કોંગ્રેસનેતા કપિલ સિબ્બલે સોમવારે વિપક્ષના નેતાઓને દાવત પર બોલાવ્યા હતા, જોકે એમાં સરકારને ઘેરી લેવા અને 2024ની ચૂંટણીમાં ભાજપ સામે એક થવાનો મુદ્દો છવાયેલો રહ્યો, પરંતુ ખાસ વાત એ હતી કે આમાં ગાંધી પરિવારમાંથી કોઈ ન હતું.
આ દાવત એવા સમયે આપવામાં આવી છે, જ્યારે રાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે છે અને પ્રિયંકા વિદેશમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરી એક વખત આ દાવતમાં કોંગ્રેસમાં ફેરફારનો મુદ્દો ઊભો થયો છે. અહેવાલો અનુસાર, કેટલાક નેતાઓએ કહ્યું છે કે કોંગ્રેસનો કાયાકલ્પ ત્યારે જ શક્ય છે જ્યારે ગાંધી પરિવાર નેતૃત્વ છોડે. અકાલી દળના નરેશ ગુજરાલે સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે ગાંધી પરિવારની 'પકડ' માંથી બહાર નીકળ્યા વગર કોંગ્રેસ માટે મજબૂત બનવું મુશ્કેલ છે.
આ દાવત એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે સિબ્બલ સહિત કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાએ ગયા વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફારો કરવાની જરૂરિયાત જણાવી હતી. સિબ્બલની પાર્ટીમાં પી. ચિદમ્બરમ, શશિ થરૂર અને આનંદ શર્મા પણ હાજર રહ્યા હતા. આ ત્રણેય નેતાએ કોંગ્રેસના ભવિષ્ય અંગે પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે.
NDAથી અલગ થયેલા અકાલી દળના નેતાઓ પણ પહોંચ્યા હતા
સિબ્બલની પાર્ટીમાં અન્ય વિપક્ષી પાર્ટીઓમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, સપા પ્રમુખ અખિલેશ યાદવ, શિવસેના સાંસદ સંજય રાઉત, NCP પ્રમુખ શરદ પવાર, તૃણમૂલના ડેરેક ઓ'બ્રાયન, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, DMKના ત્રિરુચિ શિવા, RLDના જયંત ચૌધરી સામેલ હતા.
જ્યારે નવીન પટનાયકના બીજુ જનતા દળ (BJD)ના પિનાકી મિશ્રા પણ ત્યાં પહોંચ્યા હતા. TDP અને YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પણ સિબ્બલની પાર્ટીમાં હાજરી આપી હતી. સિબ્બલે પહેલી વખત અકાલી દળને પણ આમંત્રણ આપ્યું હતું. અકાલી દળ તરફથી નરેશ ગુજરાલ દાવત સમારંભમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે અકાલી દળે ગયા વર્ષે કૃષિ કાયદાના મુદ્દે NDAથી અલગ થઈ ગયુ હતું.
વિપક્ષના નેતાઓને આપવામાં આવેલી દાવતમાં સિબ્બલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે વર્તમાન સરકારમાં તમામ સંસ્થાઓ બરબાદ થઈ ગઈ છે. તેમણે તમામ વિપક્ષી દળોએ સ્પષ્ટ ધ્યાન રાખીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યારે પણ કોંગ્રેસ મજબૂત થાય છે ત્યારે વિપક્ષ પણ મજબૂત બને છે, સાથે જ તેમણે એ સવાલ પણ પૂછ્યો હતો કે કોંગ્રેસને મજબૂત કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.