• Gujarati News
  • National
  • Karnataka Congress Chief DK Shivakumar Blames Social Media Manager Said PM Illiterate

PMને અંગૂઠા છાપ ગણાવ્યા, હવે ટ્વીટ ડિલિટ કર્યું:કર્ણાટક કોંગ્રેસના ચીફ ડીકે શિવકુમારે સોશિયલ મીડિયા મેનેજર પર દોષનો ટોપલો ઢોળ્યો

એક મહિનો પહેલા

કર્ણાટક કોંગ્રેસે મંગળવારે તેમનું એ ટ્વીટ ડિલિટ કરી દીધું છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગૂઠા છાપ અને અભણ કહ્યા હતા. આ ટ્વીટ માટે હવે કોંગ્રેસે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. કર્ણાટક કોંગ્રેસના ચીફ ડીકે શિવકુમારે કહ્યું હતું કે કર્ણાટક કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી નવું નવું શીખતા સોશિયલ મીડિયા મેનેજર દ્વારા આ ભૂલ કરવામાં આવી છે. અમે આ અસભ્ય અને ખરાબ ટ્વીટને ડિલિટ કરી રહ્યા છીએ.

દેશ અંગૂઠા છાપ મોદીને કારણે ઘણું સહન કરે છે
કર્ણાટક કોંગ્રેસે કન્નડમાં કરેલા તેમના ટ્વીટમાં લખ્યું હતું કે કોંગ્રેસે સ્કૂલો બનાવી, પણ મોદી કદી ભણવા જ ના ગયા. કોંગ્રેસે વયસ્કોને પણ ભણાવવા માટે ઘણી યોજના બનાવી, પરંતુ વડાપ્રધાન ત્યાં પણ કઈ ના શીખ્યા. જે લોકોએ ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ છતાં ભીખ માગવાનું પસંદ કર્યું, તેઓ આજે સામાન્ય જનતાને ભીખ માગવા માટે પ્રેરિત કરી રહ્યા છે. દેશ અંગૂઠાછાપ મોદીને કારણે ઘણું સહન કરી રહ્યો છે.

ભાજપે કહ્યું- માત્ર કોંગ્રેસ જ આ હદ સુધી જઈ શકે
કોંગ્રેસ પાર્ટીના આ ટ્વીટ વિશે ભાજપનાં પ્રવક્તા માલવિકા અવિનાશે કહ્યું હતું કે માત્ર કોંગ્રેસ જ આટલી નીચે જઈ શકે. આ ટિપ્પણી જવાબ આપવા લાયક પણ નથી.

બે સીટ પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી
કર્ણાટકમાં સિંદગી અને હંગલ વિધાનસભા વિસ્તારો માટે 30 ઓક્ટોબરે પેટાચૂંટણી થવાની છે. જનતા દળ સેક્યુલર અને ભાજપના ધારાસભ્યોનાં નિધન પછી આ સીટ ખાલી થઈ હતી. સત્તાધીશ ભાજપ માટે ઘણું દાવ પર છે, કારણ કે બસવરાજ બોમ્મઈ પછી બીએસ યેદિયુરપ્પાની જગ્યાએ મુખ્યમંત્રી બન્યા પછી આ પહેલું મતદાન છે.
હંગલ નવા મુખ્યમંત્રીના મત વિસ્તાર શિગગાંવની એકદમ બાજુમાં જ છે. કોંગ્રેસને આશા છે કે 2023માં થનારી રાજ્યની ચૂંટણી પહેલાં બંને સીટ પર જીત મળતાં પાર્ટી મજબૂત થશે.

અન્ય સમાચારો પણ છે...