કેરળ હાઈકોર્ટે દુષ્કર્મના ગુનાને કોઈ એક જેન્ડર સાથે જોડીને જોવાની બાબતને ખોટી ઠેરવી છે. કોર્ટે કહ્યું છે કે જો લગ્નનો વાયદો આપીને કોઈ મહિલા કોઈ પુરુષને દગો કરે છે તો તેની પર કાર્યવાહી થતી નથી, જોકે પુરુષ આમ કરે છે તો તેને સજા કરવામાં આવે છે. આ કેવો કાયદો? આ ગુનો જેન્ડર ન્યૂટ્રલ હોવો જોઈએ.
કસ્ટડીના કેસની સુનાવણી દરમિયાન આપ્યો ચુકાદો
કોર્ટે એક ડિવોર્સી કપલના બાળકની કસ્ટડીના કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે રેપ જેવા અપરાધને જેન્ડરની નજરથી ન જોવા જોઈએ. તેને જેન્ડર-ન્યૂટ્રલ બનાવવા જોઈએ.
સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ. મુહમ્મદ મુશ્તાકે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે કેસ દરમિયાન મહિલાના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે તેનો પતિ રેપ કેસમાં દોષિત છે. આ અંગે વિરોધ પક્ષના વકીલે કહ્યું કે તેમનો ક્લાયન્ટ હાલ જામીન પર બહાર આવ્યો છે અને રેપનો આરોપ પાયાવિહોણો છે. આ આરોપોમાં કહેવામાં આવ્યું હતું કે તેણે લગ્નની લાલચ આપીને રેપ કર્યો.
IPCના સેક્શન 376માં રેપ માટે સજાની જોગવાઈ
બંને પક્ષની દલીલ સાંભળીને જજે સેક્શન 376 પર ચિંતા વ્યક્ત કરી હતી. જજે કહ્યું હતું કે આ કાયદો જેન્ડર-ન્યૂટ્રલ નથી. આ વર્ષે અન્ય એક કેસની સુનાવણી દરમિયાન પણ તેમણે સવાલ કરતાં કહ્યું હતું કે IPCમાં રેપના ગુના માટે નક્કી કરાયેલા કાયદાની જોગવાઈઓ મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ છે, જોકે આમ ન હોવું જોઈએ.
ગત મહિને પણ કોર્ટે આપ્યો હતો આવો ચુકાદો
મેમાં કેરળ હાઈકોર્ટે રેપ કરનાર ડોક્ટરને જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે શરૂઆતના પુરાવા જણાવે છે કે બંનેની વચ્ચે સહમતીથી સંબંધ બનાવવામાં આવ્યા હતા.
મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સી જયાચંદ્રને કહ્યું હતું કે અરજીકર્તાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ઘણી જગ્યાએ અને ઘણા પ્રસંગે તેની પર રેપ કર્યો હતો. તેની પરથી સમજી શકાય છે કે બંનેની વચ્ચે સહમતી હતી. એવામાં એ સવાલ ઉપસ્થિત થાય છે કે શું પુરુષ ડોક્ટર તરફથી ખોટા વાયદાને કારણે મહિલા ડોક્ટરે સંબંધ બનાવવાની સહમતી આપી હતી. આ સવાલનો જવાબ ટ્રાયલ કોર્ટમાં ગયા પછી જ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.