કાશ્મીરી પંડિતની હત્યાનો બદલો લેવાયો:સુરક્ષા દળોએ કાશ્મીરમાં 3 આતંકવાદીને ઠાર કર્યાં; રાહુલ ભટ્ટને ઓફિસમાં આવી ધડાધડ ગોળીઓ મારવામાં આવેલી

6 દિવસ પહેલા
  • હત્યાના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ રાજીનામા આપી દીધા

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ 24 કલાકમાં ઠાર કરી બદલો લીધો છે. ઠાર કરાયેલા ત્રણ આતંકવાદી પૈકી એકની ઓળખ ગુલઝાર અહેમદ તરીકે થઈ છે.બીજી બાજુ કાશ્મીરી પંડિતોમાં સતત આતંકવાદના નિશાન બનાવવામાં આવતા ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ટાર્ગેટ કિલિંગના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ સાથે રાજીનામા આપી દીધા છે.

ગુરુવારથી તપાસ અભિયાન ચાલતુ હતું

પરિવારના સભ્યો તથા સંબંધિઓએ રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર કર્યાં
પરિવારના સભ્યો તથા સંબંધિઓએ રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર કર્યાં

ગુરુવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચડૂરા તાલુકાની ઓફિસમાં ઘુસીને ક્લર્ક રાહુલ પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરી નાંખી હતી. રાહુલે હોસ્પિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ ઘાટીમાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને સુરક્ષાદળોની ટીમને મળેલી માહિતી પ્રમાણે બાંદીપોરાના બરાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા છે. શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં રાહુલની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આતંકવાદીને ઠાર કરીને બદલો લીધો છે.

કાશ્મીરી પંડીતોએ ઉપરાજ્યપાલને રાજીનામા મોકલ્યા

​​​​​​​રાહુલ ભટ્ટની હત્યાને લઈ કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ છે. હત્યાના વિરોધમાં શુક્રવારે 350 સરકારી કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. કર્મચારીઓએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને તેમનું રાજીનામુ આપી દીધુ છે. તમામ કાશ્મીરી પંડિતો પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે.

આ લોકોનું કહેવું છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતો સુરક્ષિત નથી. દરરોજ આતંકવાદીઓની ઉધ્ધતાઈ જોવા મળે છે. સરકાર કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે ખાતરી તો આપે છે, પણ તે જમીની લેવલ પર દેખાતી નથી. આ સંજોગોમાં અમે કાશ્મીરમાં અસુરક્ષાનો અહેસાસ કરી રહ્યા છીએ.

24 કલાકમાં બે સરકારી કર્મચારીની હત્યા
કાશ્મીરમાં 24 કલાકમાં હત્યાની બે ઘટના સામે આવી. ગુરુવારે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે પુલવામાના ગુદુરામાં આતંકવાદીએ SPO રિયાઝ અહેદમ થોકર પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. DIG દક્ષિણ કાશ્મીર રેન્જના અબ્દુલ જબ્બારે જણાવ્યું હતું કે રિયાઝ રજા પર હતો અને તેના બાળકોની સ્કૂલ બસની રાહ જોતો હતો તે સમયે બે અપરિચિત વ્યક્તિ બાઈક પર આવ્યા અને તેની ઉપર ફાયરિંગ કર્યું હતું.