વભરમાં જાણીતા હતા. તેમને તેમની યોગ કલાને જોતાં 'અયંગર યોગ' કહેવામાં આવતા હતા. અયંગરે રામમણિ અયંગર મેમોરિયલ યોગ સંસ્થાની પણ સ્થાપના કરી છે.

બીકેએસ અયંગરે એક વખત કહ્યું હતું કે યોગના અભ્યાસથી તેઓ ે સ્તરે પહોંચી ગયા હતા, જ્યાં તેમના શરીરની તમામ કોશિકાઓ પણ યોગની ઘંટડી વગાડતા હતા. તેઓ શરીર અને મનને કંટ્રોલ કરવા માટે ઘણા જ ઉત્સુક રહેતા હતા. અયંગરે પુણેમાં તહેવારો દરમિયાન રસ્તાઓ પર યોગ કરીને તેનો ઘણો જ પ્રચાર કર્યો અને લાખો લોકોને પ્રભાવિત કર્યા. તેમના મતે યોગ બધા જ માટે જરૂરી ગણાવ્યો હતો. 50ના દશકામાં જ્યારે રોગીય અયંગરની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા ત્યારે આયંગર તેમની ત્વચા અને આંખોને જોઈને ઈલાજ કરી દેતા હતા. વર્ષ 1966માં આચાર્ય આયંગરના એક પુસ્તક 'લાઈટ ઓન યોગ' લખ્યું હતું, જેનો યોગના ક્ષેત્રમાં ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. આ પુસ્તકને યોગની બાઈબલ પણ કહેવાય છે. આ પુસ્તકની 30 લાખથી વધુ કોપીઓ વેચાઈ છે અને 19 ભાષામાં અનુવાદ પણ થયું છે. 1996 અને 1998માં બે હાર્ટ-અટેક બાદ પણ તેમણે યોગિક ક્રિયાઓ જીવંત રાખી હતી. વિશ્વના 70 દેશમાં તેમના અગણિત અનુયાયીઓ છે.

સ્વામી કુવલયાનંદઃ યોગના વૈજ્ઞાનિક

સ્વામી કુવલયાનંદને યોગના વૈજ્ઞાનિક અનુસંધાનના અગ્રદૂત ગણવામાં આવતા હતા. સ્વામી કુવલયાનંદનો જન્મ 30 ઓગસ્ટ 1833માં ગુજરાતમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ જગન્નાથ ગણેશ ગુને હતું, જ્યારે તેમનું નિધન 1966માં થયું હતું. 1900ના દશકામાં સ્વામી કુલયાનંદે યોગની સાથે પ્રયોગ કરવાના શરૂ કર્યા હતા. તેમણે 1920ના દશકામાં યોગ પર વૈજ્ઞાનિક અનુસંધાનનો પ્રારંભ કર્યો હતો. તેમણે લોનાવલામાં કૈવલ્યધામ સ્વાસ્થ્ય અને યોગ અનુસંધાન કેન્દ્રની સ્થાપના કરી, જ્યાં તેઓ પ્રાચીન યોગ કલા અને પરંપરાને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને પ્રયોગ કરતા હતા.

સ્વામી કુવલયાનંદે યોગની વૈજ્ઞાનિક તપાસ માટે થઈને પહેલી વૈજ્ઞાનિક પત્રિકા શરૂ કરી હતી, જેનું નામ હતું 'યોગ મીમાંસા'. સ્વામી કુવલયાનંદ મહાત્મા ગાંધીના સ્વાસ્થ્ય સલાહકાર પણ હતા. સ્વામી કુવલયાનંદ પાસેથી પંડિત મોતીલાલ નેહરુ, પંડિત જવાહરલાલ નેહરુ, પંડિત મદનમોહન માલવીય સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ યોગ શીખ્યા છે. સ્વામી કુવલયાનંદના પ્રયાસોથી જ પશ્ચિમમાં આધુનિક યોગ ઘણા પ્રભાવિત થયા.

સ્વામી શિવાનંદઃ હાસ્ય યોગને આપ્યું મહત્ત્વ

સ્વામી શિવાનંદ સરસ્વત હિંદુ આધ્યાત્મ ગુરુની સાથે સાથે યોગ અને વેદાંતના સમર્થક પણ હતા. વ્યવસાયે ડોકટર સ્વામી શિવાનંદનું માનવું હતું કે એક યોગીએ પોતાના યોગમાં સૌથી ઉપર હાસ્યને રાખવું જોઈએ. તેમણે યોગ અને વેદાંત પર લગભગ 200 પુસ્તકો લખ્યાં હતાં. તેમણે દુનિયાને ત્રિમૂર્તિ યોગથી (YOGA OF TRINITY)પરિચિત કરાવ્યા જેમાં હઠયોગ, કર્મયોગ અને માસ્ટરયોગનું મિશ્ર છે. તેમણે એક ગીત પણ બનાવ્યું હતું, જેમાં 18 ગુણોની ચર્ચા કરવામાં આવી હતી.

કે. પટ્ટાભિ જોયસઃ અષ્ટાંગ યોગને પ્રખ્યાત બનાવનાર

કે. પટ્ટાભિ જોયસ પોતાના અષ્ટાંગ વિન્યાસ યોગમાં લોકપ્રિય છે, જે એક કોરુંતા નામના પ્રાચીન યોગ પર આધારિત છે. અષ્ટાંગ યોગ 5000 વર્ષ પહેલાં સંસ્કૃતમાં કોઈ અજ્ઞાત યોગી દ્વારા યોગ પર લખવામાં આવેલાં સૂત્ર છે. આ સૂત્રોને યોગ કારુંથના નામથી ઓળખવામાં આવે છે. અનેક હોલિવૂડના કલાકારો પણ જોયસના અષ્ટાંગ યોગના ફેન છે, જેમાં હોલિવૂડ સિંગર અને એક્ટ્રેસ મડોના, સ્ટિંગ અને ગ્વેનથ પ્વેલેટ્રો પણ સામેલ છે.

પરમહંસ યોગાનંદઃ મેડિટેશનનો કરાવ્યો પરિચય

પરમહંસ યોગાનંદે પશ્ચિમી દુનિયાને મેડિટેશન અને ક્રિયા યોગનો પરિચય આપ્યો. તેમના યોગનો ઉદ્દેશ નિરાકારથી સાકારને મળાવવાની ક્રિયાને સંપૂર્ણ કરવાનું હતું. પરમહંસ યોગાનંદનો સંબંધ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના શિષ્ય પરંપરા સાથે છે.

ધીરેન્દ્ર બ્રહ્મચારીઃ એકમાત્ર મહિલા PMના યોગ-ટીચર

ધીરેન્દ્ર બ્રહ્મચારી ઈન્દિરા ગાંધીના યોગ-ટીચર તરીકે ઓળખાય છે. તેમણે દૂરદર્શન ચેનલના માધ્યમથી યોગને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કર્યું. આ સાથે જ તેમણે દિલ્હીની સ્કૂલ અને યોગના વિશ્વયાતન યોગ આશ્રમમાં યોગને શરૂ કરાવ્યા હતા. તેમણે હિંદી અને અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો લખીને યોગને પ્રોત્સાહન આપ્યું. જમ્મુમાં તેમનો એક આલીશાન આશ્રમ પણ છે.

મીનાક્ષી દેવી ભવાની ઉર્ફે અમ્માજીઃ યોગ આંદોલનના પ્રમુખ

મીનાક્ષી દેવી ભવાની પુડુચેરીમાં વિશ્વપ્રસિદ્ધ યોગ શિક્ષણ અને અનુસંધાન કેન્દ્રના નિર્દેશક અને આચાર્ય છે. આંતરરાષ્ટ્રીય યોગગુરૂ મહર્ષિ ડૉ. સ્વામી ગીતાનંદગિરિ ગુરુ મહારાજનાં પત્ની અને વરિષ્ઠ શિષ્યા એટલે મીનાક્ષી દેવી. મીનાક્ષી દેવીએ પોતાનું સમગ્ર જીવન સ્વામી ગીતાનંદગિરિ ગુરુના શિક્ષણ અને તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓને સમર્પિત કરી દીધું છે. મીનાક્ષી દેવી ભવાની 'અમ્માજી'ના નામથી લોકપ્રિય છે. તેઓ યોગની સાથે સાથે ભરત નાટ્યમ પણ જાણે છે. મીનાક્ષી દેવી ભવાની ઉર્ફે અમ્માજીને આધુનિક યોગ આંદોલનના પ્રમુખ માનવામાં આવે છે.

બાબા રામદેવઃ વિશ્વભરમાં યોગનો ફેલાવો કરનાર
યોગગુરુ બાબા રામદેવ એક પ્રસિદ્ધ યોગ-શિક્ષક છે. બાબા રામદેવે યોગને તમામ લોકો માટે ઘણું જ આસાન અને લોકપ્રિય બનાવી દીધું છે. વિશ્વભરમાં યોગને પ્રોત્સાહન આપવામાં પણ બાબા રામદેવનો સિંહફાળો રહ્યો છે. તેમની યોગ શિબિરોમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થાય છે. રામદેવનો જન્મ હરિયાણામાં થયો છે અને જન્મ સમયે તેમનું નામ રામકૃષ્ણ યાદવ હતું. બાબા રામદેવ સંન્યાસીનું જીવન જીવે છે.

યોગગુરુ બાબા રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારથી ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. યોગને પ્રોત્સાહન આપવા માટે બાબા રામદેવે 1995માં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી. બાબા રામદેવના આ પ્રયાસમાં આચાર્ય કરમવીર અને આચાર્ય બાલકૃષ્ણ પણ તેમની સાથે આગળ આવ્યા. દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટનું મુખ્યાલય હરિદ્વારના કૃપાલુ બાગ આશ્રમમાં છે. બાબા રામદેવ આ આશ્રમમાં મુખ્ય રીતે યોગ શીખવે છે.

સ્વામી ભારત ભૂષણઃ આધુનિક વિવેકાનંદ
સ્વામી ભારત ભૂષણનો જન્મ 30 એપ્રિલ 1952ના રોજ થયો. સ્વામી ભારત ભૂષણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત શિક્ષણવિદ્ પંડિત બિશંબર સિંહના પુત્ર છે. યોગગુરુ સ્વામી ભારત ભૂષણે વિશ્વભરમાં યોગના માનવીય પહેલુનો પ્રચાર અને પ્રસાર કર્યો. તેમની પહેલ 'ભારત યોગ'થી અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સહિત 70 દેશોમાં યોગનું જ્ઞાન આપે છે.

21 વર્ષની ઉંમરમાં જ સ્વામી ભારત ભૂષણે 1973માં 'મોક્ષયતન આંતરરાષ્ટ્રીય યોગાશ્રમ'ની સ્થાપના કરી. સ્વામી ભારત ભૂષણને 1991માં યોગમાં તેમના યોગદાનને લઈને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને આધુનિક વિવેકાનંદ, યોગ ચક્રવર્તી, યોગ માર્તંડ, ભારત રાષ્ટ્ર રત્ન, અર્જુનશ્રી, પ્રતાપશ્રી, યોગના વૈશ્વિક રત્ન સહિત અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

સદગુરુ જગ્ગી વાસુદેવઃ આધ્યાત્મિક શિક્ષક

સદગુરુ જગ્ગી વાસુદેવ એક ભારતીય યોગી અને રહસ્યવાદી છે. આ ઉપરાંત સદગુરુ જગ્ગી વાસુદેવ એક લેખક, પ્રેરક પ્રવક્તા અને આધ્યાત્મિક શિક્ષક પણ છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1957માં કર્ણાટકના મૈસૂરમાં થયો છે. સદગુરુ જગ્ગી વાસુદેવે 'ઈશા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે. 'ઈશા ફાઉન્ડેશન' એક બિનલાભકારી સંગઠન છે, જે વિશ્વભરમાં યોગ કાર્યક્રમ કરે છે. આ ઉપરાંત આ સંસ્થા વિભિન્ન સામાજિક અને સામુદાયિક વિકાસની પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.

બી.કે. આશા ઉર્ફે આશા દીદીઃ આધ્યાત્મિક શિક્ષિકા

બી.કે. આશા એક આધ્યાત્મિક શિક્ષિકા છે, જેઓ વિશ્વભરમાં આધ્યાત્મ અને યોગનો પ્રચાર કરી ચૂક્યા છે. વર્તમાનમાં આશા દીદી દિલ્હી-NCRમાં સ્થિત બ્રહ્મા કુમારીઝના 'ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર'ના નિર્દેશક છે. આ સેન્ટર 30 એકરના પરિસરમાં આવેલો છે. આશા દીદી રાજયોગ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશનનાં મેમ્બર પણ છે. આ સંસ્થાની માસિક પત્રિકા 'પ્યૂરિટી'ના એસોસિયેટ એડિટર પણ છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરઃ દુનિયાના લોકોને એકજૂટ કર્યા​​​​​​

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરનો જન્મ 13 મે 1956ના રોજ દક્ષિણ ભારતમાં થયો હતો. તેઓ એક માનવતાવાદી નેતા અને આધ્યાત્મિક શિક્ષક તરીકે ઓળખાય છે. તેમણે આર્ટ ઓફ લિવિંગ નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા સેવા પરિયોજનાઓ અને કાર્યક્રમોએ દુનિયભરના લાખો લોકોને એકજૂટ કર્યા છે.

કહેવાય છે કે ચાર વર્ષની ઉંમરમાં રવિશંકર પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ભગવત ગીતાના કેટલાક ભાગને વાંચી લેતા હતા. નાની ઉંમરથી જ તેઓ યોગ અને ધ્યાન કરતા હતા. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પહેલાં શિક્ષક સુધાકર ચતુર્વેદી મહાત્મા ગાંધી સાથે જોડાયેલા હતા. 1973માં માત્ર 17 વર્ષની ઉંમરમાં રવિશંકરે વૈદિક સાહિત્ય અને ભૌતિક એમ બંનેનામાં ડીગ્રીની સાથે સ્નાતકનો અભ્યાસ કર્યો હતો.

હંસાજી જયદેવ યોગેન્દ્રઃ યોગ ફોર ઓલને ફેલાવનાર​​​​​​​

હંસાજી જયદેવ યોગેન્દ્રનો જન્મ 1947માં થયો છે. યોગગુરૂ હંસાજી જયદેવ યોગેન્દ્ર દુનિયામાં સૌથી જૂની યોગ સંસ્થાન જોના સાંતાક્રુઝ-મુંબઈમાં છે, એના ડાયરેક્ટર છે. આ યોગ સંસ્થાનની સ્થાપના હંસાજી જયદેવના સસરા યોગન્દ્રએ કરી હતી. હંસાજીએ 'યોગ ફોર ઓલ' નામનું એક પુસ્તક પણ લખ્યું છે. હંસાજી એક શાનદાર પ્રેરક વક્તા પણ છે. હંસાજી જયદેવ યોગેન્દ્ર દેશના પહેલાં અને એકમાત્ર મહિલા યોગગુરુ છે, જેમને ભારત સરકારના આયુષ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે નવી દિલ્હી રાજપથમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રમ પણ આપ્યું હતું.

રાજર્ષિ મુનિ 1976થી યોગ વિદ્યાલય ચલાવે છે

​​​​​​​લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇટમેન્ટ મિશન(લાઇફ મિશન) નામની સંસ્થા છે. આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુ.કે., રશિયામાં પણ આવેલાં છે. આ સંસ્થાના સંસ્થાપક રાજર્ષિ મુનિ છે. લાઇફ મિશન ભારતીય સંસ્કૃતિના પુનઃરુત્થાનનું કાર્ય કરે છે અને 1976થી યોગ વિદ્યાલય પણ ચલાવે છે. જેની વિશેષતા એ છે કે, આ સંસ્થા દ્વારા યોગ શીખવવા માટે એક પૈસો પણ લેવામાં આવતો નથી. આ મિશન દ્વારા આયોજિત સંસ્થા ખાતે લાખો લોકો યોગ શીખી ગયા છે.

પાંચમા વિશ્વ યોગ નિમિતે વડોદરાને અનોખું ગૌરવ મળ્યું હતું. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે યોગ પરંપરામાં વ્યક્તિગત પ્રોત્સાહક યોગદાન માટે પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર માટે રાજશ્રી મુનિની પસંદગી કરી હતી. અગાઉ ઉચ્ચ સનદી અધિકારી રહી ચૂકેલા આ પરમ યોગી સાધક કાયાવરોહણ તીર્થ સ્થિત લકુલીશ યોગ વિદ્યાપીઠના સંવર્ધક છે અને લાઇફ મિશનના માધ્યમથી યોગ સંસ્કૃતિને વિસ્તારી રહ્યા છે. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ લાખો લોકો યોગ શીખ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે.