લોકપાલની એન્ટિ-કરપ્શન બ્રાન્ચે ગઈકાલે ભાજપના ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલની 40 લાખ રૂપિયાની રુશ્વત લેતી વખતે ધરપકડ કરી હતી. તેમની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી. કર્ણાટકે લોકપાલને જણાવ્યું હતું કે પ્રશાંત મદલ BWSSBમાં ચીફ એકાઉન્ટન્ટ છે. આજે લોકપાલના અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા છે, જ્યાંથી લગભગ 6 કરોડ રૂપિયા રોકડ મળ્યા છે અને હજુ પણ તપાસ ચાલુ છે.
ઘરમાંથી અત્યાર સુધીમાં 7.62 કરોડ રૂપિયા મળ્યા છે
ગઈકાલે ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખ રૂપિયાની રુશ્વત લેતાં રંગેહાથે પકડી પાડ્યા પછી લોકપાલ અધિકારીઓએ દરોડા પાડ્યા અને તેના તેમજ તેના સહયોગીઓના ઘરેથી અત્યાર સુધીમાં 7.62 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ દરોડા ધારાસભ્યના ઘરે પણ ચાલી રહ્યા છે. લોકપાલની ટીમે ભાજપના ધારાસભ્ય વીરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંતના ઘરે અને કાર્યાલયમાંથી રોકડ રકમ પકડી પાડી, જેઓ બેંગલુરુ પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)ના ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.
ઓફિસમાં તપાસ દરમિયાન 1 કરોડ 22 લાખ રૂપિયા રોકડ મળ્યા
નોંધનીય છે કે ગઇકાલે BJP MLA વીરુપક્ષપ્પાની ઓફિસમાં દરોડા પાડીને લોકપાલ ટીમે MLAના પુત્ર અને સરકારી અધિકારી પ્રશાંતને 40 લાખ રૂપિયાની રુશ્વત લેવાના આરોપમાં પકડ્યો હતો. ઓફિસમાં તપાસ દરમિયાન 40 લાખ સિવાય 1 કરોડ 22 લાખ રોકડ પણ મળ્યા હતા. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સ્પષ્ટ છે કે ઓફિસમાં મળેલા 1 કરોડ 62 લાખ રૂપિયા રુશ્વતના રૂપિયા છે. તેમના ઘરેથી જે 6 કરોડ રૂપિયા રોકડ અને ઘરેણાં મળ્યાં છે, એના સોર્સ ઓફ ઇન્કમને લઇને આરોપી પ્રશાંતની પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકપાલ સૂત્રોએ જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયા રોકડ સોંપવા આવેલા પ્રશાંતના સંબંધી સિદ્ધેશ, લેખાકાર સુરેન્દ્ર તેમજ નિકોલસ અને ગંગાધર નામનાં બે અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રશાંતના પિતાએ કહ્યું- હું કોઈ ટેન્ડરમાં સામેલ નથી
પ્રશાંતના પિતા મદલ વીરુપક્ષપ્પા કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીના ધારાસભ્ય છે. તેમણે કહ્યું- મને આ અંગે કોઈ જાણકારી નથી. આ અંગે મને જાણકારી મીડિયા દ્વારા મળી છે. આ અંગે મેં મારા દીકરા સાથે વાત કરી નથી, કેમ કે તે હવે લોકપાલની કસ્ટડીમાં છે. હું કોઈ ટેન્ડરમાં સામેલ નથી.
ધારાસભ્યના ઘરે દરોડા અંગે કર્ણાટક CMએ શું કહ્યું?
ત્યાં જ આ મામલે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનું પણ નિવેદન સામે આવ્યું છે. સીએમ બોમ્મઈએ કહ્યું હતું કે હવે બધું જ લોકાયુક્ત સામે છે, તેમની તરફથી સ્વતંત્ર અને ન્યાય સંગત તપાસ થવી જોઈએ. આ કોના રૂપિયા છે, કોના માટે લાવવામાં આવ્યા છે, આ બધી વાતો સામે આવવી જોઈએ. સત્ય સામે આવવું જરૂરી છે, એટલે અમે લોકપાલને બનાવ્યો છે. કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે, પહેલાં તેમને પૂછો કે કરપ્શનના આરોપમાં ફસાયેલા તેમના અનેક મંત્રીઓ અને ધારાસભ્યને બચાવવા માટે ACBને બંધ કેમ કરી દેવામાં આવ્યું. 5 વર્ષ સુધી ACBને બંધ કેમ કરવામાં આવ્યું, હવે લોકપાલની તપાસ થઈ રહી છે, તેમના ગોટાળા પણ સામે આવશે, બધી જ બાબતોની તપાસ થવી જોઈએ, અમે સત્યની સાથે છીએ. જેની પણ ભૂલ થશે તેને સજા ચોક્કસ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.