છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી દેશમાં કોરોના સંક્રમણનો દર 3%થી ઓછો નોંધાઈ રહ્યો છે. હાલ અમુક જ વિસ્તારોમાં જ સંક્રમણ દર તેનાથી વધુ છે. અનેક સંશોધનોમાં પણ દાવો કરાયો છે કે નાના બાળકો પર સંક્રમણની અસર નહીંવત્ છે.
તેના આધારે જ નીતિ આયોગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સ્કૂલ શિક્ષણ વિભાગને સૂચન કર્યું છે કે, હવે પ્રાથમિક સ્કૂલો શરૂ કરી દેવાય. જોકે, આ માટે કેટલીક શરતો સૂચવવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે સંક્રમણની ગતિને જોતા નિર્ણય લઈ શકાય. નીતિ આયોગનું સૂચન છે કે જો 70% સ્કૂલ શિક્ષકો અને અન્ય સ્ટાફને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાય, તો સ્કૂલો શરૂ કરી દેવી જોઈએ.
થોડી નરમી રાખો તો...: જો રાજ્ય છૂટ ઈચ્છતાં હોય તો સક્રિય દર્દી પ્રતિ 10 લાખની વસતીએ રોજ 100થી ઓછા દર્દી નોંધાય તો સ્કૂલો શરૂ કરી શકે છે. પ્રતિ દસ લાખની વસતીએ દૈનિક કેસ 20થી ઓછા હોય, સંક્રમણની ગતિ 5%થી ઓછી હોવી જોઈએ.
કડકાઈ કરો તો...: રાજ્ય કડકાઈ કરવા માંગતા હોય તો પ્રતિ 10 લાખની વસતીએ રોજ 10થી ઓછા નવા કેસ આવે ત્યારે જ સ્કૂલો ખોલે.
જેટલા સ્ટાફને રસી અપાય, તે રેશિયોમાં વિદ્યાર્થીઓ બોલાવો... જેમને રસી ના અપાઈ હોય તેમનો દર સપ્તાહે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવો
કહેવાયું છે કે સ્કૂલો શરૂ કરતા પહેલાં ઓછામાં ઓછા 70% શિક્ષકો અને બીજા સ્ટાફને રસી આપી દેવાય. જો આમ ના થઈ શકે, તો એ જ કર્મચારીઓને સ્કૂલે આવવાની મંજૂરી અપાય, જેમને રસી અપાઈ ગઈ છે અને તે જ રેશિયોમાં વિદ્યાર્થીઓને પણ બોલાવાય. સાપ્તાહિક ધોરણે એવા કર્મચારીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાય, જેમને રસી નથી આપી શકાઈ.
બાળકોને કોઈ ગંભીર બીમારી હોય તો માતા-પિતાની મંજૂરી હોવી જરૂરી
નીતિ આયોગે સૂચવેલી એસઓપી
6થી 17 વર્ષ સુધીનાં 55%થી વધુ બાળકોમાં એન્ટિબોડી
દેશવ્યાપી ચોથા સીરો સરવે પ્રમાણે 6થી 9 વર્ષનાં 57.2% અને 10થી 17 વર્ષનાં 61.6% વિદ્યાર્થીઓમાં એન્ટિબોડી મળ્યાં હતાં. બાળકોને હજુ રસી અપાતી નથી. એટલે કે આ બાળકોમાં એન્ટિબોડી કોરોના સંક્રમણના કારણે બન્યાં હતાં. એનટૈગીના વડા ડૉ. એન. કે. અરોરા કહે છે કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જોવા મળ્યું છે કે 10 વર્ષથી ઓછી ઉંમરનાં આશરે 3% બાળકો જ એવાં હતાં જેમાં કોરોનાના લક્ષણ હતા. આ વયજૂથમાં મૃત્યુદર 0.3% જ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.