‘અમે બાળપણથી કાશ્મીરમાં આતંકવાદ અને દરરોજ હત્યાની વાત સાંભળીએ છીએ, પરંતુ અહીંયા આવ્યા તો સમગ્ર ચિત્ર અલગ જ હતું. અહીંયા અમે પોતાને વધુ સુરક્ષિત માનીએ છીએ. લોકો ખૂબ જ પ્રામાણિક અને નિર્દોષ છે. માત્ર ટીવી જોવાનું બંધ કરશો તો અહીંયા બધું જ શાંત જણાશે.’ લખનઉથી કાશ્મીરની મુલાકાતે આવેલી માત્ર મોના જ નહીં, દરેક પર્યટકોએ ભાસ્કર સાથેની વાતચીતમાં આ જ અભિપ્રાય આપ્યો છે. આંકડાઓ પણ તેના સાક્ષી છે. આ વર્ષે મે મહિનામાં રેકોર્ડ 3.75 લાખ પર્યટકો કાશ્મીર પહોંચ્યા હતા. જૂનના પ્રથમ સપ્તાહમાં પર્યટકોની સંખ્યાનો આંકડો 10 લાખને પાર થઇ ચૂક્યો છે.
એક દાયકામાં આ અત્યાર સુધીની સર્વાધિક સંખ્યા છે. જ્યારે તસવીરનું બીજું પાસું એ પણ છે કે આ વર્ષે મે મહિનામાં આતંકીઓએ 7 નાગરિકોનું ટાર્ગેટ કિલિંગ કર્યું હતું. જે 2018 બાદ સૌથી વધુ છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ કાશ્મીર (ટાક)ના અધ્યક્ષ ફારુક કુથૂ કહે છે કે, હત્યાઓ પહેલાં પણ અહીંયાના 60,000 રૂમ બુક હતા અને આજે પણ પર્યટકોનો એટલો જ ધસારો છે. નોંધનીય છે કે, મે દરમિયાન જે હત્યા થઇ છે તે શોપિયા, બડગામ અને બારામુલા જેવા જિલ્લાઓમાં થઇ છે. પર્યટકોના પસંદગીમાં શ્રીનગર, ગુલમર્ગ, પહલગામ, સામેલ છે.
પર્યટન પર હિંસાની અસર નથી, કારણ કે તે રોજગારીથી જોડાયેલું ક્ષેત્ર છેઃ નિષ્ણાતના મત મુજબ આતંકીઓ જાણે છે કે જો તેઓ કોઇ પર્યટકોને નુકસાન પહોંચાડે છે તો કાશ્મીરના લોકો નિંદા કરશે અને તેઓ સમાજના મોટા વર્ગનું સમર્થન ગુમાવી શકે છે. લાખો લોકોની રોજગારી પર્યટનથી જોડાયેલી છે. સામાન્યપણે પર્યટકો અહીંયા થોડાક દિવસો માટે જ હોય છે, માટે જ આતંકીઓનો તેઓને નુકસાન પહોંચાડવાનો કોઇ ઇરાદો હોતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.