જમ્મુ-કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટના બની રહી છે ત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભારતીય સુરક્ષા એજન્સીને પાકિસ્તાનના નાપાક ષડયંત્રના પુરાવા પણ મળ્યા છે. વર્ષ 1988ની જેમ આ વખતે પણ પાકિસ્તાન કાશ્મીર ઘાટીને હચમચાવી નાખવાની ઘડી રહ્યું છે. આ પ્લાન સપ્ટેમ્બર 2021માં બનાવવામાં આવ્યો હતો, જેને ઓપરેશન રેડ વેવ નામ આપવામાં આવ્યું છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બરમાં ISI અધિકારીઓ અને આતંકવાદી સંગઠનોના નેતાઓ વચ્ચે PoKના મુઝફ્ફરાબાદમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ઘાટીમાં 200 લોકોને મારવાની યોજના બનાવવામાં આવી હતી. ઓપરેશન રેડ વેવને વર્ષ 1988માં ઓપરેશન ટુપેકની તર્જ પર ચલાવવાની યોજના છે.
ઓપરેશન ટુપેક શું હતું?
વર્ષ 1988માં ઇન્ડિયન મુજાહિદ્દીન સહિત 6 આતંકવાદી સંગઠને ISI સાથે મળીને કાશ્મીરમાં ઓપરેશન ટુપેક શરૂ કર્યું હતું, જે 1990 સુધી ચાલ્યું હતું. નાપાક ઈશારા પર શરૂ કરાયેલા આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો માર્યા ગયા હતા. આ ઓપરેશન પાકિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ જિયા ઉલ હકના કહેવાથી ચલાવવામાં આવ્યું હતું.
ISI આ માટે જવાબદાર છે
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGP,SP વૈદ્યે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે ખીણમાં આતંક ફેલાવવા પાછળ ISIનો હાથ છે. વર્ષ 1988નું ઓપરેશન ટુપેક હોય કે પછી હવે કાશ્મીરમાં હિંસા દરેક બાબતના મૂળમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI જ છે.
22 દિવસમાં 9 લોકોની હત્યા
કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 20 નાગરિકો માર્યા ગયા છે . તેમાંથી છેલ્લા 22 દિવસમાં 9 હત્યાઓ થઈ છે, જેમાં 5 હિંદુ અને 3 સુરક્ષા દળોના હતા. આ જવાન રજા પર ઘરે આવ્યા હતા. ગુરુવારે, સ્થાનિક આતંકવાદી જૂથ કાશ્મીર ફ્રીડમ ફાઇટર (KFF) એ એક પત્રમાં ધમકી આપી હતી કે દરેકનો અંત એક સરખો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.