• Gujarati News
  • National
  • Karnataka Mangaluru Murder Controversy; Mohammed Fazil Father On Basavaraj Bommai Family Upset With Rumors

ફાઝિલની હત્યાથી પરિવાર ડરી ગયો:મિત્રએ કહ્યું- હવે મારો નંબર આવી શકે છે, કાકાએ કહ્યું- શું અહીં માત્ર હિન્દુઓના CM; અફવાઓથી પિતા નારાજ

8 દિવસ પહેલા

મેંગલુરુના સૂરતકલ વિસ્તારમાં ગુરુવારે સાંજે અંદાજે 8 વાગે થયેલી મોહમ્મદ ફાઝિલની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે 21 લોકોની અટકાયત કરી છે. કોઈપણ દુર્ઘટના ના બને એ માટે 1 ઓગસ્ટ સુધી કલમ 144 વધારી દેવામાં આવી છે. આ હત્યાકાંડ વિશે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. SDPIએ આરોપ લગાવ્યો છે કે આ ઘટના પાછળ સંઘ પરિવાર અથવા ભાજપ સાથે જોડાયેલા નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદન અને સાંપ્રદાયિક ઝઘડાઓ જવાબદાર છે. જ્યારે બીજી બાજુ, હિન્દુ સંત ઋષિ કુમાર સ્વામીએ કહ્યું હતું કે ફાઝિલ પહેલો શિકાર છે અને આગળ હજી 9 માથાં બાકી છે.

શુક્રવારે આખો દિવસ ચાલેલા આ ઘટનાક્રમ પછી ભાસ્કર ટીમ ફાઝિલના ઘરે પહોંચી અને તેના પરિવારની વાત જાણી હતી. દીકરાના મોત પછી આ વાતને લવ-અફેર સાથે જોડતાં પરિવારના સભ્યો નારાજ છે. ફાઝિલના કાકા નિસાર અહમદે જણાવ્યું હતું કે ગઈકાલે અમારા દીકરાની હત્યા થઈ છે અને મીડિયાએ વાર્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી કે તેનું કોઈ છોકરી સાથે અફેર હતું. જો એક જ દિવસમાં મીડિયાને ચુકાદો આપવો છે તો પોલીસ, કોર્ટની શી જરૂર છે. આ બધાને હટાવીને મીડિયાને તપાસ સોંપી દેવી જોઈએ. જે રીતે ફાઝિલની ભર્યા બજારમાં હત્યા થઈ છે એને કારણે મિત્રો અને પરિવારના લોકો ખૂબ ડરેલા છે.

મૃત્યુ પછી ફાઝિલનો છેલ્લીવાર ચહેરો જોતાં પરિવારજનો.
મૃત્યુ પછી ફાઝિલનો છેલ્લીવાર ચહેરો જોતાં પરિવારજનો.

મિત્રએ કહ્યું- હવે મારો નંબર આવી શકે છે
મોહમ્મદ ફાઝિલના ખાસ મિત્રએ જણાવ્યું હતું કે અડધા શહેરમાં પોલીસ છે, પરંતુ જ્યાં ફાઝિલની હત્યા થઈ છે ત્યાં એકપણ પોલીસકર્મચારી નથી. તે મુસ્લિમ હોવાને કારણે આખી વાત ઈગ્નોર કરવામાં આવી રહી છે. હાઈવે પર હત્યા થઈ શકે છે તો અમે તો કોર્નરમાં રહીએ છીએ. કોઈપણ આવીને અમને મારી શકે છે. જે પ્રમાણે મારા મિત્રની હત્યા કરવામાં આવી છે એ જોઈને ડર લાગે છે. હવેનો નંબર મારો કે પરિવારના કોઈ સભ્યનો હોઈ શકે છે.

શું બોમ્મઈ માત્ર હિન્દુઓના CM છે
પોલીસ ભલે આ કેસમાં ઘણાબધા લોકોની અટકાયત કરી હોવાની વાત કરતા હોય, પરંતુ પરિવારને સરકાર અને પોલીસની કાર્યવાહી પર શંકા છે. નિસાર અહમદે કહ્યું હતું કે અમને આશા છે, પરંતુ વિશ્વાસ નથી. મુખ્યંમત્રી ત્યા આવ્યા હતા, પરંતુ તેમણે હિન્દુઓના ઘરની મુલાકાત લીધી, પરંતુ અમારા ઘરે ના આવ્યા. શું તેઓ માત્ર હિન્દુઓના મુખ્યમંત્રી છે, મુસ્લિમોના નહીં. તેણે આગળ કહ્યું હતું કે સપ્તાહમાં અહીં ત્રણ હત્યા થાય છે, શું આ જ સરકારનો વિકાસ છે? આમના રાજકારણની એક જ પદ્ધતિ છે, હત્યા કરો અને આગળ આવો.

કોઈ એવું નથી કહેતું કે દીકરાનું અફેર કોની સાથે હતું?
પોતાના દીકરાને ગુમાવી ચૂકેલા ફારુખ ભાસ્કરની ટીમને જોતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. જ્યારે તેમને પૂછ્યું કે દીકરાની કોઈની સાથે દુશ્મની હતી ત્યારે તેમણે કહ્યું, મારો દીકરો ઘરમાં બેસી રહે તેવો માણસ હતો. તે ક્રિકેટ રમવા પણ બહાર નહોતો જતો. કાલે સુધી તે અમારી સાથે હતો અને આજે આવી ઘટના બની ગઈ. ટીવી ન્યૂઝ ચેનલવાળા કંઈપણ વાર્તાઓ બનાવી રહ્યા છે. કોઈક ચેનલ એવું કહે છે કે તેની બર્થ-ડે પાર્ટી હતી, કોઈક એવું કહે છે કે લવ મેટર હતી, તો કોઈ અમને તો કહો કે તેનું કઈ છોકરી સાથે અફેર હતું? આવા કેસમાં કોઈએ ખોટું ના બોલવું જોઈએ.

માત્ર આરોપીઓને પકડો, નિર્દોષોને નહીં
મૃતકના પિતા ફારુખે આગળ કહ્યું હતું કે તે મારા મિત્ર જેવો હતો. તેણે ક્યારેય નથી કહ્યું કે તેને કોઈ પરેશાન કરે છે. મારા દીકરા સાથે થયું એવું કોઈની સાથે ના થવું જોઈએ. અમારે સરકાર પાસેથી કોઈ ભલામણ નથી જોઈતી. તેઓ બસ માત્ર આરોપીઓને પકડે એવી જ અમારી ઈચ્છા છે.

સ્થાનિક નેતાઓથી નારાજ છે પિતા
ફાઝિલના પિતાએ કહ્યું હતું કે ગઈકાલે મુખ્યમંત્રી આ જ શહેરમાં હતા અને ગઈકાલે જ મારા દીકરાની હત્યા થઈ. મુસ્લિમોને કોઈ પૂછનાર નથી. માત્ર એક પોલીસ અધિકારીને બાદ કરતાં અહીં અમને મળવા કોઈ MP, MLA કે કલેક્ટર આવ્યા નથી. તેઓ કેમ આવું કરે છે, શું તેઓ અમારા મુખ્યમંત્રી નથી?

ફાઝિલની આ તસવીર તેની હત્યાના થોડા દિવસ પહેલાંની છે, જેમાં તે પરિવાર સાથે ખૂબ ખુશ દેખાય છે
ફાઝિલની આ તસવીર તેની હત્યાના થોડા દિવસ પહેલાંની છે, જેમાં તે પરિવાર સાથે ખૂબ ખુશ દેખાય છે

શંકા છે કે અમને ન્યાય મળશે?
તેમણે આગળ કહ્યું હતું કે કર્ણાટકમાં અમારા માટે કોઈ CM નથી. 5 કિલોમીટર દૂર હિન્દુ છોકરાની હત્યા થાય છે તો મુખ્યમંત્રી ત્યાં જાય છે, પરંતુ અમને મળવા કોઈ નથી આવતું. અમને શંકા છે કે અમને ન્યાય મળશે કે નહીં. મેંગલુરુ જતી દરેક ગાડી સૂરતકલ થઈને જાય છે. ત્યાં કેટલા બધા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યાંથી હેલ્મેટ પહેર્યા વગર જતા લોકોને પકડી લેવામાં આવે છે, પરંતુ હત્યારાને પકડી શકાતા નથી.

આરોપીઓને શોધી રહી છે ટીમ: ADG
આ હત્યાકાંડ વિશે ADGP આલોક કુમારે જણાવ્યું હતું કે અમે કલમ 144 લાગુ કર્યા પછી કૃષ્ણાપુર, કુલાઈ, સૂરતકલમાં શંકાસ્પદ રીતે ફરતા યુવકોની અટકાયત કરી છે. મેંગલુરુ શહેરના પોલીસ કમિશનર એન. શશિકુમારના નેતૃત્વમાં તપાસ થઈ રહી છે. CCTVમાં ઓળખ કરવામા આવેલા આરોપીને શોધવામાં આવી રહ્યા છે. શુક્રવારે શાંતિથી ફાઝિલના અંતિમસંસ્કાર થયા છે.

આરોપીઓને પકડ્યા વગર કંઈપણ કહી ના શકાય: પોલીસ
આ વિશે કમિશનર શશિકુમારે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં આને લવ-અફેર સાથે જોડવામાં આવે છે અથવા આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. અત્યારે કંઈપણ કહેવું ઉતાવળ લાગશે, કારણ કે હજી સુધી અમે મુખ્ય આરોપી સુધી પહોંચી નથી શક્યા. જ્યાં સુધી અમે આરોપીઓ અને તેમના ઈરાદાઓ વિશે તેમની પૂછપરછ ના કરી લઈએ ત્યાં સુધી કોઈ નિવેદન ના કરી શકીએ.

ફાઝિલની હત્યા વિશે વિવાદાસ્પદ નિવેદન
કાલી મઠના પ્રમુખ ઋષિ કુમાર સ્વામીએ કહ્યું, જો ફાઝિલની હત્યા અમારા લોકો દ્વારા કરવામાં આવી છે તો હું ખૂબ ખુશ છું અને હજી 9 માથાં બાકી છે. દરેક એક માથાના બદલામાં અમારે 10 માથાં જોઈએ. જો પોલીસ પ્રવીણના હત્યારાઓનું એન્કાઉન્ટર નથી કરી શકતી તો અમને બંદૂક આપો, અમને તમને શીખવાડીએ કે એ કેવી રીતે થાય.

SDPIએ સંઘ અને BJP પર લગાવ્યો આરોપ
SDPIની રાજ્ય સમિતિના સભ્ય આઠવુલ્લા જોકટ્ટેએ આરોપ લગાવ્યો છે કે ફાઝિલની હત્યા પાછળ સંઘ પરિવાર અને ભાજપ સરકારના અધિકારીઓના ઉશ્કેરણીજનર નિવેદન અને કન્નડ મીડિયાના સાંપ્રદાયિક ઝઘડા કારણભૂત છે. તેમણે કહ્યું હતું કે પ્રવીણના પરિવારને મળવા અને વળતરની જાહેરાત કરવા પહોંચેલા મુખ્યમંત્રી બોમ્મઈએ દોઢ મહિના પહેલાં સંઘ સાથે જોડાયેલા અમુક લોકો દ્વારા મારવામાં આવેલા પેરલમપદી ચરણરાજ અને કલાંજા મસૂદના ઘરે ના જઈને તેમનું ચારિત્ર દેખાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...