કેરળનો બીજો સૌથી ઊંચો પર્વત અગસ્ત્યર્કૂડમ છે. તેના માટે 16 જાન્યુઆરીથી ટ્રેકિંગ શરૂ થઇ રહ્યું છે, જે 4 માર્ચ સુધી ચાલશે. કોવિડ દરમિયાન અહીં ઓછા ટ્રેકર્સ આવ્યા હતા પરંતુ હવે જોશ જોવા મળી રહ્યો છે. માનવામાં આવે છે કે આ જ પહાડ પર હિન્દુ બ્રહ્મચારી ઋષિ અગસ્ત્યનો આશ્રમ હતો. અહીં દુર્લભ ઔષધીય છોડની 2000થી વધુ પ્રજાતિ છે.
5 જાન્યુઆરીથી ટ્રેકિંગનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. અત્યાર સુધી અંદાજે 9000 મહિલા તેમજ 17,000 પુરુષ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે રેકોર્ડ 10 હજાર મહિલાઓ ટ્રેકિંગ કરશે. ખાસ વાત એ છે કે ચાર વર્ષ પહેલાં અહીં મહિલાઓના પર્વતારોહણ પર પ્રતિબંધ હતો. જે રીતે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો, એવી જ સ્થિતિ અહીંની હતી. અહીં વસવાટ કરતા આદિવાસી સમાજનું માનવું છે કે મહિલાઓના પ્રવેશ કરવાથી ઋષિ અગસ્ત્ય ક્રોધિત થશે, તેમના બ્રહ્મચર્યનો ભંગ થશે. પરંતુ, વર્ષ 2019માં કેરળ હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ આદિવાસી સમાજ સહમત થયો હતો, ત્યારથી અહીં મહિલાઓ માટે પણ ટ્રેકિંગનો રસ્તો ખૂલ્યો છે.
રક્ષા મંત્રાલયના એક અધિકારી કે. ધન્યા સનલ પહેલી મહિલા છે જેમણે પ્રતિબંધ દૂર થયા બાદ 1,868 મીટર ઊંચાઇ ધરાવતા પહાડ પર ચઢાણ કર્યું હતું. મહામારી પહેલાં અંદાજે 3500 મહિલાઓએ પર્વતારોહણ કર્યું હતું.
લોકો 1,800 રૂપિયા ફી આપીને ટ્રેકિંગ કરી શકશે
ટ્રેકર્સ પાસેથી રૂ.1,800ની ફીની વસૂલાત કરાશે, જેમાં રૂ.300નું ઇકો-મેનેજમેન્ટ શુલ્ક પણ સામેલ છે. ટ્રેકિંગ માટે કેટલાક નિયમો પણ છે. ટ્રેકિંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ ઉપરાંત કોવિડ નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.