કર્ણાટકમા ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલીની દીકરી રેણુકા લિંબાવલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોલીસકર્મી સાથે ઝઘડતી દેખાય છે. હકીકતમાં ટ્રાફિક સિગ્નલ તોડતાં તેને ટ્રાફિક-પોલીસે રોકી હતી. ત્યાર પછી છોકરીએ રૂઆબ બતાવવાનું શરૂ કર્યું હતું અને રસ્તા પર જ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે પોલીસે યુવતી પર 10 હજારનો દંડ લગાવીને એનો બધી હેકડી ઉતારી દીધી હતી.
બનાવ બેંગલુરુના રાજભવન પાસેનો હોવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ ધારાસભ્ય અરવિંદ લિંબાવલીની દીકરી તેના મિત્રો સાથે બીએમડબ્લ્યુ કારમાં ક્યાંક જતી હતી. આ દરમિયાન તેણે રેડ લાઈટને ઈગ્નોર કરીને સિગ્નલ તોડ્યું હતું. ત્યાર પછી ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને રોકી અને તેના પર દંડ લગાડવાની વાત પણ કરી હતી.
ખૂબ ઝઘડો કર્યો
પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા પછી યુવતીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને તેણે રસ્તા વચ્ચે જ પોલીસ સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. માનવામાં આવે છે કે યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરામેન સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. ઝઘડો કરતી વખતે યુવતીએ તેના પિતા ધારાસભ્ય હોવાનો પણ રોફ દેખાડ્યો હતો અને કાર રોકતાં ધમકી આપી હતી. આ દરમિયાન રાજભવન તરફ રસ્તો જામ થઈ ગયો હતો.
દંડ ભરવાના પણ પૈસા નહોતા
જોકે પોલીસે યુવતીની એકપણ વાત ના સાંભળી અને તેને રૂ. 10 હજારનો દંડ કર્યો હતો. ત્યાર પછી યુવતી થોડી શાંત થઈ હતી. યુવતીએ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી, તેથી તેને જવા દે, પરંતુ પોલીસે તેની કોઈ વાત માની નહોતી. અંતે, કારમાં બેઠેલા યુવતીના મિત્રોએ તેનો દંડ ભર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.