MPના મહૂમાં કોંગ્રેસના નેતાના 6 વર્ષના ભત્રીજાનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી. બાળકનો મૃતદેહ પુલ નીચેથી મળ્યો છે. હત્યા પહેલાં અપહરણકર્તાઓએ બાળકના પરિવારને ફોન કરીને 4 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાળકને લઈને જતો જોવા મળે છે.
મહૂના સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉ. એચઆર વર્માએ જણાવ્યું હતું કે બાળકના મોંમાં કપડું ભરાવીને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પિગદમ્બર ગામનો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી પરિવારના નજીકના છે.
કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ ચૌહાણના નાના ભાઈ જિતેન્દ્ર સિંહ ચૌહાણનો પુત્ર હર્ષ (ઉં. 6) રવિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે ઘરની સામેથી ગુમ થયો હતો. પરિવારજનોએ કલાકો સુધી ગામ સહિત આસપાસના વિસ્તારમાં હર્ષની શોધખોળ કરી હતી. તે ન મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ પણ બાળકને શોધી રહી હતી. મોડી રાત્રે ચોરલ હેઠળ આવતા સાંદલ-માંડલ ગામમાં એક પુલ નીચે બાળકની લાશ પડી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પોલીસ અને સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા. બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને મહૂની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સોમવારે સવારે અહીં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ઘરની બહાર સાઇકલ ચલાવતો હતો ને ગુમ થઈ ગયો
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે લગભગ 6થી 6.30 હર્ષ તેના ઘરની બહાર સાઇકલ ચલાવતો હતો. તળાવ પાસે પહોંચ્યો અને અહીંથી ગુમ થઈ ગયો. લાંબા સમય સુધી બાળક ઘરે પરત ન આવતાં સંબંધીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. પછી પોલીસમાં ફરિયાદ કરી. વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. રેલવે ટ્રેકના ફૂટેજમાં પોલીસને એક બાળક એક યુવક સાથે હસતો-રમતો જોવા મળ્યું. આ પછી તે અલ્ટો કારમાં બેઠેલો જોવા મળ્યો હતો. પોલીસે આ કેસમાં કોઈ પરિચિત વ્યક્તિ પર અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ મોબાઈલ નંબર અને વાહનના આધારે આરોપીઓની સતત શોધખોળ કરવામાં આવી હતી.
વીડિયોમાં બાળકને લઈ જતો દેખાયો આરોપી
ગ્રામ્ય એસપી ભગવત સિંહ બિડદેએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર સિંહ ચૌહાણનો વ્યવસાય ખેતી છે. ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે તેમનો પુત્ર હર્ષ ચૌહાણ રમતાં રમતાં ક્યાંક ગયો હતો. હર્ષ ઘરે ન પહોંચતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. સાંજે લગભગ 8 વાગ્યે જિતેન્દ્ર સિંહના ફોનપર કોઈએ ફોન કર્યો હતો. તેણે 4 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જિતેન્દ્ર સિંહનો પરિવાર મોટો છે, દરેક વ્યક્તિ પોતપોતાના સ્તરેથી હર્ષને શોધતા રહ્યા. જ્યારે તેને સફળતા ન મળી તો તેણે કિશનગંજ પોલીસ સ્ટેશનના ટીઆઈને જાણ કરી.
એસપીએ કહ્યું હતું કે ટીઆઈએ અમને જાણ કરી, ત્યાર બાદ હું, ડીઆઈજી અને આઈજી ઘટના સ્થળે પહોંચ્યા. જ્યારે અમે સીસીટીવી ફૂટેજની શોધ કરી તો રિતેશ નામનો છોકરો હર્ષનો હાથ પકડતો જોવા મળ્યો હતો. રિતેશ રિલેશનશિપમાં જિતેન્દ્ર સિંહનો ભત્રીજો છે. જ્યારે જિતેન્દ્ર સિંહને ફોન કરીને કહેવામાં આવ્યું તો તેઓ માની શક્યા નહીં. તેણે કહ્યું હતું કે આ અમારા પરિવારનો જ ભાણેજ છે. એ બાદ અમે તેને સીસીટીવી ફૂટેજ બતાવ્યા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. રિતેશના નાના ભાઈએ પણ જણાવ્યું કે હર્ષ તેની સાથે જ હતો.
અપહરણનો આરોપી બોલ્યો- અમારે રૂપિયા જોઈતા હતા
જ્યારે રિતેશને પકડીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે હા, તે હું જ હતો અને હું હર્ષને લઈ ગયો હતો અને મારા પિતરાઈ ભાઈ વિકાસને આપ્યો હતો. તેનો હેતુ મામા જિતેન્દ્ર સિંહ પાસેથી પૈસા વસૂલવાનો હતો. એસપીએ તેને પૂછ્યું કે વિકાસ ક્યાં છે, જેના પર તેણે કહ્યું કે તે કારમાં ખંડવા તરફ ગયો છે. પોલીસે તેને ટ્રેસ કરતાં તે ઓમકારેશ્વરમાં હોવાનું જાણવા મળ્યું હતું.
ઓમકારેશ્વરની હોટલમાંથી પકડાયો હત્યાનો આરોપી
ખરગોન પોલીસની ટીમ રવાના થઈ અને વિકાસ ઓમકારેશ્વરની એક હોટલમાંથી ઝડપાયો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તે પછી રિતેશ અને વિકાસને આમને-સામને લાવવામાં આવ્યા. પછી બંનેએ સત્ય સ્વીકાર્યું. બંનેએ જણાવ્યું કે રાત્રે 9 વાગ્યે તેમણે હર્ષના મોં પર ટેપ બાંધી દીધી અને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તેની લાશને બાઈગાંવના જંગલમાં ફેંકી દીધી હતી.
હત્યા કરીને લાશને જંગલમાં ફેંકી
કિશનગંજ ટીઆઈ કુલદીપ ખત્રીએ જણાવ્યું હતું કે બે આરોપી રિતેશ (20) અને વિકાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રિતેશ સંબંધમાં જિતેન્દ્ર ચૌહાણનો ભાણેજ છે. સીસીટીવી ફૂટેજમાં રિતેશ હર્ષનો હાથ પકડીને રેલવે ટ્રેક પર લઈ જતો જોવા મળે છે. ગામમાં ભીડ વધતી જોઈને રિતેશે તેના પિતરાઈ ભાઈ વિકાસને ફોન કર્યો. તેણે વિકાસને કહ્યું હતું કે હવે મામલો વણસી ગયો છે. ગામમાં ભારે ભીડ જામી છે. પછી વિકાસ પણ તેની પાસે ગયો. ટીઆઈએ જણાવ્યું હતું કે બાઈગાંવનાં જંગલમાં હર્ષનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેના મોઢે ડૂચો આપેલો હતો. પોલીસ હજુ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
એક આરોપી પોલીસનો દીકરો છે
ગ્રામ્ય એસપીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાના ભાણેજ વિકાસના પિતા સુભાષ સિંહ પોલીસ વિભાગમાં હતા. સુભાષના અવસાન પછી તેમના મોટા ભાઈને પિતાની જગ્યાએ માનવતાના ધોરણે નોકરી મળી છે. તેનો ભાઈ શાહજહાંપુરમાં પોસ્ટેડ છે.
આખું ગામ અંતિમયાત્રામાં જોડાયું
સિવિલ હોસ્પિટલમાંથી બાળકનો મૃતદેહ ઘરે લવાયો ત્યારે સ્વજનો અને માતા-પિતાનું આક્રંદ જોઈને ગામ હીબકે ચડ્યું હતું. હર્ષની અંતિમયાત્રામાં ગામના લોકો જોડાયા હતા. મુક્તિધામથી દૂર દૂર સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં હર્ષના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.