આતંકવાદીઓએ ગુરૂવારે બડગામ જિલ્લાના ચડૂરામાં સરકારી ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી દીધી. મહેસૂલ વિભાગમાં ક્લાર્કના પદ પર કામ કરનારા ભટને આતંકવાદીઓએ ઘણી નજીકથી ગોળી મારી. બપોરે જ્યારે બધા કર્મચારી કામ કરી રહ્યા હતા, ત્યારે બે આતંકવાદી ઘૂસ્યા અને રાહુલની બેઠક સામે જઈને હુમલો કરી દીધો. ગોળીનો અવાજ સાંભળી લોકો ભાગવા લાગ્યા.
આતંકીઓ પણ આ દરમિયાન ભાગવામાં સફળ રહ્યા. હુમલામાં ઘાયલ રાહુલને પહેલા સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી તેને શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં રેફર કરી દેવાયો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. કોઈ ઓફિસમાં ઘૂસીને આતંકી હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા 7 ઓક્ટોબર 2021ના રોજ આતંકીઓએ સ્કૂલમાં ઘૂસીને શીખ પ્રિન્સિપાલ સુપિન્દર કૌર અને કાશ્મીરી પંડિત દીપક ચંદની આઇડી કાર્ડ જોયા બાદ હત્યા કરી હતી.
બે હાઇવે સહિત અનેક સ્થળે પ્રદર્શન:
રાહુલની હત્યાના સમાચાર ફેલાતાં કાશ્મીરી પંડિત સમુદાયમાં ડર, ભય અને આક્રોશ ફેલાઈ ગયો. કાશ્મીરી પંડિતોએ અનેક સ્થળે વિરોધ પ્રદર્શન કર્યા અને સરકાર પર તેમના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. કાજીગુંડમાં પણ કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું અને નેશનલ હાઇવેને અવરોધ્યો જે કાશ્મીરને જમ્મુથી જોડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.