'ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે':મોરબી દુર્ઘટનાને લઈ કેજરીવાલે કહ્યું- 'આ ભ્રષ્ટાચાર છે'; ઈટાલિયાએ કહ્યું હતું પાર્ટી આ મુદ્દે રાજનીતિ નહીં કરે

એક મહિનો પહેલા

મોરબી પુલ દુર્ઘટનામાં 134 લોકોનાં મોતથી ભાજપ સરકાર પર નિશાનો સાધતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આજે કહ્યું- 'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ. જે લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. હું ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. આ ભ્રષ્ટાચારનો મામલો છે. ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો? બીજો પ્રશ્ન, પુલની જાળવણીનો કોઈ અનુભવ નહોતો. મતલબ કે તેઓ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે.'

કેજરીવાલે આગળ કહ્યું કે, FIRમાં કંપની કે કંપનીના માલિકનું નામ નથી. હોસ્પિટલને રંગવાની નહીં, પરંતુ આ બાબત રંગવી જોઈએ. સીએમને સીએમ બની રહેવાનો કોઈ અધિકાર નથી. રાજીનામું આપ્યા પછી તરત જ ચૂંટણી થવી જોઈએ.

મનીષ સિસોદિયાએ કર્યા પ્રહાર
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ઘટના પર કહ્યું કે, આનાથી આખો દેશ હચમચી ગયો છે. કેટલાંય નિર્દોષ બાળકોનાં મોત થયાં છે. જે હકીકત સામે આવી છે, તેનાથી કહી શકાય કે આ અકસ્માત નથી હત્યા છે. આનું કારણ ભાજપનો ભ્રષ્ટાચાર છે. 150 નિર્દોષ લોકોના હત્યારાઓ માટે મારી પાસે પાંચ સવાલ છે.

પાંચ સવાલો

  1. મોરબી પુલના પુનઃનિર્માણનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવતી કંપનીને શા માટે આપવામાં આવ્યો?
  2. આટલા મોટા કામનો ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમાં પણ બિનઅનુભવી કોન્ટ્રાક્ટરોને કેમ આપવામાં આવ્યો?
  3. દસ્તાવેજો સામે આવ્યા છે તે પ્રમાણે કામ 8 મહિનામાં પૂર્ણ થવાનું હતું. ઉતાવળ કરી પાંચ મહિનામાં કેમ પુલ શરૂ કર્યો?
  4. ઘડિયાળ બનાવનાર કંપની પાસેથી કેટલું દાન લીધું, કયા-કયા ભાજપ નેતાઓના કંપનીના માલિક સાથે સારા સંબંધો છે?
  5. આટલી મોટી દુર્ઘટના પછી પણ FIR નોંધાઈ છે. તેમાં તેના માલિકોનાં નામ નથી. કોના દબાણ હેઠળ માલિકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

રાજકીય ટીકા-ટિપ્પણી નહીં કરીએ- ગોપાલ ઈટાલિયા

મોરબી દુર્ઘટના વિશે આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, 'ગઈ કાલે આ ઘટનાના સમાચાર મળ્યા, ત્યારે અમે નક્કી કર્યું કે આ ખૂબ દુઃખદ પ્રસંગ છે, આવા સમયે માણસ તરીકે બીજા માણસને મદદ કરવી આપણી નૈતિક ફરજ છે. એટલે અમે નક્કી કર્યું છે કે, અમે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા-ટિપ્પણી નહીં કરીએ'.

ગુજરાત આપ પ્રદેશ પ્રમુખના નિવેદન પછી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટના અંગે ટિપ્પણીઓ કરી રહ્યા છે. ટ્વિટર પર ટ્વીટ કરી રહ્યા છે. ઘટનાને ટાર્ગેટ કરી સરકાર પર આક્ષેપ કરી રાજીનામાની માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...