કેરળથી ભાગીને ISISમાં જોડાવા ગયેલી મહિલા અફઘાનિસ્તાનમાં ફસાઈ ગઈ છે. તેની માતાએ ભારત સરકારને આજીજી કરી છે કે તેને પરત લાવવામાં આવે અને તેના પર ભારતીય કાયદાકીય પદ્ધતિ પ્રમાણે કેસ ચલાવવામાં આવે.
નિમિશા ફાતિમા નામની આ મહિલા 2017માં કેરળથી ગુમ થઈ હતી. ત્યાર પછી સમાચાર આવ્યા હતા કે તે આતંકી સંગઠન ISIS સાથે જોડાયા પછી તેણે 2019માં અફઘાન સેના સામે આત્મસમર્પણ કરી દીધું હતું.
કાબુલ પર અફઘાનિસ્તાને કબજો કર્યા પછી અને જેલમાંથી હજારો કેદીઓને છોડવામાં આવ્યા ને બે દિવસ પછી નિમિશાની માતા બિંદુ સંપતે સરકારને આ માટે અપીલ કરી છે. નિમિશા ફાતિમા કાબુલની જેલમાં સજા કાપી રહી હતી. કેદીઓને ત્યાંથી છોડ્યા પછી નિમિશા ક્યાં ગઈ એ કોઈને ખબર નથી.
ડર છે- તાલિબાનના હાથમાં ના આવી જાય
નિમિશાની પાંચ વર્ષની દીકરી પણ છે. બિંદુ સંપતે કહ્યું હતું કે તેમને ડર છે કે તેમની પૌત્રી ક્યાંક તાલિબાનોના હાથમાં ના આવી જાય. મીડિયા રિપોર્ટ્સના આધારે તેમણે કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે કેદીઓને છોડવામાં આવ્યા છે ત્યારે મને ખૂબ ખુશી થઈ હતી, પરંતુ સાંજે ખબર પડી કે તે લોકોને છોડવામાં આવ્યા નથી.
ભારતના કાયદા પ્રમાણે નિમિશાને સજા મળે
તેમણે કહ્યું હતું કે નિમિશાએ જો દેશ સાથે કંઈ ખોટું કર્યું હોય તો તેને દેશના કાયદા પ્રમાણે સજા થવી જોઈએ. હું ચાર વર્ષથી આ જ વાત કહી રહી છું. જો તેને અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવે તો હું મારી પૌત્રીનું ધ્યાન રાખી શકું. નહીં તો તે પણ આ આતંકીઓનો શિકાર બની જશે. મને નથી ખબર કે ભારત સરકાર તેને પરત લાવવાની મંજૂરી કેમ નથી આપતી.
આતંકીઓએ નિમિશાનું બ્રેન વોશ કર્યું
તેમણે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમમાં નિમિશાના કોચિંગ સેન્ટર પર એક ડોક્ટર અને આતંકીઓએ મળીને તેને ભોળવી અને ISISમાં જોડાવા માટે તૈયાર કરી. 2017માં કેરળથી 17 લોકો ગુમ થયા હતા, જેના માસ્ટરમાઈન્ડ અબ્દુર રાશિદ અને ચાર અન્ય લોકો હતા.
નિમિશા અને તેની ચાર વર્ષની દીકરી અફઘાનિસ્તાની જેલમાં ત્યારથી છે, જ્યારથી તેણે અને ISIS સાથે જોડાયેલા 400 લોકોએ અફઘાની સેના સામે આત્મસમર્પણ કર્યું છે. ISIS બેઝ પર અમેરિકન એરસ્ટ્રાઈકમાં નિમિશા ફાતિમાનો પતિ મૃત્યુ પામ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.